Gaza Aid Package $1 Trillion; India Joins Trump Peace Board
વોશિંગ્ટન ડીસી33 મિનિટ પેહલા
- કૉપી લિંક

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં બોર્ડ ઓફ પીસની પહેલી બેઠક ગુરુવારે યોજાઈ હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ બેઠકમાં ભારતે ગુરુવારે નિરીક્ષક દેશ તરીકે ભાગ લીધો. આ બેઠક વોશિંગ્ટન ડીસીમાં યોજાઈ હતી. ભારત તરફથી ભારતીય દૂતાવાસમાં તહેનાત ચાર્જ દ’અફેયર્સ (સીનિયર અધિકારી) નમગ્યા સી ખમ્પાએ ભાગ લીધો.
ભારતે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે તે બોર્ડનો પૂર્ણ-સમયનો સભ્ય બનશે કે નહીં. ભારતે ગયા મહિને દાવોસમાં તેના લોન્ચ કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.
‘બોર્ડ ઓફ પીસ’ની બેઠકમાં ગાઝાના પુનર્નિર્માણ માટે 1.5 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે કહ્યું કે 9 સભ્ય દેશો ગાઝા રાહત પેકેજ માટે 63 હજાર કરોડ રૂપિયા (7 અબજ ડોલર) આપશે. જ્યારે, અમેરિકા પોતે 90 હજાર કરોડ રૂપિયા (10 અબજ ડોલર) આપશે.
તેમજ, 5 દેશોએ યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઈન વિસ્તારમાં સૈનિકો તહેનાત કરવા સંમતિ આપી છે. વોશિંગ્ટનમાં યોજાયેલી આ બેઠકમાં લગભગ 50 દેશોના અધિકારીઓ સામેલ થયા હતા.
આમાંથી 27 દેશો બોર્ડના સભ્યો છે, જેમાં અઝરબૈજાન, બેલારુસ, ઇજિપ્ત, હંગેરી, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, જોર્ડન, મોરોક્કો, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, તુર્કી, UAE, ઉઝબેકિસ્તાન અને વિયેતનામનો સમાવેશ થાય છે. ભારત અને યુરોપિયન યુનિયન (EU) સહિતના બાકીના દેશો નિરીક્ષક તરીકે સામેલ થયા.
બોર્ડ ઓફ પીસ સંબંધિત તસવીરો…

રાષ્ટ્રપતિ ટ્રમ્પ બોર્ડ ઓફ પીસની મીટિંગને સંબોધન કરતા.

બોર્ડ ઓફ પીસની પ્રથમ મીટિંગમાં 50 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા.

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ મીટિંગ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરતા.

બોર્ડ ઓફ પીસની પ્રથમ મીટિંગમાં ભારત તરફથી વરિષ્ઠ અધિકારી નમગ્યા સી ખમ્પાએ ભાગ લીધો હતો. (ફાઇલ ફોટો)
ટ્રમ્પે કહ્યું- આ રકમ યુદ્ધ પર થતા ખર્ચની સરખામણીમાં ઘણી ઓછી છે
ટ્રમ્પે કહ્યું કે આ રકમ યુદ્ધ પર થતા ખર્ચની સરખામણીમાં ઘણી ઓછી છે. તેમણે સભ્ય દેશોને કહ્યું કે જો બધા દેશો સાથે આવે તો તે વિસ્તારમાં કાયમી શાંતિ લાવી શકાય છે, જે સદીઓથી યુદ્ધ અને હિંસાનો ભોગ બન્યો છે.
ટ્રમ્પે કહ્યું કે ગાઝા પર ખર્ચ કરવામાં આવેલો દરેક ડોલર વિસ્તારમાં સ્થિરતા લાવવા અને બહેતર ભવિષ્ય બનાવવા માટેનું રોકાણ છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે કેટલા સૈનિકો મોકલવામાં આવશે, તેઓ ક્યારે તહેનાત થશે અને આપવામાં આવેલી રકમનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવશે.
UNની દેખરેખ રાખશે ટ્રમ્પનું બોર્ડ ઓફ પીસ
5 દેશોએ યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઈન વિસ્તારમાં સૈનિકો તહેનાત કરવા સંમતિ આપી છે. ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે આ બોર્ડ હવે દુનિયાભરના સંઘર્ષોને ઉકેલવામાં પણ ભૂમિકા ભજવશે.
ટ્રમ્પે કહ્યું કે, બોર્ડ સંયુક્ત રાષ્ટ્ર (UN) પર નજર રાખશે અને સુનિશ્ચિત કરશે કે તે યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. તેમજ, ‘બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ બેઠક પહેલાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક યોજાઈ હતી. જેમાં વેસ્ટ બેંકમાં ઇઝરાયેલના નિયંત્રણ વધારવાના પ્રયાસોની ટીકા કરવામાં આવી હતી.
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હાજર રહ્યા
બેઠકમાં ભારત સહિત મોટાભાગના દેશોએ સીનિયર અધિકારીઓને મોકલ્યા. જ્યારે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલી અને હંગેરીના વડાપ્રધાન વિક્ટર ઓર્બન પોતે પહોંચ્યા હતા.
જર્મની, ઇટાલી, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રિટન એવા દેશોમાં છે, જેઓ બોર્ડમાં સામેલ થયા નથી, પરંતુ નિરીક્ષક તરીકે ભાગ લીધો. ટ્રમ્પે દાવો કર્યો, ‘બધાએ ગાઝા પરના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે અને જેમણે માન્યો નથી તેઓ પણ જલ્દી તેને સ્વીકારી લેશે.’
બેઠકની ચર્ચાનું કેન્દ્ર એક સશસ્ત્ર ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ બનાવવાનું રહ્યું, જેનું કામ સુરક્ષા જાળવી રાખવાનું અને હમાસને નિઃશસ્ત્ર કરવાનું હશે. આ ઇઝરાયેલની મુખ્ય માંગ છે અને યુદ્ધવિરામ કરારનો મહત્વનો ભાગ પણ. જોકે, હમાસે અત્યાર સુધી નિઃશસ્ત્રીકરણ અંગે બહુ વિશ્વાસ અપાવ્યો નથી.
હમાસે કહ્યું- જ્યાં સુધી ઇઝરાયેલી સેના અહીં છે, હથિયાર નહીં છોડીએ
બીજી તરફ, હમાસે કહ્યું છે કે જ્યાં સુધી ઇઝરાયલી સેના સંપૂર્ણપણે પાછી નહીં ખેંચાય ત્યાં સુધી તે હથિયાર નહીં મૂકે. હાલમાં, હમાસના નેતા ઓસામા હમદાને અલ જઝીરાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સંગઠને હજુ સુધી હથિયારો અંગે કોઈ નિર્ણય લીધો નથી.
જ્યારે, ઇઝરાયેલનું કહેવું છે કે જ્યાં સુધી હમાસ સંપૂર્ણપણે હથિયાર નહીં છોડે ત્યાં સુધી સેના ગાઝામાંથી પાછી નહીં હટે. ઇઝરાયેલે હમાસને 60 દિવસનો સમય આપ્યો છે કે તે સંપૂર્ણપણે હથિયાર છોડી દે.
ટ્રમ્પના જમાઈ અને વાટાઘાટકાર જેરેડ કુશનરે દાવોસમાં ગાઝાના દક્ષિણ ભાગમાં છ નવા શહેરો વસાવવા અને દરિયાકિનારે પર્યટન પરિયોજના બનાવવાની યોજના રજૂ કરી હતી. જોકે, આ માટે ભંડોળ અને સમયમર્યાદા હજુ નક્કી નથી.
બોર્ડ ઓફ પીસ શું છે?
ટ્રમ્પે ગયા વર્ષે સપ્ટેમ્બર 2025માં ગાઝા યુદ્ધ સમાપ્ત કરવાની યોજના રજૂ કરતી વખતે પ્રથમ વખત આ બોર્ડનો પ્રસ્તાવ મૂક્યો હતો. રોઇટર્સ અનુસાર, અમેરિકાએ લગભગ 60 દેશોને આ બોર્ડમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે.
વિશ્વના નેતાઓને મોકલવામાં આવેલા આમંત્રણમાં જણાવવામાં આવ્યું હતું કે આ બોર્ડની ભૂમિકા માત્ર ગાઝા પૂરતી મર્યાદિત રહેશે નહીં, પરંતુ તે વૈશ્વિક સ્તરે સંઘર્ષોને ઉકેલવામાં પણ કામ કરશે.
મોકલવામાં આવેલા એક મુસદ્દા (ચાર્ટર)માં કહેવામાં આવ્યું છે કે જે દેશો ત્રણ વર્ષથી વધુ સમય સુધી આ બોર્ડના સભ્ય બનવા માંગે છે, તેમને 1 અબજ ડોલરનું યોગદાન આપવું પડશે.
ટ્રમ્પ પોતે આ બોર્ડના અધ્યક્ષ છે
ટ્રમ્પ પોતે આ બોર્ડના અધ્યક્ષ છે. તેઓ ઈચ્છે છે કે આ બોર્ડ માત્ર ગાઝાના યુદ્ધવિરામ પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ અન્ય મુદ્દાઓ પર પણ કામ કરે. જોકે, તેનાથી કેટલાક દેશોને ચિંતા છે કે તેનાથી ગ્લોબલ ડિપ્લોમસીમાં UNની ભૂમિકા નબળી પડી શકે છે.
ટ્રમ્પે કહ્યું કે જ્યારે આ બોર્ડ સંપૂર્ણપણે બની જશે, ત્યારે તે મોટા નિર્ણયો લઈ શકશે અને જે પણ કામ થશે, તે UNના સહયોગથી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે UNમાં ઘણી ક્ષમતા છે, પરંતુ તેનો અત્યાર સુધી પૂરો ઉપયોગ થઈ શક્યો નથી.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પાંચ કાયમી સભ્યોમાંથી અમેરિકા સિવાયના કોઈપણ દેશે હજુ સુધી આ બોર્ડમાં જોડાવાની પુષ્ટિ કરી નથી.
બેઠકમાં ટ્રમ્પે ઈરાનને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું
ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સના પ્રમુખ મેજર જનરલ જેસ્પર જેફર્સે જણાવ્યું હતું કે યોજના હેઠળ ગાઝા માટે 12,000 પોલીસ અને 20,000 સૈનિકોની જરૂર પડશે.
બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ખૂબ જ કડક વલણ અપનાવતા ’10 દિવસનું અલ્ટીમેટમ’ આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે આગામી 10 દિવસમાં સ્પષ્ટ થઈ જશે કે ઈરાન સાથે કોઈ સમજૂતી થશે કે અમેરિકાને સૈન્ય કાર્યવાહીનો માર્ગ પસંદ કરવો પડશે.
ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે સમજૂતી કરવી સરળ રહી નથી, પરંતુ જો આ વખતે સહમતિ ન બની તો આપણે એક પગલું આગળ (સૈન્ય કાર્યવાહી તરફ) વધવું પડી શકે છે.
————-
આ સમાચાર પણ વાંચો…
ટ્રમ્પ બોલ્યા, મેં ભારત-પાકને 200% ટેરિફની ચેતવણી આપી:ત્યારે લડાઈ રોકવા માટે સહમત થયા, સંઘર્ષમાં 11 ફાઈટર જેટ્સ તૂટ્યા હતા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વોશિંગ્ટનમાં ‘બોર્ડ ઓફ પીસ’ કાર્યક્રમમાં ફરીથી ભારત-પાકિસ્તાન સંઘર્ષ રોકાવવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે મેં દેશો પર 200% ટેરિફ લગાવવાની ચેતવણી આપી હતી. આ પછી તેઓ સંઘર્ષ રોકવા માટે સંમત થયા. સંપુર્ણ સમાચાર વાંચો…
