‘BJP ચૂંટણી પંચને હાથા તરીકે વાપરે છે,’ વોટ ચોરી મુદ્દે ગુજરાત કોંગ્રેસ આક્રમક, કરી દીધી મોટી જાહેરાત- Gujarat Congress made big announcement on issue of BJP vote CHORI | ગાંધીનગર
Last Updated:
Gujarat Vote Chori News: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી વોટ ચોરી મુદ્દે ફરી એકવાર ભાજપ પર આક્ષેપો કર્યા છે. ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, મતદાર યાદીમાં ગેરરીતિ થઈ રહી છે અને ભાજપ ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહ્યું છે. ત્યારે આ મામલે કોંગ્રેસ 5 કરોડ નાગરિકોની સહી એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે. આગામી 3 ઑક્ટોબરથી આ અભિયાન શરૂ થશે.
ગાંધીનગર: દેશભરમાં હાલ ભાજપ પર વોટ ચોરીના આક્ષેપનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે પણ આજે એક પત્રકાર પરિષદ યોજી મતદાર યાદીમાં ગેરરીતિ અને “વોટ ચોરી” મુદ્દે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પહેલેથી જ આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે અને હવે આ મુદ્દે કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન કરશે.
આજની પત્રકાર પરિષદમાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલે કહ્યું કે, આજે દેશભરમાં નાગરિકોના મૂળભૂત વોટ અધિકાર સાથે ચોરી થઈ રહી છે. તમામ વિધાનસભા વિસ્તારોમાં ખોટા પુરાવા અને ખોટી યાદીઓના આધારે મતદાર યાદી સાથે છેડછાડ થઈ રહી છે. તેમના કહેવા મુજબ, “ભાજપ પોતાના હિત માટે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહ્યું છે. ભાજપ દેશની લોકશાહી પર ઘા કરી રહી છે.”
ઇન્દ્રવિજયસિંહ ગોહિલે સ્પષ્ટ કર્યું કે, “તાજેતરના મતદાર આંકડાઓમાં સ્પષ્ટ ગેરરીતિ દેખાઈ રહી છે. આ મુદ્દે વિપક્ષ પ્રશ્ન પૂછે ત્યારે જવાબ આપવાના બદલે ભાજપ તરફથી ધમકીઓ અપાય છે. જેથી કોંગ્રેસ હવે શાંત નહીં રહે, કોંગ્રેસ પાસે તમામ પુરાવા ઉપલબ્ધ છે અને તે મુદ્દો ચૂંટણી પંચ સામે મજબૂતીથી ઉઠાવવામાં આવશે.”
વધુમાં ગોહિલે ભાજપ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, “ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ચૌરાસી મતવિસ્તારમાં પણ મતદારોમાં ગેરરીતિ થઈ રહી છે. ત્યારે ભાજપ પોતાના ભારથી જ તૂટી રહી છે. ચૂંટણી પંચને હાથા તરીકે વાપરનાર ભાજપે મતનું મૂલ્ય ખતમ કરી નાખ્યું છે.”
પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષે ભારપૂર્વક કહ્યું કે, ‘આ અભિયાન અંતર્ગત કોંગ્રેસે જાહેરાત કરી છે કે 5 કરોડ નાગરિકોની સહી એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ અભિયાન 3 ઑક્ટોબરથી શરૂ થશે અને તેમાં યુવાનો તથા મહિલાઓને ખાસ જોડાશે. રાજ્યના દરેક મતવિસ્તારમાં કોંગ્રેસ સંમેલનો યોજાશે. અંતે દિલ્હી ખાતે સૌથી મોટી માર્ચ યોજી નાગરિકોને ચૂંટણી પંચ સામે મોરચામાં જોડાશે.’
નોંધનીય છે કે, આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્દ્રવિજયસિંહ ગોહિલે વોટ ચોરીના મુદ્દા સિવાય ગુજરાતની હાલની પરિસ્થિતિ પર પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે – રાજ્યની મહિલાઓ મોંઘવારી સામે લડી રહી છે. વેપારીઓને ભાજપ ભ્રમિત કરે છે. અનેક ઉદ્યોગો ખતમ થઈ ગયા છે. યુવાનો વિદેશ તરફ જઈ રહ્યા છે. ભાજપ માત્ર સત્તા વહેંચણીમાં વ્યસ્ત છે.
પત્રકાર પરિષદમાં અંતે તેમણે કહ્યું કે, “ભાજપ ગબ્બરસિંહ ટેક્સ ઉઘરાવીને નાગરિકો સાથે છલ કરી રહી છે.” કુલ મળી કોંગ્રેસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, આગામી સમયમાં “વોટ ચોરી” મુદ્દાને કેન્દ્રમાં રાખી જનજાગૃતિ અભિયાન, સંમેલનો અને દિલ્હી સુધી માર્ચ દ્વારા ભાજપ અને ચૂંટણી પંચ સામે આક્રમક રાજકીય લડત આપવામાં આવશે.
Gandhinagar,Gujarat
October 01, 2025 6:58 PM IST
