Goldi Solar plant in Navsari provides jobs to 1000 Diamond worker | નવસારી
વર્ષો પહેલાં નવસારી શહેર ડાયમંડ કટિંગ અને પોલિશિંગ માટે એક મોટું કેન્દ્ર હતું, પરંતુ સુરતના વિકાસ અને ટ્રેન, હવાઈ જહાજ અને માર્ગ કનેક્ટિવિટીના કારણે સુરત વિશ્વમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગમાં નવસારીથી આગળ નીકળી ગયું. જોકે, નવસારીમાં પણ રત્ન કલાકારો મોટી સંખ્યામાં કાર્યરત હતા. 2008માં આવેલી કઠિન મંદી અને વિવિધ કારણોસર નવસારીમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું કામ સતત ઘટતું ગયું. રત્ન કલાકારો રોજગારી માટે સુરત જવા-આવવાની કસરત કરતાં હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્થિતિ વધુ ગંભીર બની છે, અને કામ ન મળવાની કઠિન પરિસ્થિતિનો સામનો રત્ન કલાકારો સાથે વેપારીઓને પણ કરવો પડી રહ્યો છે.

વર્ષો પહેલાં નવસારીમાં 10,000થી વધુ રત્ન કલાકારો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ મંદીના અસરને કારણે ઘણા કારખાનાઓ બંધ થવાના પરિણામે 70% થી 80% કલાકારોએ રોજગારી માટે સુરત તરફ રૂખ કરવો પડ્યો હતો. આ સ્થિતિમાં કલાકારોને રોજ 4 કલાક ટ્રેનમાં પસાર કરીને થકાવનારા અપ-ડાઉન કરવું પડતું હતું, જેના કારણે તેઓ પોતાના પરિવારને સમય આપી શકતા નહોતાં.
નવસારીના પશ્ચિમ વિસ્તારમાં સ્થિત વર્ષોથી બંધ મફતલાલ ડેનિમ કંપનીના પરિસરમાં ‘ગોલ્ડી સોલાર’ (Goldi Solar) કાર્યરત થતાં ચિત્રમાં પરિવર્તન આવ્યું છે. આ કંપનીમાં જોડાયેલ 1000 જેટલા રત્ન કલાકારોએ નવા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે, જેના કારણે સૌપ્રથમ તેમને સોલાર કંપની કેવી રીતે કાર્ય કરે છે તેની તાલીમ આપવી જરૂરી બની હતી. નવસારીની નજીક આવેલા ખારેલ ITI ખાતે તમામ નોકરી મેળવનાર રત્ન કલાકારોને સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગની વિશેષ તાલીમ નિ:શુલ્ક આપવામાં આવી. કુશળ બન્યા બાદ આ કર્મચારીઓને અંદાજે 20,000ના પગાર સાથે સ્થાનિક સ્તરે જ નોકરી આપવામાં આવી છે.

ગોલ્ડી સોલાર કંપનીના MD ઈશ્વર ધોળકિયા જણાવી રહ્યા છે કે, નવસારીમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આવતી જતી નાની મોટી મંદીને ધ્યાનમાં રાખીને ગોલ્ડી સોલરે એક રિક્રૂટમેન્ટ પ્લાન બનાવ્યો છે. આ પ્લાન હેઠળ અમે રત્નકલાકારો અને 1000 થી વધુ લોકોને રોજગારી પૂરી પાડી છે. આ બધા લોકો પ્રતિભાશાળી હતા, કારણ કે તેઓ આર્ટિસ્ટ-રત્નકલાકાર હતા. તેમની આ સ્કિલ્સનો સોલાર ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. સકારાત્મક વાત એ છે કે નવસારી શહેરમાં ગોલ્ડી સોલરે હજારો લોકોને નોકરી પૂરી પાડી છે.
અનિલ નાયક વધુમાં જણાવે છે કે, મેં 20 વર્ષ હીરાના કામમાં વિતાવ્યા. તે સમયે ટ્રેનની અવરજવર અને મંદીના કારણે બહુ મુશ્કેલી પડતી હતી. ક્યારેક કામ ન મળે તો ખાલી હાથે ઘરે પાછા ફરવું પડતું, જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું અને છોકરાઓની ફી ભરવી મુશ્કેલ બની જતી હતી. મનમાં સતત હતાશા રહેતી કે આ બધું ક્યાં સુધી ચાલશે, કારણ કે ઉપરથી કહેવામાં આવતું કે અત્યારે મંદીનો માહોલ છે. જ્યારે અહીં ભરતીની જાહેરાત આવી ત્યારે મેં ઇન્ટરવ્યુ આપ્યો અને હું પાસ થઈ ગયો. મને એવું લાગ્યું કે જાણે અંધારામાં કોઈ ઉમ્મીદનું કિરણ જાગ્યું હોય. આજે હું અને મારો પરિવાર સુખથી જીવી રહ્યા છીએ. મારા પરિવારમાં મમ્મી, પત્ની અને ભણતા બે દીકરાઓ છે, જેઓ હવે સુરક્ષિત અનુભવે છે અને હું પણ મારું રોજગાર વ્યવસ્થિત રીતે ચલાવી શકું છું.
અશોકભાઈ, જે સુરતમાં કેટરિંગ બિઝનેસ ચલાવે છે, એ કહે છે કે, “હું ધોરાજીનો રહેવાસી છું અને છેલ્લા 20 વર્ષથી સુરતમાં વસું છું. શરૂઆતમાં પાંચ વર્ષ સુધી ડાયમંડ ઉદ્યોગમાં કામ કરેલું, પરંતુ મને જમવાનો પહેલેથી જ શોખ હોવાથી, મને આ ક્ષેત્ર વધુ આકર્ષક લાગ્યું અને મેં ડાઇનિંગ હોલ શરૂ કર્યો. એ પ્રોજેક્ટને આગળ ધપાવતાં, અરજણ અને ગોવિંદ ધોળકિયાએ મારો સાથ આપ્યો. ઈશ્વરભાઈએ ગોલ્ડી સોલાર કંપનીની શરૂઆત કરી અને મને કેન્ટીનના વ્યવસાય માટે તક આપીને ખૂબ સહાય કરી. રત્ન કલાકાર તરીકે પાંચ વર્ષની નોકરી દરમિયાન ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો, પરંતુ ખાવાના શોખને કારણે હોટલ લાઇનમાં મેં શિફ્ટ કર્યું. આ પ્રોજેક્ટમાં કેન્ટીનનો લાભ મળ્યો છે.