Amit Shah inaugurated the Pharmaceutical Academy for Global Excellence in Sanathal Ahmedabad | અમદાવાદ
Last Updated:
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના સનાથલમાં ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સનો શિલાન્યાસ કર્યો હતો. સાથે જ IPAના 25 વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી.
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE) નો શિલાન્યાસ કર્યો. PAGE એ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA)ની સભ્ય કંપનીઓ દ્વારા શરૂ કરાયેલ ઉદ્યોગ આધારિત નેશનલ સ્કિલિંગ ઇનિશિયેટિવ છે. આ પહેલ માટે IPA ના સભ્યોએ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને ગુણવત્તા ઉત્કૃષ્ટતાને ધ્યાનમાં રાખીને કુલ 50 મિલિયન અમેરિકન ડોલરની રકમ ફાળવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સનું પણ લોકાર્પણ કરાયું. આ પહેલ ભારતના ફાર્મા સેક્ટરને એક સ્ટ્રેટેજિક નેશનલ એસેટ તરીકે રજૂ કરે છે. આ કાર્યક્રમ ઐતિહાસિક બની ગયો કારણ કે તેમાં કેપેસિટી બિલ્ડિંગ તથા સંસ્થાકીય વારસાને મજબૂત બનાવતી બે રાષ્ટ્રીય પહેલોની શરૂઆત કરાઇ.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર એક સ્ટ્રેટજિક નેશનલ એસેટ છે, જે જાહેર આરોગ્ય, આર્થિક શક્તિ અને વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતા સાથે સીધું જોડાયેલું છે. PAGE આત્મનિર્ભર ભારત તરફનું મહત્વપૂર્ણ પગલું છે. આનાથી એડવાન્સ સ્કિલ્સ, ગુણવત્તા અને ઇન્ડસ્ટ્રી એકેડેમિક સહયોગ દ્વારા દેશની આંતરિક ક્ષમતાઓને મજબૂત બનશે. વિકસિત ભારત 2047 વિઝન હેઠળ, ભારત ‘મેક ઇન ઇન્ડિયા’ થી ‘ડિસ્કવર એન્ડ મેક ઇન ઇન્ડિયા’ તરફ નિર્ણાયક રીતે આગળ વધશે, જેમાં ગુણવત્તા અને નવીનતા વિકાસના સ્તંભો હશે.”
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું, “ગુજરાત લાંબા સમયથી ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં અગ્રેસર રહ્યું છે. અમદાવાદમાં PAGE એકેડેમીની સ્થાપના રાજ્યની રાષ્ટ્રીય ફાર્મા હબ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવવા સાથે દેશના આરોગ્ય તથા અર્થતંત્રમાં મોટું યોગદાન આપશે.”
IPA ની સભ્ય કંપનીઓના સામૂહિક પ્રયાસ રૂપે શરૂ કરાયેલા PAGE નો હેતુ વૈશ્વિક સ્તરની તાલીમ સંસ્થાઓ સ્થાપવાનો છે, જેમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ, ગુણવત્તા સિસ્ટમ્સ અને ઓપરેશન્સ માટે ઉચ્ચ કુશળ માનવ સંસાધન તૈયાર કરવામાં આવશે.
LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે Pharmaceutical Academy for Global Excellence(PAGE)નું ખાતમુહૂર્ત. તાલુકો: સાણંદ, જિ: અમદાવાદ https://t.co/NZPEkZzIEj
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 13, 2026
ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સ પહેલ IPA અને IIM અમદાવાદ આર્કાઇવ્સના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. આ પહેલ આઝાદી સમયે ભારતની આયાત પર આધારિતતાથી લઈને આજે વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત દવાઓ તથા વેક્સિનના ગ્લોબલ સપ્લાયર બનવાની દેશની સફરનું ડોક્યુમેન્ટેશન કરે છે. આમાં ઉદ્યોગના સંસ્થાપકો, સંશોધકો અને પોલિસી મેકર્સની સાથે કરાયેલી પ્રત્યક્ષ વાતચીતના આધારે તૈયાર કરાયેલ, ‘ધ એલ્કેમી ઓફ ક્યોર’ નામનું કૉફી ટેબલ પુસ્તક અને ઉચ્ચ એકેડેમિક સ્ટાન્ડર્ડ્સના આધારે તૈયાર એક ડિજિટલ પ્લેટફોર્મનો પણ સમાવેશ થાય છે.
IPA ના પ્રમુખ અને ઝાયડસ લાઇફસાયન્સિસના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શાર્વિલ પટેલે જણાવ્યું, “PAGEએ સ્કીલ્ડ ટેલેન્ટ, પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને સ્ટ્રોંગ ક્વોલિટી સિસ્ટમ્સ દ્વારા વર્લ્ડક્લાસ ઉત્પાદન ક્ષમતાઓ વિકસાવવા ઉદ્યોગની સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. સાથે સાથે, ‘ધ એલ્કેમી ઓફ ક્યોર’ ભારતના ફાર્મા ક્ષેત્રની 25 વર્ષની વૈજ્ઞાનિકતા, ઉદ્યોગસાહસિકતા અને હેતુ પ્રેરિત યાત્રાને રેખાંકિત કરે છે અને ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપવા અને વૈશ્વિક સ્વાસ્થ્યને આગળ વધારવામાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવવા માટે આ વારસાને સાચવે છે.”
PAGE દ્વારા નવા ગ્રેજ્યુએટ્સ, શોપફ્લોર ઓપરેટર્સ, ફાર્મા કંપનીઓના કર્મચારીઓ, MSME એકમો અને વર્કિંગ પ્રોફેશનલ્સ માટે માળખાગત તાલીમ કાર્યક્રમો આપવામાં આવશે, જેથી સમગ્ર ફાર્માસ્યુટિકલ વેલ્યુ ચેઇનમાં સતત ક્ષમતા વિકાસ શક્ય બને.
આ કાર્યક્રમમાં અગ્રણી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના લીડર્સ, સરકારી અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.
Ahmedabad,Gujarat
Jan 13, 2026 10:36 PM IST
