BCCI Central Contract Changes Update; A Plus Category Scrap Kohli Sharma Grade B
સ્પોર્ટ્સ ડેસ્ક47 મિનિટ પેહલા
- કૉપી લિંક

BCCI તેની વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્તમાન કોન્ટ્રાક્ટ માળખામાં સૌથી પ્રીમિયમ A+ કેટેગરીને સ્ક્રેપ એટલે કે તેને કાયમ માટે બંધ કરવાનો પ્રસ્તાવ છે. જો આવું થશે, તો ઈન્ડિયન ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ, વિરાટ કોહલી અને રોહિત શર્માને નવા મોડલમાં ‘ગ્રેડ B’માં રાખવામાં આવી શકે છે.
A+ કેટેગરી ખતમ કરવાનો પ્રસ્તાવ કેમ?
પસંદગી સમિતિ, જેનું નેતૃત્વ પૂર્વ ક્રિકેટર અજીત અગરકર કરી રહ્યા છે, તેમણે કોન્ટ્રાક્ટ સ્ટ્રક્ચરને સરળ અને પ્રેક્ટિકલ બનાવવા માટે ફેરફારો સૂચવ્યા છે. તેમના સૂચનો છે કે, A+ કેટેગરી હટાવવામાં આવે. માત્ર 3 કેટેગરી હશે- A), B અને C.
A+ કેટેગરીમાં આવતા ખેલાડીઓનો વાર્ષિક પગાર અત્યારે સાત કરોડ રૂપિયા છે. તેને હટાવીને માળખાને વધુ પરફોર્મન્સ-આધારિત બનાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આગામી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ પર અંતિમ મહોર લાગી શકે છે.
શું સાચે જ રોહિત-કોહલીનો પગાર ઘટશે?
બોર્ડ આ બાબતને ધ્યાનમાં રાખીને, એક ગ્રેડ ઘટાડવા પર વિચાર કરી રહ્યું છે. જો A+ હટાવી દેવામાં આવે, તો ગ્રેડ ‘A’ માત્ર ઓલ-ફોર્મેટ પ્લેયર્સ માટે રાખવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેને ગ્રેડ ‘B’માં મૂકવામાં આવી શકે છે, જ્યારે ગ્રેડ ‘A’માં ત્રણેય ફોર્મેટમાં રમતા ખેલાડીઓ હોઈ શકે છે.

રોહિત અને કોહલી T20 અને ટેસ્ટમાં નિવૃત્તિ લઈ ચૂક્યા છે. તેઓ હવે માત્ર ODI ફોર્મેટ જ રમે છે.
અત્યારે કોન્ટ્રાક્ટ સ્ટ્રક્ચર કેવું છે?
આ કોન્ટ્રાક્ટ માત્ર ખેલાડીઓને એક વર્ષનો પગાર આપવાનું માધ્યમ નથી, પરંતુ તે BCCIનું એક વ્યવસ્થિત મોડલ છે જેનાથી પરફોર્મન્સ, સાતત્ય, ક્રિકેટના અલગ-અલગ ફોર્મેટમાં યોગદાન અને પસંદગીકારોના મૂલ્યાંકનના આધારે ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં BCCIએ ઘણા આશ્ચર્યજનક નિર્ણયો પણ લીધા છે, જેની ક્યારેક પ્રશંસા થઈ તો ક્યારેક ટીકા પણ વેઠવી પડી છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન બનાવવા માટે BCCIએ છેલ્લા સાયકલમાં કેટલાક ફેરફારો પણ કર્યા હતા.
BCCIએ જ્યારે વર્ષ 2024-2025 માટે ખેલાડીઓના એન્યુઅલ કોન્ટ્રાક્ટની લિસ્ટ જાહેર કરી હતી, ત્યારે તેમાં કુલ 34 ખેલાડીઓ હતા. ચાર ખેલાડીઓને A+ ગ્રેડમાં રાખ્યા હતા. જ્યારે 6 ખેલાડીઓને ગ્રેડ-Aમાં રાખ્યા હતા. પાંચ ખેલાડીઓ ગ્રેડ-B અને 19 ખેલાડીઓ ગ્રેડ-Cમાં હતા.

શુભમન ગિલને ગત વર્ષે ઓસ્ટ્રેલિયા સિરીઝથી વન-ડેનો કેપ્ટન બનાવ્યો હતો.
વર્તમાન સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ કેવી રીતે કામ કરે છે?
BCCI દર વર્ષે ખેલાડીઓને ચાર ગ્રેડમાં વહેંચે છે. A+, A, B, અને C. દરેક ગ્રેડ સાથે એક નિશ્ચિત એન્યુઅલ સેલેરી જોડાયેલી હોય છે, જેને ‘રિટેનર ફી’ કહેવામાં આવે છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મળતી રકમ મેચ ફી કરતા અલગ હોય છે, એટલે કે ખેલાડી ભલે ગમે તેટલી મેચ રમે, આ એન્યુઅલ રિટેનર રકમ ફિક્સ રહે છે.
A+ ગ્રેડ: આમાં આવતા ક્રિકેટરોને વાર્ષિક 7 કરોડ રૂપિયા પગાર મળે છે. આમાં ગણ્યા-ગાંઠ્યા અને નામી ક્રિકેટરો હોય છે.
A ગ્રેડ: આમાં આવતા ક્રિકેટરોને વાર્ષિક 5 કરોડ રૂપિયા પગાર મળે છે. આમાં પણ મહત્વના ખેલાડીઓને સ્થાન આપવામાં આવે છે.
B ગ્રેડ: આમાં આવતા ક્રિકેટરોને વાર્ષિક 3 કરોડ રૂપિયા પગાર મળે છે. આમાં મોટે ભાગે એવા ખેલાડીઓ હોય છે જે એક કે બે ફોર્મેટમાં રમી રહ્યા હોય, પરંતુ કોર ટીમનો હિસ્સો હોય.
C ગ્રેડ: આમાં આવતા ક્રિકેટરોને વાર્ષિક 1 કરોડ રૂપિયા પગાર મળે છે. આમાં એવા ખેલાડીઓ હોય છે જેમની ટીમમાં જગ્યા હંમેશા પાકી ન હોય અથવા જેમને વધુ મેચનો અનુભવ ન હોય, અથવા કોઈ એક ફોર્મેટમાં નિશ્ચિત મેચ રમી ચૂક્યા હોય. આમાં ખેલાડીઓની એન્ટ્રી થતી રહે છે.

વર્તમાન નીતિ અનુસાર ક્રિકેટરોના ગ્રેડ કેવી રીતે નક્કી થાય છે…
ફોર્મેટની પ્રાથમિકતા અને ટેસ્ટ ક્રિકેટનું મહત્વ: BCCIની નીતિમાં ટેસ્ટ ક્રિકેટને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. જે ખેલાડીઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે, અથવા ટેસ્ટમાં મોટું યોગદાન આપે છે, તેમને A+ ગ્રેડ મળે છે. આ જ આધારે અપેક્ષા છે કે ભારતના ટેસ્ટ અને વન-ડે કેપ્ટન શુભમન ગિલને આગામી સાયકલમાં A+ કેટેગરીમાં સામેલ કરવામાં આવી શકે છે.
પ્રદર્શન અને સાતત્ય સૌથી મહત્વનું: ખેલાડીઓનો ગ્રેડ તેમના પાછલા કોન્ટ્રાક્ટ સાયકલના પ્રદર્શન પર નિર્ભર કરે છે. સતત સારું પ્રદર્શન કરવા પર પ્રમોશન આપવામાં આવે છે, જ્યારે ફોર્મ, ફિટનેસ કે ભાગીદારીમાં ઘટાડો થવા પર ડિમોશન આપવામાં આવે છે. આ જ કારણસર કોહલી અને રોહિતની સ્થિતિ પર ચર્ચા શરૂ થઈ છે.
લઘુત્તમ મેચ રમવાનો નિયમ: કોઈ પણ ખેલાડીને ગ્રેડ ‘C’ માટે પાત્ર બનવા માટે અમુક ઈન્ટરનેશનલ મેચ રમવી જરૂરી છે. જેમ કે, કોઈ એક ખેલાડીને ગ્રેડ-Cમાં સામેલ થવા માટે ત્રણ ટેસ્ટ, આઠ વન-ડે અથવા 10 T20 ઇન્ટરનેશનલ રમવું જરૂરી છે. માત્ર વધુ મેચ રમવાથી ઉચ્ચ ગ્રેડ મળતો નથી, ફોર્મેટની પ્રાથમિકતા અને પ્રદર્શન વધુ મહત્વપૂર્ણ છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં હાજરી અનિવાર્ય: તાજેતરના વર્ષોમાં BCCIએ સ્પષ્ટ કર્યું છે કે જે ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યા નથી, તેમણે ડોમેસટિક ક્રિકેટ, ખાસ કરીને રણજી ટ્રોફી રમવી પડશે. આ નિયમનું પાલન ન કરવા બદલ ઘણા ખેલાડીઓને કોન્ટ્રાક્ટમાંથી બહાર પણ કર્યા છે. શ્રેયસ અય્યર અને ઈશાન કિશન તેના સચોટ ઉદાહરણો છે.
શું પગારનું માળખું પણ બદલાશે? RO-KOને કેટલું નુકસાન?
A+ ગ્રેડના ખેલાડીઓને સાત કરોડ રૂપિયા મળે છે અને ગ્રેડ-Aના ખેલાડીઓને પાંચ કરોડ. હજુ એ સ્પષ્ટ નથી કે ફેરફારો માત્ર કેટેગરી સુધી મર્યાદિત હશે કે સેલરીમાં પણ ફેરફાર થશે. એટલે કે, મીડિયા રિપોર્ટમાં એ જણાવાયું નથી કે A કેટેગરીના ખેલાડીઓને કેટલો પગાર મળશે. જો એ કેટેગરીના ખેલાડીઓને પાંચ કરોડ જ આપવામાં આવશે તો C કેટેગરીના ખેલાડીઓને ત્રણ કરોડ રૂપિયા મળશે. એટલે કે, બંને ખેલાડીઓ, રોહિત-કોહલીને વાર્ષિક ચાર-ચાર કરોડ રૂપિયાનો ઘટાડો સહન કરવો પડી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રોહિત અને કોહલીને એક જ ફોર્મેટ રમતા હોવાથી BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમા ડિમોશન મળી શકે છે.
આ ફેરફારો પાછળનો વિચાર શું છે?
આ ફેરફારોને સમજવા માટે કેટલાક સંભવિત કારણો જોઈ શકાય છે:
નવી પેઢીનું પ્રદર્શન: T20 અને ટેસ્ટમાં યુવા ખેલાડીઓ વધુ એક્ટિવ છે.
ફોર્મેટ સ્પેશિયલાઇઝેશન: હવે ખેલાડીઓ માત્ર એક-બે ફોર્મેટ પર જ ધ્યાન આપે છે.
પસંદગીમાં પારદર્શિતા: કોન્ટ્રાક્ટને મેચની ઉપલબ્ધતા અને ફિટનેસ સાથે જોડવો.
વૈશ્વિક ટ્રેન્ડ: ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પણ ફોર્મેટ-આધારિત પદ્ધતિ અપનાવવામાં આવી છે.