Editor's View: ઈરાન યુદ્ધ પહેલાં મોદીનો માસ્ટર સ્ટ્રોક:ઈઝરાયલમાં 48 કલાકની ડિપ્લોમસી પર દુનિયાની નજર; ઈન્ડિયા આવી શકે આયરન ડોમ; નહેરૂથી મોદી સુધી ઈઝરાયલના સંબંધની ઈનસાઈડ સ્ટોરી
![]()
જુલાઈ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલ ગયા હતા. તેના 9 વર્ષ પછી ફરી બે દિવસ ઈઝરાયલ જવાના છે. ઈઝરાયલની રાજધાની જેરૂસલેમમાં નેતન્યાહૂ સાથે મોદી મુલાકાત કરશે. 25-26 ફેબ્રુઆરી, મોદીની ઈઝરાયલની મુલાકાત પર દુનિયાની નજર છે. અત્યારે મીડલ ઈસ્ટમાં તણાવ છે. અમેરિકા ગમે ત્યારે ઈરાન પર હુમલો કરી શકે તેમ છે. આમ તો ઈરાન સાથે અમેરિકાને ન્હાવા નીચોવાનો સંબંધ નથી પણ ઈઝરાયલ માટે લડવા તૈયાર છે. ઈરાન અને ઈઝરાયલ પાડોશી દેશો છે. બંને વચ્ચે વર્ષોથી વૈમનસ્ય ચાલ્યું આવે છે. આવા સમયે મોદી ઈઝરાયલ જાય છે, આ મુલાકાત મીડલ ઈસ્ટનું ભવિષ્ય નક્કી કરી શકે છે. બીજું, ઈઝરાયલમાં નેતન્યાહૂથી ત્યાંના લોકો નારાજ છે. વિપક્ષ પણ કંટાળી ગયો છે. ઈઝરાયલના વિપક્ષી નેતા લેયર લેપિડે ચેતવણી આપી છે કે, નેસેટમાં (સંસદમાં) અમારી શરતો માનવામાં નહીં આવે તો અમે મોદીના ભાષણનો બહિષ્કાર કરીશું. જો આવું થાય તો નેતન્યાહૂની નીતિના કારણે ઈઝરાયલમાં મોદીનું અપમાન થયું ગણાય. પણ ઈઝરાયલ અને ભારતના સંબંધો જે રીતે મજબૂત છે તે જોતાં એવું લાગે છે કે નેતન્યાહૂ વિપક્ષને મનાવી લેશે. નમસ્કાર, ભારત અને ઈઝરાયલના સંબંધો પ્રમાણમાં સારા રહ્યા છે. ઈન્દિરાની સરકાર અને પછી નરસિમ્હા રાવની સરકાર હતી ત્યાં સુધી ભારત અને ઈઝરાયલના ડિપ્લોમેટિક સંબંધો નહોતા. ધીમે ધીમે ભારત-ઈઝરાયલના ડિપ્લોમેટિક સંબંધો બન્યા પણ આ સંબંધો વધારે મજબૂત બન્યા મોદી સરકારમાં. 2014માં મોદી વડાપ્રધાન બન્યા. 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઈઝરાયલ ગયા. ઈઝરાયલની મુલાકાત લેનારા ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા. 2017માં નરેન્દ્ર મોદી ઈઝરાયલ ગયા. તે પણ ઈઝરાયલની મુલાકાત લેનારા ભારતના પહેલા વડાપ્રધાન બન્યા. ડિફેન્સ, ટ્રેડ, ટેકનોલોજી, AI જેવા સેક્ટરમાં ભારત-ઈઝરાયલ એકબીજાનો સહયોગ કરવાના છે. મોદી ઈઝરાયલ જઈને ઘણા કરાર પર હસ્તાક્ષર કરવાના છે. તેલ અવિવમાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાનો છે, તેના ટેન્ડર ઘણી ભારતીય કંપનીઓએ ભર્યા છે. આવનારા સમયમાં ઈઝરાયલની આયરન ડોમ જેવી સિસ્ટમ અને આધુનિક હથિયારો ભારત ખરીદે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. ભારતમાં રહેલા ઈઝરાયલના રાજદૂતે શું કહ્યું? ભારતમાં ઈઝરાયલના રાજદૂત રૂવેન અઝહરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વર્ષ પછી ઈઝરાયલ આવી રહ્યા છે. અમારા વડાપ્રધાન નેતન્યાહૂ સાથે તેમના ખાસ સંબંધો છે. વડાપ્રધાન મોદીની ઈઝરાયલ મુલાકાત દરમિયાન પણ ઘણા કરારો પર હસ્તાક્ષર થવાના છે. અમે ભારત સાથે ડિફેન્સ અને ઈન્ડસ્ટ્રી સેક્ટરને મજબૂત કરવા માગીએ છીએ. આતંકવાદનો સામનો કરવા માટે નવી ટેકનોલોજીને સાથે મળીને વિકસાવવાનો હેતુ છે. અમે ગઈકાલે જ (23 ફેબ્રુઆરી)એ ઈઝરાયલની સરકારમાં એક પ્રસ્તાવ પસાર કર્યો છે જેમાં ઈઝરાયલને દરેક ક્ષેત્રમાં આગળ વધારવાનું લક્ષ્ય છે. જેમ કે એજ્યુકેશન, એગ્રીકલ્ચર, ઈનોવેશન, ફાયનાન્સ, એનર્જી, માઈનીંગ જેવા ફિલ્ડમાં ડેવલપમેન્ટ માટે કરોડો ડોલર ભેગા કરવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે ભારત સરકાર સાથે આ સેક્ટર્સમાં ડેવલપમેન્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ અમે તેને લાગૂ કરવાનું શરૂ કરી દઈશું. આ સિવાય અમે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહી કરવા માગીએ છીએ. તેલ અવીવ ક્ષેત્રમાં ગ્રેટર મેટ્રોના પહેલા ચરણમાં ટેન્ડરો માટે યોગ્ય પ્રક્રિયા હવે શરૂ થઈ છે અને ઘણી ભારતીય કંપનીઓએ ટેન્ડર ભર્યા છે. અમે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં વધારે કામ કરવા જઈ રહ્યા છીએ. રાજદૂત બોલ્યા, યુદ્ધ થાય તો અમે અમારી રક્ષા માટે તૈયાર છીએ મીડિયાએ રાજદૂત રૂવેન અઝહરને સવાલ કર્યો કે એક તરફ ભારતે ઈરાનમાં રહેતા નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે, ઈઝરાયલમાં સ્થાનિક નાગરિકો પ્રદર્શન કરી રહ્યા છે તમે આ બંને બાબતને કેવી રીતે જુઓ છો? જવાબમાં રૂવેન બોલ્યા, અમે ઈરાનની સ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છીએ. ઈરાન કાયમ ઈઝરાયલને ખતમ કરવાની ધમકી આપે છે. ઈરાન ન્યુક્લિયર વેપન, બેલેસ્ટિક મિસાઈલો બનાવવાના પ્રયાસ કરે છે. અમારા વિસ્તારમાં રહેલા આતંકી સંગઠનોને પણ મદદ કરે છે. અત્યારે અમારી અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે. અમને આશા છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત સફળ રહેશે અને અમને ખતમ કરવાની નીતિને ઈરાન બંધ કરી દેશે. જો ડિપ્લોમસી સફળ થાય છે તો ઈરાન પોતાનું વલણ બદલી શકે છે. જો ઈરાન માનશે નહીં તો સ્થિતિ વણસી શકે છે. ઈઝરાયલ સતર્ક છે.અમે અમારી રક્ષા માટે તૈયાર છીએ. મોદીની સ્પીચનો બહિષ્કાર થશે? નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ ઈઝરાયલ જવાના છે. વૈશ્વિક રાજનીતિમાં મોટા સંકેત તરીકે જોવાય છે. મોદી ઈઝરાયલ પહોંચે તે પહેલાં જ ઈઝરાયલની રાજનીતિમાં મોટી બબાલ થઈ ગઈ છે. વિપક્ષના સાંસદોએ નેતન્યાહૂને ચેતવણી આપી છે કે જો તેમની કેટલીક શરતો પૂરી ન થાય તો તેઓ સંસદમાં મોદીની સ્પીચનો બહિષ્કાર કરશે. એટલે આ મુલાકાત પર દુનિયાની નજર છે. 2017માં મોદી ગયા હતા ત્યારે સ્થિતિ જૂદી હતી. આ વખતે સ્થિતિ અલગ છે. ઈઝરાયલના વિપક્ષી નેતા લેયર લેપિડે ચેતાવણી આપી છે કે સંસદના સત્રમાં કેટલાક મુદ્દે સ્થિતિ સ્પષ્ટ નહીં થાય તો તો વિપક્ષી નેતાઓ વડાપ્રધાન મોદીના ભાષણનો બહિષ્કાર કરી શકે છે. લેપિડે એમ પણ કહ્યું કે, ભારત જેવા સન્માનિત દેશના વડાપ્રધાન અડધી ખાલી સંસદમાં ભાષણ આપે તે ભારતનું જ અપમાન ગણાશે. પણ આનો બધો આધાર નેતન્યાહૂના વલણ પર છે. દુનિયામાં જિયો-પોલિટિકલ હરિફાઈ તેજ થઈ ગઈ છે. મીડલ ઈસ્ટનું જિયોપોલિટિક્સ નાજુક વળાંક પર છે. ઈઝરાયલને ભારતના ડિફેન્સ બજેટમાં રસ છે. ભારત આધુનિક હથિયારોની ખરીદી કરે છે અને તેનું નિર્માણ પણ શરૂ કરી દીધું છે.ઈઝરાયલ ઈચ્છે છે કે ભારત વધારે ને વધારે હથિયારો ઈઝરાયલ પાસેથી ખરીદે. અમેરિકાના ન્યૂયોર્કમાં UN મહાસભા દરમિયાન નેતન્યાહૂ અને મોદી સપ્ટેમ્બર 2014માં પહેલીવાર મળ્યા હતા. એ પછી મોદી 2017માં ઈઝરાયલ ગયા. 2018માં નેતન્યાહૂ ભારત આવ્યા. પછી તો ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર બંનેની મુલાકાત થઈ. આ કારણે ભારત અને ઈઝરાયલ નજીક આવ્યા. ઓપરેશન સિંદૂરમાં ઈઝરાયલના હથિયાર વપરાયાં હતાં ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ઓગસ્ટ 2025માં ભારતની એક ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં તેમણે કહેલું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત પાકિસ્તાન પર ભારે પડ્યું હતું અને તેમાં ઈઝરાયલના હથિયારનો સિંહફાળો હતો. આ વખતની મોદીની મુલાકાતમાં ડિફેન્સ ડીલ મહત્વની છે. ફોકસ રહેશે બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, ગાઈડેડ એનર્જી લેસર વેપન્સ અને ડ્રોનનું જોઈન્ટ પ્રોડક્શન. એટલે હવે ખરીદવાની વાત નથી પણ સાથે મળીને પ્રોડક્શન કરવાની વાત છે. કારણ કે હાલમાં જ ઈઝરાયલના વિદેશમંત્રી ગિદોનસારે ભારતને ગ્લોબલ સુપર પાવર કહ્યું હતું. બીજું, દિલ્હીમાં AI સમિટમાં ઈઝરાયલે તેના સૌથી મોટા ડેલિગેશનને મોકલ્યું હતું. એટલે ઈઝરાયલ ગમે તેમ કરીને ભારતની એકદમ નિકટ આવવા માગે છે અને ભારત સાથે લે-વેચની વાત નહીં, પણ એકબીજાના સહકારથી ડેવલપમેન્ટની વાત કરે છે. નહેરૂથી મોદી સુધી : ભારત- ઈઝરાયલના સંબંધો આવા રહ્યા છે છેલ્લે,
જૂન, 1950માં ઈઝરાયલે નહેરૂને વિનંતી કરી કે તમે ઈઝરાયલને દેશ તરીકે માન્યતા આપો. ભારતે ત્રણ મહિના પછી 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ઇઝરાયલને માન્યતા આપી. આ એ જ દિવસ હતો જ્યારે વડનગરમાં નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. બીજી ખાસ વાત એ છે કે ઈઝરાયલે ત્યાંના પોપ્યુલર ફૂલ ‘ક્રિસેન્ટ હ્યુમન’નું નામ બદલીને ‘મોદી’ કરી નાખ્યું છે. ઈઝરાયલનું ખાસ ફૂલ હવે મોદીના નામે ઓળખાય છે. (રિસર્ચ : યશપાલ બક્ષી)
Source link