Editor's View: કોંગ્રેસના ટીશર્ટ પર 'દેશદ્રોહ'નું ટેગ:વિરોધને દબાવ્યો તો વિસ્ફોટ થયો, એપસ્ટીન મુદ્દે સરકારનું મૌન; લોકશાહીને લાંછન લગાવતી ઘટનાનું ઈનડેપ્થ એનાલિસિસ
![]()
દિલ્હીની AI સમિટમાં કોઈએ ધાર્યું નહોતું એવું થયું. કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ પહોંચ્યા. વાતચીતથી થોડો વિરોધ કર્યો. આજુબાજુનો માહોલ જોયો ને તકનો લાભ લઈ બધા કાર્યકર્તાઓએ ટીશર્ટ ઉતારી નાખ્યા. આ મુદ્દાના કારણે દિલ્હીના રાજકારણમાં ગરમી વધી. ભાજપે કોંગ્રેસ પર પસ્તાળ પાડી. આ ઘટનાને દેશદ્રોહ ગણાવી દીધો. બરાબર છે, દેશની આબરૂ સામે સવાલ ઊભા થાય ત્યારે દેશદ્રોહ જ ગણાય. કોંગ્રેસી કાર્યકર્તાઓનું આ કૃત્ય માફીને લાયક નથી. – પણ ભાજપ સામે વિરોધ થાય તો સીધો દેશદ્રોહ બની જાય છે પણ પોતાના વાંક કેમ ભૂલી જાય છે? જનતા પણ સરકાર પર સવાલ કરવાની જ. આજ AI સમિટમાં ઉત્તરપ્રદેશની ગલગોટિયાઝ યુનિવર્સિટીએ ચાઈનીઝ રોબોટને પોતાનો ગણાવી દીધો ત્યારે સરકાર કેમ ચૂપ રહી? એપસ્ટીન ફાઈલમાં હરદીપ પુરીનું કનેક્શન નીકળ્યું તો એકલા પુરી જ બોલે છે. સરકાર મૌન છે. રાહુલ ગાંધી ને ખડગે અમેરિકાની ટ્રેડ ડીલ મામલે એટલું બોલ્યા કે અવાજ બેસી ગયો પણ સરકાર મૌન છે. સરકારનું આ મૌન સૌને અકળાવે છે. આ મૌન વચ્ચે AI સમિટમાં ટીશર્ટ ઉતર્યા તો દેશદ્રોહ થઈ ગયો. સરકારે પગલાં લેવામાં એક મિનિટ પણ ન બગાડી. નમસ્કાર… રાષ્ટ્રવાદ, એન્ટી નેશનલ, દેશભક્તિ, દેશદ્રોહ જેવા ઉપમાઓ, શબ્દો અને ઘટનાઓ અતિ ગંભીર છે. આ ભાવનાનો આજકાલના રાજકારણમાં રાજકીય શસ્ત્ર તરીકે નેરેટિવ સેટ કરવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI સમિટ વિરોધથી ઉભેલો વિવાદ વાત જાણે એમ છે કે 20 ફેબ્રુઆરી 2026ના દિવસે વિશ્વભરના ટેક દિગ્ગજ અને દેશ વિદેશના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. મીડિયા અહેવાલો મુજબ ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારતે અમેરિકા સાથે કરેલી ડીલ મામલે પહેલા શાંતિથી અને પછી અર્ધ નગ્ન થઈને વિરોધ કર્યો હતો. આ વિવાદે હાલ વિવાદ છેડી દીધો છે. યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુની ધરપકડ કરી લેવામાં આવી છે. સરકાર વિપક્ષના વિરોધને દેશ વિરોધી ગણાવી રહી છે. આવો જ વિરોધ કોમનવેલ્થ ગેમ્સમાં જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ભાજપે કર્યો હતો. આ વાત ભાજપ ભૂલી જાય છે. ભારત જેવા લોકશાહી દેશમાં થતાં વિરોધ પર આજકાલ ગંભીર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈ પણ સરકાર સામે આંગળી ન ઉઠાવે કે તેમને સવાલ ન પૂછે. પીએમ ઈઝ કોમ્પ્રમાઈઝ્ડઃ યુથ કોંગ્રેસ વિપક્ષના યુવા કાર્યકર્તાઓએ દિલ્હીની AI સમિટમાં “પીએમ ઈઝ કોમ્પ્રમાઈઝ્ડ” અને “એપસ્ટીન ફાઈલ્સ” જેવા નારા લગાવ્યા હતા. સરકારે કહ્યું વિપક્ષ આવું કરીને દેશનું અપમાન કરી રહી છે. કેન્દ્ર સરકારનો તર્ક છે કે સરકાર જ્યારે વિશ્વ સામે ભારતની ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે ત્યારે વિરોધ કરીને વિપક્ષ ઈન્વેસ્ટર્સમાં ખોટી છબિ ઊભી કરીને ભારતની છબી ખરડાવે છે. વિચિત્ર વિરોધ દેશદ્રોહ ગણાય? ત્યારે સવાલ જરૂરી બની જાય કે શું વિરોધનું રૂપ વરવું એટલે કે અર્ધનગ્ન હોય તો તે ભારત જેવા લોકશાહી દેશમાં દેશદ્રોહ કે રાષ્ટ્રદ્રોહ બની જાય છે? કોંગ્રેસની સત્તામાં ભાજપે કેવા વિરોધ કર્યા અને ભાજપની સત્તામાં કોંગ્રેસે કેવા વિરોધ કર્યા તે બધાને ખબર છે. રાષ્ટ્રવાદી નેરેટિવથી વિરોધ દમાવવાનો આરોપ છેલ્લા દસેક વર્ષોમાં સત્તા પક્ષે વિરોધ પ્રદર્શનોને ડામવા માટે રાષ્ટ્રવાદનો એક નેરેટિવ સેટ કર્યો છે. જે કોઈ વિરોધ કરે તેને રાષ્ટ્રવિરોધી ચીતરી દો એટલે મેઈન મુદ્દા પરથી ધ્યાન હટી જાય અને દેશનો મુદ્દો પહેલા આવી જાય. વિપક્ષ કોઈ પણ આંદોલન કે સરકારી નીતિઓને પડકારે છે ત્યારે તેને તરત રાષ્ટ્ર વિરોધી કે તમે પાકિસ્તાન જતા રહો તેવું કહી દેવામાં આવે છે. આ નેરેટિવ સેટ કરીને સત્તા પક્ષે વિરોધોને એવા ડામી રહી છે કે સામાન્ય લોકો વિરોધ કરતા જ ડરી જાય છે. હવે વાત કરીએ કે સત્તા પક્ષ કેવી રીતે નેરેટિવ સેટ કરી રહી છે? મુદ્દા બદલાયા નેરેટિવ એ જ
નેરેટિવથી મુદ્દાઓ ડાયવર્ટ થવાનો દાવો જ્યાં રાષ્ટ્રવાદ મૌન રહ્યો અને હવે… AI સમિટ જેવા આંતરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવું કહીને વિરોધને દેશદ્રોહી કહી દેવામાં આવી રહ્યો છે. જો કે તે લોકો અમેરિકા સાથે ભારતની ડીલ થઈ છે તેમાં અમેરિકાનો વધુ ફાયદો અને ભારતનો ઓછો ફાયદો છે તે કહી રહ્યા હતા. આ મુદ્દો જ દબાવી દેવામાં આવ્યો. મુદ્દો ભટકાવવા એન્ટીનેશનલનું ટ્રમ્પ કાર્ડ આવા અનેક મુદ્દાઓના નેરેટિવ છે જે સત્તા પક્ષ સેટ કરે છે. જે સ્પષ્ટ કરે છે કે બેરોજગારી હોય કે ટ્રેડ ડિલ, જેને ખુલ્લા ચોક પર ચર્ચા કરવાની હોય તેના બદલે એન્ટીનેશનલ ચીતરીને મુદ્દાઓ જ ડાયવર્ટ કરી દેવામાં આવે છે. જ્યારે વિપક્ષ પર દેશની છબી ખરડવાનો આરોપ લાગે છે ત્યારે આપણે કેટલીક એવી ઘટનાઓ પર પણ નજર કરવી પડે કે જ્યારે ખરેખર દેશની છબી ખરડાઈ પણ રાષ્ટ્રવાદ મૌન રહ્યો. અહીં દેશદ્રોહ મૌન થયો એપ્સ્ટિન કનેક્શન પર રાજકીય સવાલો હમણા બાળકીઓની તસ્કરી કરીને સેક્સ સ્કેન્ડલ ચલાવતા અમેરિકાના જેફ્રી એપસ્ટીનના કાળા કારનામા સામે આવ્યા. જેમાં અનેક દિગ્ગજોના નામ સામે આવ્યા. એક નામ હતું આપણા કેન્દ્રીય મંત્રી અને જે તે સમયે ભારતના રાજદૂત રહેલા હરદીપ સિંહ પુરીનું. અમેરિકન કોર્ટે જાહેર કરેલા દસ્તાવેજો, વોલસ્ટ્રીટ જર્નલ અને નવેમ્બર 2025ના રિપોર્ટ્સ અનુસાર એપસ્ટીન ફાઈલ્સમાં 2014થી 2017 સુધી એપસ્ટીન અને પુરી વચ્ચેના 62 ઈમેઈલ્સ અને 14 મિટિંગ્સની વિગતો સામે આવી, ત્યારે દેશની બદનામી ન થઈ? સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે કેન્દ્રીય મંત્રીનું નામ આવે ત્યારે તે દેશદ્રોહ નથી? જનતા પણ સવાલ પૂછે છે. પુલવામા તપાસ પર વિવાદ 2019ના પુલવામા એટેકની તપાસ હજુ અટકેલી છે. વિપક્ષનો દાવો છે કે જવાબદારી નક્કી કરવા માટે હાઈલેવલ તપાસ નથી કરવામાં આવી. દેશના જવાનોની સુરક્ષા મામલે આટલી મોટી ચૂક થઈ તે દેશદ્રોહ નથી? ભારતીયોની હથકડી પર દેશની છબી ન ખરડાઈ? ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે અમેરિકન્સને ખુશ કરવા અને પોતાની નીતિઓને સાચી ઠેરવવા તેમણે ભારતીય ઘૂસણખોરોને હાથકડી પેહરાવીને ભારત મોકલી દીધા. ત્યારે દેશની છબીને નુકસાન નહોતું થયું? ત્યારે આપણું રાષ્ટ્રપ્રત્યેનું આત્મસન્માન ક્યાં જતું રહે છે? આતંક બાદ ક્રિકેટ રમવા પર પ્રશ્ન આપણો દેશ ફૂટબોલ નહીં પણ ક્રિકેટને પ્રેમ કરે છે. પહેલગામ અને દિલ્હી હુમલા પછી આપણે તે દેશ સાથે ક્રિકેટ રમી. શું શહીદોના લોહી કરતાં ક્રિકેટની મેચ વધુ મહત્વની છે? ત્યારે રાષ્ટ્રવાદનું નેરેટિવ ક્યાં ગાયબ થઈ જાય છે? ચાઈનીઝ રોબોટ વિવાદ AI સમિટમાં વિપક્ષનો વિરોધ દેશ દ્રોહ હોય તો મેડ ઈન ઈન્ડિયાના નામે સમિટમાં ચીની રોબોટને ભારતનો ગણાવી દેવો આંતરરાષ્ટ્રીય ફજેતી નથી? શું વિરોધ જ આંતરરાષ્ટ્રીય ફજેતી છે? ગલગોટિયા યુનિવર્સિટીએ યુનિટ્રી કંપનીના રોબોટને ઓરિયન નામ આપી ભારતીય ગણાવ્યો હતો. વાત ભાજપ-કોંગ્રેસથી આગળ, લોકશાહીની છે મુદ્દો અહીં ભાજપ-કોંગ્રેસ પૂરતો સિમિત નથી, વાત અહીં ભારતની લોકશાહીની છે. સ્વસ્થ લોકશાહીમાં વિરોધને સ્થાન હોય છે અને વિરોધીઓને પોતાની વાત રાખવાનો પૂરો અધિકાર હોય છે. નેહરુજીના સમયમાં પણ તે હતું અને અટલજીના સમયમાં પણ એવું જ હતું તો હવે કેમ એવું નથી? સંવાદ બંધ થાય ત્યારે વિરોધ ઉગ્ર AI સમિટમાં અર્ધ નગ્ન થઈને જે વિરોધ થયો તેને લોકો નવું માની રહ્યા છે. પણ જ્યારે લોકશાહીમાં સંવાદના દરવાજા બંધ થઈ જાય ત્યારે સર્વસત્તાધીશોને પોતાની વાત પહોંચાડવા પ્રદર્શનકારીઓને આવા જ તુક્કા અપનાવવા પડે છે. આ મનોરંજન નથી, તંત્ર સામેનો આક્રોશ છે. અહીં આપણે દેશ અને વિદેશના પાંચ અજીબ વિરોધની પણ વાત કરીએ… ભારતના વિચિત્ર વિરોધ પ્રદર્શનો દુનિયાના વિચિત્ર વિરોધ પ્રદર્શનો ભારતમાં આવા વિરોધ થાય છે તો વિશ્વમાં કેવા કેવા વિચિત્ર વિરોધ અત્યાર સુધી થઈ ગયા છે. તે જાણીએ.. અર્ધનગ્ન થઈને વિરોધ કરવો ગુનો? ત્યારે સવાલ થાય કે ભારતમાં અર્ધ નગ્ન થઈને AI સમિટમાં વિરોધ કરવો બંધારણની દ્રષ્ટિએ કેટલો યોગ્ય છે? જુઓ, અધિકાર અને જાહેર નૈતિકતા વચ્ચે ભેદ છે. ભારતીય દંડ સંહિતાની કલમ 294 મુજબ જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય ન કરી શકાય. પણ સુપ્રીમ કોર્ટે અવીક સરકાર (બંગાળના પત્રકાર) વિરુદ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળ કેસમાં સ્પષ્ટ કર્યું કે નગ્નતા અને અશ્લીલતા વચ્ચે ફેર છે, બંને સમાન ઘટનાઓ નથી. ન્યાય, સત્ય અને રાષ્ટ્રવાદ પર ટિપ્પણી જો નગ્નતાનો હેતુ શારીરિક ઉત્તેજના નથી પણ કોઈ સામાજિક કે રાજકીય મેસેજ આપવાનો છે તો તેને બંધારણના આર્ટિકલ 19 હેઠળ અભિવ્યક્તિની આઝાદી ગણી લેવામાં આવે છે. AI સમિટમાં યુવાનોનો વિરોધ અશ્લીલતા ફેલાવવા નહીં પણ સરકારની વિદેશ નીતિ સામે હતો. યુવાનોને બેરોજગારી અને ટ્રેડ ડિલ જેવી ગંભીર બાબતો વિશે સરકારનું ધ્યાન દોરવું હતું. ટૂંકમાં જ્યારે સરકાર દરેક વિરોધને એન્ટી નેશનલ કહીને ડામી તો દીધો પણ પ્રજાના મૂળ પ્રશ્નોથી સરકાર ભાગવાનો પ્રયાસ કરે છે, એ વાતને નકારી શકાય નહીં. દેશના પૂર્વ ચીફ જસ્ટિસ્ટ ડી. વાય. ચંદ્રચુડે એકવાર કહ્યું હતું કે, દેશની છબિ રસ્તા પર ઉતરેલા ચાર યુવાનોના કપડાંથી ખરાબ નથી થતી, પરંતુ તે ત્યારે ખરાબ થાય છે જ્યારે ન્યાયમાં વિલંબ થાય, જ્યારે સત્યને રાષ્ટ્રવાદના આવરણ હેઠળ છુપાવવામાં આવે અને જ્યારે સત્તા પક્ષ વિપક્ષને માત્ર શત્રુ તરીકે જોવા લાગે. અને છેલ્લે… નેરેટિવ હંમેશા શક્તિશાળી લોકો દ્વારા બનાવવામાં આવે છે, પણ સત્ય હંમેશા પીડિતોના અવાજમાં હોય છે. જો આપણે 2026ની AI સમિટની ઘટનાને માત્ર અર્ધનગ્ન વિરોધ તરીકે જોઈશું, તો આપણે છેતરાઈ જઈશું. લોકશાહી ત્યારે જ ધબકતી રહેશે જ્યારે આપણે નેરેટિવને બદલે રિયાલિટી પર વધુ ધ્યાન આપીશું. સાચો દેશપ્રેમ એ નથી કે આપણે ખામીઓને છુપાવીએ, પણ સાચો દેશપ્રેમ એ છે કે આપણે ખામીઓ સામે અવાજ ઉઠાવીએ જેથી દેશ વધુ મજબૂત બની શકે. વિરોધને ડામવો એ રાષ્ટ્રવાદ નથી, પણ વિરોધને સાંભળવો એ સાચી રાષ્ટ્રભક્તિ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
Source link