Bangladesh Mob Lynching: Hindu Youth Beaten to Death Days After Dipu Das Killing | બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની ઢોર માર મારીને હત્યા: અઠવાડિયામાં બીજી ઘટના; અગાઉ દીપુ દાસને મારીને સળગાવી દેવાયો હતો


ઢાકા53 મિનિટ પેહલા

  • કૉપી લિંક
(ફાઇલ ફોટો) - Divya Bhaskar

(ફાઇલ ફોટો)

બાંગ્લાદેશમાં ફરી એકવાર ઉશ્કેરાયેલા ટોળાએ એક હિન્દુ યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના બુધવારે રાત્રે આશરે 11:00 વાગ્યે રાજબાડી જિલ્લાના હોસેનડાંગા ગામમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ 29 વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ તરીકે થઈ છે.

આ અગાઉ 18 ડિસેમ્બરે ઢાકા પાસે અન્ય એક હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની પણ ટોળાએ હત્યા કરી હતી અને બાદમાં તેને ઝાડ પર લટકાવીને સળગાવી દીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, અમૃત મંડલ પર ખંડણી માગવાનો આરોપ લગાવીને ટોળાએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક હોસેનડાંગા ગામનો જ રહેવાસી હતો. આ કેસમાં પોલીસે અમૃતના સાથી મોહમ્મદ સલીમની ધરપકડ કરી છે અને તેની પાસેથી બે હથિયારો પણ કબજે કર્યા છે.

પોલીસ SSPએ જણાવ્યું કે, સમ્રાટના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજબાડી સદર હોસ્પિટલના મોર્ગમાં મોકલી દેવામાં આવ્યો છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે સમ્રાટ વિરુદ્ધ પાંગશા પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા બે કેસ નોંધાયેલા છે, જેમાં એક હત્યાનો કેસ પણ સામેલ છે.

પોલીસે સમ્રાટના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજબારી સદર હોસ્પિટલના શબઘરમાં મોકલી આપ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

પોલીસે સમ્રાટના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજબારી સદર હોસ્પિટલના શબઘરમાં મોકલી આપ્યો છે. (પ્રતિકાત્મક તસવીર)

સમ્રાટ પર ગેંગ બનાવીને ખંડણી વસૂલવાનો આરોપ

ડેઇલી સ્ટારના રિપોર્ટ અનુસાર, સ્થાનિક લોકોએ સમ્રાટ પર એક ગુનાહિત ગેંગ બનાવવાનો આરોપ લગાવ્યો છે. તે લાંબા સમયથી ખંડણી વસૂલવા અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો.

ભારતમાં લાંબા સમય સુધી છુપાયા પછી, તે તાજેતરમાં ઘરે પાછો ફર્યો હતો. કથિત રીતે સમ્રાટે ગામના રહેવાસી શાહિદુલ ઇસ્લામ પાસેથી ખંડણીની રકમ માંગી હતી.

ગઈકાલે રાત્રે સમ્રાટ અને તેના સાથીઓ શાહિદુલના ઘરે પૈસા લેવા ગયા હતા. જ્યારે ઘરના સભ્યોએ ‘ચોર’ બૂમો પાડીને અવાજ કર્યો, ત્યારે સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને સમ્રાટને માર માર્યો.

તેના અન્ય સાથીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા, જ્યારે સલિમ હથિયારો સાથે પકડાયો.

દીપુ દાસની ઈશનિંદાના ખોટા આરોપમાં હત્યા

બાંગ્લાદેશમાં 18 ડિસેમ્બરની મોડી રાત્રે હિંસક પ્રદર્શનકારીઓના હુમલામાં માર્યા ગયેલા હિન્દુ યુવકના મામલે મોટો ખુલાસો થયો છે. અગાઉ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મૃતક દીપુ ચંદ્ર દાસે ફેસબુક પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરી હતી, પરંતુ હવે તપાસમાં આવી કોઈ પણ ટિપ્પણીના પુરાવા મળ્યા નથી.

બાંગ્લાદેશની રેપિડ એક્શન બટાલિયન (RAB)ના કંપની કમાન્ડર મોહમ્મદ શમ્સુજ્ઝમાને બાંગ્લાદેશી અખબાર ‘ધ ડેલી સ્ટાર’ને જણાવ્યું હતું કે, એવા કોઈ પુરાવા મળ્યા નથી જેના આધારે કહી શકાય કે દાસે ફેસબુક પર એવું કંઈ લખ્યું હતું જેનાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ હોય. દીપુની હત્યાના કેસમાં અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બાદમાં વિરોધીઓએ યુવકના શરીરને નગ્ન કરી, તેને ઝાડ પર લટકાવી દીધું અને આગ લગાવી દીધી.

બાદમાં વિરોધીઓએ યુવકના શરીરને નગ્ન કરી, તેને ઝાડ પર લટકાવી દીધું અને આગ લગાવી દીધી.

કાપડ ફેક્ટરીમાં કામ કરતા હતા દીપુ

દીપુ મેમનસિંહ જિલ્લાના ભાલુકામાં ‘પાયોનિયર નિટવેયર્સ’ નામની ટેક્સટાઈલ કંપનીમાં કામ કરતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં અચાનક એવી અફવા ફેલાઈ કે દીપુએ ઈશનિંદા કરી છે. જોતજોતામાં આ સમાચાર ફેક્ટરીની બહાર પણ પહોંચી ગયા અને રાત્રે લગભગ 9 વાગ્યા સુધીમાં ફેક્ટરીની બહાર ઉશ્કેરાયેલા લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું.

હિંસક ટોળું ફેક્ટરીની અંદર ઘૂસી ગયું અને દીપુને ખેંચીને બહાર લઈ ગયું હતું. ટોળાએ તેને લાત, મુક્કા અને લાકડીઓથી બેરહેમીપૂર્વક માર મારવાનું શરૂ કર્યું અને તેના કપડાં પણ ફાડી નાખ્યા. આ હુમલા દરમિયાન દીપુનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ ટોળાએ દીપુના ગળામાં દોરડાનો ફાંસો નાખી તેની લાશને રોડ કિનારે આવેલા એક ઝાડ પર લટકાવી દીધી અને પછી તેમાં આગ લગાડી દીધી હતી.

એક વીડિયોમાં ભીડ દીપુ ચંદ્રાના શરીરને આગ લગાવી રહી છે, જ્યારે આસપાસના લોકોએ મોબાઇલ પર વીડિયો રેકોર્ડ કર્યો છે.

એક વીડિયોમાં ભીડ દીપુ ચંદ્રાના શરીરને આગ લગાવી રહી છે, જ્યારે આસપાસના લોકોએ મોબાઇલ પર વીડિયો રેકોર્ડ કર્યો છે.

સ્ટુડન્ટ લીડર ઉસ્માન હાદીની હત્યા બાદ હિંસા ભડકી

દીપુ ચંદ્રની હત્યા જે સમયે થઈ, તે જ ગાળામાં બાંગ્લાદેશમાં ભયાનક હિંસા ફાટી નીકળી હતી. ‘ઇન્કિલાબ મંચ’ના નેતા 32 વર્ષીય શરીફ ઉસ્માન બિન હાદીના મોત બાદ રાજધાની ઢાકા સહિત 4 શહેરોમાં આગજની અને તોડફોડની ઘટનાઓ બની છે.

ઉસ્માન હાદી ઓગસ્ટ 2024માં શેખ હસીના સરકાર વિરુદ્ધ થયેલા વિદ્યાર્થી આંદોલનના મુખ્ય નેતા હતા. તેઓ શેખ હસીના અને ભારત વિરોધી માનવામાં આવતા હતા. 12 ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને ગોળી મારવામાં આવી હતી. યુનુસ સરકારે તેમને વધુ સારવાર માટે સિંગાપોર મોકલ્યા હતા, પરંતુ 18 ડિસેમ્બરે હાદીનું અવસાન થયું હતું.

હાદીના મોતથી ઉશ્કેરાયેલા ટોળાએ બાંગ્લાદેશના બે મોટા અખબારો ‘ધ ડેલી સ્ટાર’ અને ‘પ્રોથોમ આલો’ની ઓફિસોમાં આગ લગાવી દીધી હતી. એવો આરોપ છે કે હાદીના સમર્થક ઇલિયાસ હુસૈને ફેસબુક પોસ્ટ દ્વારા લોકોને રાજબાગ વિસ્તારમાં એકઠા થવા કહ્યું હતું, જ્યાં આ બંને અખબારોની ઓફિસો આવેલી છે.

ઉસ્માન હાદી પોતાના ભાષણોમાં અવારનવાર પ્રોથોમ આલો અને ધ ડેલી સ્ટાર અખબારની ટીકા કરતા હતા. તેઓ આ અખબારો પર હિન્દુઓનો પક્ષ લેવાનો આરોપ લગાવતા હતા અને તેમના બિનસાંપ્રદાયિક વલણને કારણે તેમની આકરી ટીકા કરતા હતા.

———————–

બાંગ્લાદેશથી જોડાયેલા આ સમાચાર પણ વાંચો…

‘દીકરાને મારીને સળગાવી દીધો, હવે ઘર છોડવાની ધમકી’ બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા, પરિવારે કહ્યું- સરકારે મરવા માટે છોડી દીધા

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી અંદાજે 80 કિલોમીટર દૂર, ખેતરોની વચ્ચે બે કાચાં ઘર બનેલાં છે. આમાંનું જ એક 25 વર્ષના દીપુ ચંદ્ર દાસનું છે. 18 ડિસેમ્બરની રાત્રે દીપુને ભીડે ઈશનિંદાના આરોપમાં મારી-મારીને પતાવી નાખ્યો. ત્યાર બાદ તેના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…



Source link