Gadkari said – now companies will also manufacture sleeper buses | ગડકરીએ કહ્યું-હવે સ્લીપર બસો પણ કંપનીઓ બનાવશે: છેલ્લા 6 મહિનામાં આગ લાગવાની 6 મોટી દુર્ઘટનાઓમાં 145 લોકોએ જીવ ગુમાવ્યા
નવી દિલ્હી49 મિનિટ પેહલા
- કૉપી લિંક

આ ઘટના 15 ઓક્ટોબર, 2025ના રોજ બની હતી. રાજસ્થાનમાં જેસલમેર-જોધપુર હાઇવે પર એક એસી સ્લીપર બસમાં આગ લાગી હતી. જેમાં 20 લોકો જીવતા સળગી ગયા હતા
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે હવે સ્લીપર બસોનું નિર્માણ ફક્ત ઓટોમોબાઈલ કંપનીઓ અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ જ કરી શકશે.
ગુરુવારે તેમણે કહ્યું કે હાલની સ્લીપર બસોને પણ નવા સુરક્ષા ધોરણો સાથે અપડેટ કરવી પડશે. આ નિર્ણય સ્લીપર કોચ બસોમાં સતત વધતી આગની ઘટનાઓ પર અંકુશ લગાવવા માટે લેવામાં આવ્યો છે.
ગડકરીએ જણાવ્યું કે પહેલાથી ચાલી રહેલી સ્લીપર કોચ બસોમાં ફાયર ડિટેક્શન સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ (હેમર સહિત), ઇમરજન્સી લાઇટિંગ અને ડ્રાઇવર ડ્રોઝીનેસ (ઊંઘ-ઝોલુ આવવાની ચેતવણી) ઇન્ડિકેટર લગાવવું ફરજિયાત રહેશે.
તેમણે કહ્યું કે છેલ્લા 6 મહિનામાં સ્લીપર કોચ બસો સાથે સંકળાયેલા આગ લાગવાના 6 મોટા અકસ્માતો સામે આવ્યા છે, જેમાં 145 લોકોના જીવ ગયા છે.
ગડકરીએ કહ્યું- બસોમાં આગ લાગવાનું કારણ એક જેવી ખામીઓ
- જ્વલનશીલ ઈન્ટીરિયર
- સાંકડા અથવા બંધ ઇમરજન્સી એક્ઝિટ ગેટ
- ઇમરજન્સી બારીઓની અછત અથવા ખરાબ સ્થિતિ
- ફાયર સેફ્ટી સાધનોનો અભાવ
- મુસાફરોને બહાર નીકળવા માટે ખૂબ ઓછો સમય
- સ્ટાફની અપૂરતી તાલીમ
- બસ બોડી કોડ (AIS-052) ફરજિયાત
બસ બોડી કોડ AIS-052 એક ફરજિયાત ધોરણ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારતનો બસ બોડી કોડ AIS-052 એક ફરજિયાત ધોરણ છે, જે દેશમાં બનતી તમામ બસ બોડી માટે સુરક્ષા, સંરચના અને ડિઝાઇન સંબંધિત ધોરણો નક્કી કરે છે.
આ કોડને અગાઉથી અસંગઠિત રહેલા બસ બોડી-બિલ્ડિંગ સેક્ટરને નિયંત્રિત કરવા, મુસાફરો અને ડ્રાઇવરોની સુરક્ષા વધારવા અને બસ કોચ પ્રોડક્શનમાં સમાનતા લાવવા માટે લાગુ કરવામાં આવ્યો હતો.
ગડકરીએ કહ્યું કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝે સુધારેલા બસ બોડી કોડને 1 સપ્ટેમ્બર 2025થી લાગુ કરી દીધો છે, જેથી માર્ગ પરિવહનમાં સુરક્ષા ધોરણોને વધુ કડક કરી શકાય.
હવે જાણો શું હોય છે AIS-052
AIS-052 ભારતમાં બસોના બોડી ડિઝાઇન અને મંજુરી (Bus Body Design and Approval) માટે એક ઔદ્યોગિક ધોરણ (Code of Practice) છે. આ ધોરણ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (Automotive Industry Standard) તરીકે Automotive Research Association of India (ARAI) દ્વારા Central Motor Vehicles Rules (CMVR) હેઠળ જારી કરવામાં આવ્યું છે. તેને બસ નિર્માતા, બોડી બિલ્ડર તથા પરિવહન સત્તાવાળાઓને ફરજિયાતપણે લાગુ કરવું પડે છે.
તેનો હેતુ છે…
- બસોના બોડી ડિઝાઇન, માળખું અને સુરક્ષા ધોરણોને એકસરખી રીતે નિર્ધારિત કરવા.
- યાત્રીઓની સુરક્ષા, આરામ, સામાન્ય પરિમાણો (dimensions) અને ઈમરજન્સી સાધનો (જેમ કે ઈમરજન્સી ડોર) ના નિયમો નક્કી કરવા.
- બસો એવી હોવી જોઈએ કે તે સુરક્ષિત, મજબૂત અને આરામદાયક હોય તથા યાત્રી પરિવહન માટેના ધોરણોને અનુરૂપ હોય.
આમાં શું શામેલ છે?
- બસ બોડીની ડિઝાઇનિંગ અને મૂળભૂત રૂપરેખા
- પરિમાણો, સીટ વ્યવસ્થા, ગેંગવે (ડ્રાઇવરથી પાછળની સીટ સુધીનો માર્ગ)
- ઇમરજન્સી એક્ઝિટ ગેટ, સીટો, લેધરની મજબૂતી
- સુરક્ષા સુવિધાઓ જેવી કે – હેન્ડલ, ઇમરજન્સી એક્ઝિટ
- એપ્રુવલ પ્રોસેસ કે કઈ રીતે બસ બોડીને RTO/પ્રાધિકરણ માન્ય ગણશે
AIS-052 કોને લાગુ પડે છે?
આ ધોરણ તમામ બસ બોડીઝને લાગુ પડે છે, પછી ભલેને કોઈ બસ ડિઝાઇન કરવામાં આવે કે સુધારવામાં આવે. તેમાં સિટી બસ, ઇન્ટરસિટી કોચ, સ્કૂલ બસ અથવા અન્ય પેસેન્જર બસોનો સમાવેશ થાય છે.
બસમાં આગ લાગવાના 5 અકસ્માતો…
18 ડિસેમ્બર 2025: દેહરાદૂનમાં 40 વિદ્યાર્થીઓ ભરેલી બસમાં આગ

ઉત્તરાખંડના દેહરાદૂનમાં ગુરુવારે 40 વિદ્યાર્થીઓ ભરેલી બસમાં આગ લાગી ગઈ. ધૂમાડો નીકળતો જોઈને ડ્રાઈવરે તરત ગાડી રોકી અને બાળકોને નીચે ઉતાર્યા. જાણકારી મુજબ, બાળકો તમિલનાડુથી ઉત્તરાખંડના પ્રવાસે આવ્યા હતા. આ દુર્ઘટના શિમલા બાયપાસ રોડ પર થઈ હતી.
16 ડિસેમ્બર 2025: મથુરામાં 8 બસો- 3 કારો ટકરાઈ, 13 જીવતા સળગી ગયા

મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ધુમ્મસના કારણે 8 બસો અને 3 કારો અથડાઈ. ટક્કર થતાં જ ગાડીઓમાં આગ લાગી ગઈ. ભાજપના નેતા સહિત 13 લોકો સળગીને મૃત્યુ પામ્યા. 70 લોકો ઘાયલ થયા. બસોમાં કપાયેલા અંગો મળ્યા હતા. પોલીસ તેમને 17 પોલિથીન બેગમાં ભરીને લઈ ગઈ.
28 ઓક્ટોબર 2025: જયપુર- હાઈટેન્શન લાઈનથી બસમાં આગ

જયપુરમાં 28 ઓક્ટોબરે એક બસ હાઈટેન્શન લાઇન સાથે અથડાઈ હતી. બસમાં કરંટ આવી ગયો, જેના પછી આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના રહેવાસી 2 લોકોના મોત થયા, 10 મજૂરો દાઝી ગયા. બસની ઉપર સિલિન્ડર પણ હતા, જેમાંથી એકમાં વિસ્ફોટ થયો.
24 ઓક્ટોબર 2025: આંધ્ર પ્રદેશમાં ચાલુ બસમાં આગ, 20 જીવતા ભડથું થયા

આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં ચિન્નાટેકુર પાસે 24 ઓક્ટોબરે એક પ્રાઈવેટ બસમાં આગ લાગી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ દુર્ઘટનામાં 20 મુસાફરો જીવતા સળગી ગયા હતા. કુર્નૂલ કલેક્ટર અનુસાર, આ ઘટના 24 ઓક્ટોબરે સવારે લગભગ 3:30 વાગ્યે બની હતી.
14 ઓક્ટોબર: રાજસ્થાનમાં AC બસમાં આગ, 20 મુસાફરો જીવતા સળગ્યા

રાજસ્થાનના જેસલમેરમાં જેસલમેર-જોધપુર હાઈવે પર 14 ઓક્ટોબરે બપોરે 3.30 વાગ્યે ચાલુ AC સ્લીપર બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 20 મુસાફરો જીવતા સળગી જવાથી મૃત્યુ પામ્યા હતા.