Hasina & Zias 35-Year Rivalry Concludes
ઢાકા15 કલાક પેહલા
- કૉપી લિંક

તારીખ- 21 ઓગસ્ટ, 2004
સ્થળ- બંગબંધુ એવન્યુ, ઢાકા
શેખ હસીનાની પાર્ટી અવામી લીગની એક જનસભા ચાલી રહી હતી. હસીના ભાષણ પૂરું કરીને પાછા ફરી રહ્યાં હતાં ત્યારે હુમલાખોરોએ તેમના કાફલા તરફ અનેક ગ્રેનેડ ફેંક્યા.
થોડી જ સેકન્ડમાં આખો વિસ્તાર ધડાકાઓ અને ચીસોથી ગુંજી ઊઠ્યો. રસ્તો લોહીથી લાલ થઈ ગયો. 24 લોકો માર્યા ગયા, 500થી વધુ ઘાયલ થયા. શેખ હસીનાનો આબાદ બચાવ થયો, પરંતુ તેમનો ડાબો કાન હંમેશાં માટે ખરાબ થઈ ગયો.
આ હુમલો બાંગ્લાદેશની રાજનીતિનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. આ પછી શેખ હસીના અને ખાલિદા ઝિયા વચ્ચે જે નફરત પેદા થઈ એ ખાલિદા ઝિયાના મૃત્યુ સુધી સમાપ્ત થઈ નહીં. બંને નેતાઓની આ લડાઈને મીડિયાએ નામ આપ્યું- બેટલ્સ ઓફ ધ બેગમ્સ.
પાર્ટ-3માં હસીના અને ખાલિદા ઝિયાના ‘બેટલ ઓફ ધ બેગમ્સ’ના અંતની કહાની વાંચો…

ઢાકામાં વર્ષ 2000ની એક તસવીર, જેમાં તેમના જૂના રાજકીય હરીફ શેખ હસીના (જમણે) સાથે ખાલિદા ઝિયા (ડાબે) બેઠાં છે.
5 વર્ષ પૂરાં કરનારાં પ્રથમ PM હસીના
1996થી 2001 સુધી શેખ હસીનાની સરકાર ચાલી. આ કાર્યકાળ અનેક રીતે ઐતિહાસિક રહ્યો. આ પહેલાં બાંગ્લાદેશમાં સરકારો અવારનવાર વચ્ચે જ પડી જતી હતી, પરંતુ શેખ હસીનાની સરકારે પાંચ વર્ષ પૂરાં કર્યાં.
આ દરમિયાન ખાલિદા ઝિયાએ સંસદમાં મોટા ભાગનો સમય બહિષ્કાર કર્યો. પરિણામ એ આવ્યું કે સંસદ અવારનવાર મજબૂત વિપક્ષ વિના ચાલતી રહી. જ્યારે શેખ હસીના સત્તામાં હતાં ત્યારે વિપક્ષનું નેતૃત્વ કરી રહેલા ખાલિદા ઝિયા અને તેમની પાર્ટી ગૃહની બહાર રહેતી હતી.
એે જ સમયે જ્યારે ખાલિદા ઝિયા વડાંપ્રધાન બન્યાં ત્યારે શેખ હસીનાની પાર્ટીએ સંસદનો બહિષ્કાર શરૂ કર્યો. પરિણામે બાંગ્લાદેશની સંસદ ઘણાં વર્ષો સુધી મુખ્ય વિપક્ષની ગેરહાજરીમાં ચાલતી રહી. વારંવારના વોકઆઉટ અને લાંબા બહિષ્કારને કારણે ઘણા મહત્ત્વપૂર્ણ બિલ અસરકારક ચર્ચા વિના પસાર થતાં રહ્યાં.

ઢાકામાં 1999માં સરકાર વિરુદ્ધ પ્રદર્શનમાં ખાલિદા ઝિયા.
આઠમી ચૂંટણી- 2001
કટ્ટરપંથીઓની મદદથી વડાપ્રધાન બન્યાં ખાલિદા ઝિયા
શેખ હસીનાને પૂરો વિશ્વાસ હતો કે તેઓ આગામી ચૂંટણી જીતી રહ્યાં છે, પરંતુ સંસદની બહારની કહાની તદ્દન અલગ હતી. આ પાંચ વર્ષમાં દેશે સતત બોમ્બવિસ્ફોટો, રાજકીય હિંસા અને આતંકની ઘટનાઓ જોઈ.
આ જ સમયગાળામાં ભ્રષ્ટાચારને ઉજાગર કરતી એજન્સી ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે બાંગ્લાદેશને પ્રથમ વખત વિશ્વનો સૌથી ભ્રષ્ટ દેશ જાહેર કર્યો. આનાથી દેશની છબિને ઘણું નુકસાન થયું. ઘણા સાંસદો પર ગુનાહિત કેસોમાં સંડોવાયેલા હોવાના આરોપો લાગ્યા. પત્રકારો પર હુમલા થયા.
જનતાની નજરમાં સરકારની છબિ ખરાબ બની ચૂકી હતી. 19 ઓગસ્ટે ચૂંટણીઓ યોજાઈ. આમાં અવામી લીગ એકલા મેદાનમાં હતી, જ્યારે BNP જમાત-એ-ઇસ્લામી અને અન્ય પક્ષો સાથે ઊતરી. BNPના ગઠબંધને બે-તૃતીયાંશ બહુમતી હાંસલ કરી લીધી.
શેખ હસીનાએ પરિણામો સ્વીકારવાનો ઇનકાર કર્યો અને ગેરરીતિનો આરોપ લગાવ્યો. 10 ઓક્ટોબર 2001ના રોજ ખાલિદા ઝિયાએ બીજી વખત વડાંપ્રધાન પદના શપથ લીધા.

આ તસવીર સપ્ટેમ્બર 2001ની છે. એે સમયે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જિમી કાર્ટર બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલાં શેખ હસીના અને ખાલિદા ઝિયા વચ્ચે મધ્યસ્થી કરવા અને રાજકીય તણાવ ઘટાડવાના હેતુથી ઢાકા આવ્યાં હતાં.
60 જિલ્લામાં એકસાથે વિસ્ફોટ થયા
ખાલિદા ઝિયાની સરકારમાં હવે કટ્ટરપંથી જમાત પણ સત્તાની ભાગીદાર હતી. આવા સમયે અવામી લીગના સમર્થકો અને લઘુમતી હિંદુઓ પર મોટા પાયે હુમલા થયા. ગામડાંમાં ઘરો સળગાવવામાં આવ્યાં, મહિલાઓ સાથે હિંસા થઈ અને હજારો લોકો પલાયન કરવા મજબૂર થયા.
17 ઓગસ્ટ 2005ના રોજ દેશના 63માંથી 60 જિલ્લામાં અડધા કલાકની અંદર એકસાથે 200થી વધુ બોમ્બવિસ્ફોટ થયા. હુમલાખોરોએ અદાલતો, સરકારી કચેરીઓ, બસ સ્ટેન્ડ અને બજારો જેવા સાર્વજનિક સ્થળોને નિશાન બનાવ્યા અને પત્રિકાઓ છોડીને ‘ઇસ્લામિક શાસન’ની માગ કરી.
હેતુ મોટા પાયે જાનમાલનું નુકસાન કરવાનો ન હતો, પરંતુ સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરવાનો હતો. બાદમાં થયેલી તપાસમાં સામે આવ્યું કે તેની પાછળ એક પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન જમાતુલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB)નો હાથ હતો.
શેખ હસીનાએ આ ઘટનાઓને લઈને અભિયાન ચલાવ્યું. જેમ પાછલા કાર્યકાળમાં ખાલિદા ઝિયાએ સંસદનો બહિષ્કાર કર્યો હતો, બરાબર એે જ રીતે શેખ હસીનાએ પણ સતત ગૃહથી અંતર રાખ્યું.
પરિણામ એ આવ્યું કે સંસદ મહિનાઓ સુધી મુખ્ય વિપક્ષ વિના ચાલતી રહી. કાયદાઓ પસાર થતા રહ્યા, પરંતુ ચર્ચા અને દેખરેખ લગભગ સમાપ્ત થઈ ગઈ. આ જ તે સમય હતો જ્યારે બાંગ્લાદેશની સંસદ દુનિયાની સૌથી લાંબા બહિષ્કારોવાળી સંસદોમાં ગણાવવા લાગી.

બાંગ્લાદેશની સંસદમાં વિપક્ષી દળના બહિષ્કાર બાદ ખાલિદા ઝિયા માટે એકતરફી નિર્ણયો લેવાનું સરળ બની ગયું.
કેરટેકર સરકારને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો
2006 આવતાં-આવતાં કેરટેકર સરકારને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો. અવામી લીગે આરોપ લગાવ્યો કે BNP પોતાના નજીકના લોકોને કેરટેકર સરકાર અને ચૂંટણી પ્રશાસનમાં બેસાડવા માગે છે.
વિપક્ષે એવો પણ આરોપ લગાવ્યો કે મતદાર યાદીમાં નકલી નામ ઉમેરવામાં આવી રહ્યા છે અને પ્રશાસન તથા પોલીસનો ઉપયોગ વિપક્ષને દબાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
આના વિરુદ્ધ મોટા આંદોલનો થયા અને ઘણી જગ્યાએ હિંસા ફાટી નીકળી. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે વર્ષના અંત સુધીમાં બાંગ્લાદેશ ગંભીર રાજકીય સંકટમાં ફસાઈ ગયું હતું. સંસદ ઠપ થઈ ગઈ હતી અને પ્રશાસનના કામકાજ પર અસર થવા લાગી હતી.
ત્યારબાદ વર્ષ 2007માં સેના સમર્થિત સરકાર બની. પરિસ્થિતિ સંભાળવા માટે કાર્યકારી સરકારે આખા દેશમાં કટોકટી લગાવી દીધી. કટોકટી લાગુ પડતા જ રાજકીય ગતિવિધિઓ પર રોક લગાવી દેવામાં આવી. રેલીઓ અને પ્રદર્શનો બંધ કરાવી દેવામાં આવ્યા.

જૂન 2006માં ઢાકામાં પ્રદર્શન દરમિયાન પથ્થર ફેંકી રહેલા લોકો.
કાર્યકારી સરકારે હસીના-ઝિયા બંનેને જેલમાં મોકલ્યાં
આ સમયે બંને મહિલા ભાગ્યે જ ક્યારેય સામસામે મળી હશે. જ્યારે પણ સરકારી કામકાજમાં સામનો થતો, ત્યારે ભૂતકાળનો ગુસ્સો વચ્ચે આવી જતો. સેનાના જનરલ આ ટકરાવથી એટલા પરેશાન થઈ ગયા કે તેમણે ભ્રષ્ટાચારના આરોપમાં બંનેને જેલમાં નાખી દીધા.
સેના-સમર્થિત કાર્યવાહક સરકારે પહેલા ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસોમાં ધરપકડ કરી, પછી થોડા સમય બાદ શેખ હસીનાને પણ જેલમાં મોકલી દેવામાં આવ્યાં. તેને ‘માઇનસ ટુ સોલ્યુશન’ કહેવામાં આવ્યું.
બંને પર ટ્રસ્ટ ફંડ, સરકારી કોન્ટ્રેક્ટ અને સત્તાના દુરુપયોગ સંબંધિત કેસ દાખલ કરવામાં આવ્યા. પડદા પાછળ એ પણ પ્રયાસ હતો કે બંનેને રાજકારણમાંથી બહાર કરીને નવી નેતાગીરી લાવવામાં આવે. જોકે, આવું થઈ શક્યું નહીં.
શરૂઆતમાં જનતાને કાર્યવાહક સરકારની કડકાઈ પસંદ આવી અને તેમને લાગ્યું કે હવે ભ્રષ્ટાચાર અટકશે, પરંતુ ધીમે ધીમે લોકોને લાંબો કટોકટીકાળ ખટકવા લાગ્યો. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધવા લાગ્યું અને ચૂંટણી કરાવવા તથા નેતાઓને મુક્ત કરવાની માગ તેજ બની.

જેલમાં જતાં પહેલાં સમર્થકોનું અભિવાદન કરતી ખાલિદા ઝિયા. તસવીર 3 સપ્ટેમ્બર 2007ની છે.
જેલમાં બીમાર થયાં હસીના-ઝિયા, સરકારે મુક્ત કર્યાં
ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર કહેવાય છે કે એે સમયગાળામાં બંને નેતાઓને એકબીજાની નજીક નજરકેદમાં રાખવામાં આવ્યાં હતાં અને શેખ હસીનાએ પોતાનું ભોજન ખાલિદા ઝિયા સાથે શેર કર્યું હતું.
જોકે શેખ હસીનાએ બાદમાં એક ઈન્ટરવ્યૂમાં તેનો ઇનકાર કર્યો અને કહ્યું કે ખાલિદા ઝિયાને વધુ સારા ઘર અને સુવિધાઓ આપવામાં આવી હતી. જેલમાં રહેવા દરમિયાન હસીનાના કાનનો દુખાવો વધી ગયો હતો.
આ ઈજા તેમને 2004માં ગ્રેનેડ હુમલા દરમિયાન થઈ હતી. અમેરિકામાં સારવારના બહાને તેઓ 11 જૂને જેલમાંથી મુક્ત થયા. જોકે ખાલિદા ઝિયા પણ બીમાર હતા, પરંતુ ત્યારે તેમની મુક્તિ થઈ ન હતી. તેમને કરોડરજ્જુની સમસ્યા પહેલેથી જ હતી, લિવરની સમસ્યા પણ વધી ગઈ. યોગ્ય સારવાર ન મળવાને કારણે તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ. આંતરરાષ્ટ્રીય દબાણને કારણે 11 સપ્ટેમ્બરે ખાલિદા ઝિયા મુક્ત થયાં.
નવમી ચૂંટણી- 2008
હસીનાએ બીજી વખત ચૂંટણી જીતી
બાંગ્લાદેશમાં લાંબા રાજકીય સંકટ પછી ડિસેમ્બર 2008માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. ભ્રષ્ટાચારના વધુ આરોપો ખાલિદા ઝિયા પર લગાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં તેમની છબી વધુ ખરાબ થઈ હતી. ખાલિદા ઝિયાની પાર્ટી, ત્રણ અન્ય સહયોગી પક્ષો સાથે મેદાનમાં ઉતરી.
ત્યાં, 2001ની ચૂંટણીમાંથી શીખેલી હસીનાની અવામી લીગે આ વખતે 14 પક્ષો સાથે ગ્રાન્ડ એલાયન્સ બનાવ્યું. આ ચૂંટણીમાં અવામી લીગે 300માંથી લગભગ 230 બેઠકો જીતી, જ્યારે BNP માત્ર 30ની આસપાસ બેઠકો પર સમેટાઈ ગઈ. ભારે જનાદેશ સાથે જાન્યુઆરી 2009માં શેખ હસીના વડાંપ્રધાન બન્યાં.

2008ની ચૂંટણીમાં શેખ હસીના ભારે બહુમતીથી જીત્યાં અને વડાંપ્રધાન બન્યાં.
સ્પેશિયલ કોર્ટ બનાવીને વિરોધીઓને સજા અપાવી
હસીના 1996માં પહેલીવાર સત્તામાં આવ્યાં, ત્યારે તેમની સરકાર નબળા ગઠબંધન પર ટકેલી હતી. સંસદમાં તેમની બહુમતી બહુ મજબૂત ન હતી અને દરેક મોટા નિર્ણય માટે સહયોગી પક્ષો પર નિર્ભર રહેવું પડતું હતું.
આ વખતે તેમની પાસે જંગી બહુમતી હતી. હસીનાએ 1971ના મુક્તિ સંગ્રામ દરમિયાન થયેલા ગુનાઓ પર કાર્યવાહી શરૂ કરી. આ માટે ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT) નામની વિશેષ અદાલતને સક્રિય કરવામાં આવી.
આ પછી BNP અને જમાતના નેતાઓને પસંદ કરીને નિશાન બનાવવામાં આવ્યા. વિપક્ષ અને જમાત-એ-ઇસ્લામીએ આરોપ લગાવ્યો કે ટ્રિબ્યુનલનો ઉપયોગ રાજકીય વિરોધીઓને દબાવવા માટે થઈ રહ્યો છે. આ પછી દેશભરમાં વિરોધ પ્રદર્શનો, હિંસા અને રાજકીય તણાવ વધી ગયો.
હસીનાએ ખાલિદા ઝિયાનું ઘર છીનવી લીધું
સત્તામાં આવ્યાના 1 વર્ષ પછી 2009માં હસીનાએ ખાલિદા ઝિયા પાસેથી તે સરકારી આવાસ ખાલી કરાવી લીધું, જેમાં તેમનો પરિવાર લગભગ ત્રણ દાયકાથી રહેતો હતો. આ તે જ ઘર હતું જે અગાઉ રાષ્ટ્રપતિ રહેલા ઝિયાઉર રહેમાનને ફાળવવામાં આવ્યું હતું અને બાદમાં ખાલિદા ઝિયા ત્યાં જ રહેતી રહી.
સરકારનો તર્ક હતો કે તે ઘર દેશની સંપત્તિ છે, ખાનગી નહીં. જે નિયમ મુજબ આ ઘર ફાળવવામાં આવ્યું હતું, તે નિયમો વિરુદ્ધ હતું. જોકે, સત્ય બધાને ખબર હતું કે હસીના 8 વર્ષ જૂનો બદલો લઈ રહી છે.
જ્યારે 2001માં ખાલિદા ઝિયા સત્તામાં પાછા ફર્યા હતા, ત્યારે તેમણે પણ શેખ હસીનાને તેમનું સરકારી આવાસ છોડવા મજબૂર કર્યા હતા. તેથી 2009માં ખાલિદા ઝિયાનું ઘર ખાલી કરાવવું બહુ મોટો મુદ્દો બની શક્યો નહીં. લોકોએ તેને ‘જેવા સાથે તેવા’ તરીકે જોયું.
પરિવારની હત્યાનું દર્દ શેખ હસીનાના ભાષણોમાં વારંવાર ઝળકતું હતું. તેઓ કોઈને કોઈ સ્વરૂપે જનરલ ઝિયા અને તેમના સમર્થકોને પોતાના પિતાની હત્યા માટે જવાબદાર માનતા રહ્યા.
હસીનાએ પોતાનાં ભાષણોમાં ઘણીવાર કહ્યું હતું કે રહેમાને તેમના પિતાના હત્યારાઓને સંરક્ષણ આપ્યું. તેમના સત્તામાં આવ્યા પછી જ હત્યારાઓને માફી મળી, વિદેશ મોકલવામાં આવ્યા અને રાજકીય સુરક્ષા આપવામાં આવી.

આપસી દુશ્મનીના કારણે શેખ હસીનાએ ખાલેદા ઝિયાનું આ સરકારી આવાસ છીનવી લીધું હતું.
દસમી ચૂંટણી- 2014
હસીનાએ કેરટેકર સિસ્ટમ ખતમ કરી
વર્ષ 1996માં હસીનાએ કેરટેકર સરકારના મુદ્દે ઝિયાની સરકાર 12 દિવસમાં પાડી દીધી હતી, પરંતુ હવે હસીનાએ 2011માં બંધારણમાં ફેરફાર કરીને કેરટેકર સરકારવાળી વ્યવસ્થા જ ખતમ કરી દીધી.
પહેલાં નિયમ એ હતો કે ચૂંટણી અગાઉ થોડા સમય પહેલાં કેબિનેટ ભંગ કરી દેવામાં આવતી હતી અને એક નિષ્પક્ષ વચગાળાની સરકાર ચૂંટણી કરાવતી હતી, પરંતુ હસીનાનું કહેવું હતું કે આ સિસ્ટમ ગેરબંધારણીય છે અને વારંવાર અસ્થિરતા પેદા કરે છે.
BNP એ આનો સખત વિરોધ કર્યો અને નિષ્પક્ષ ચૂંટણીનો સવાલ ઉઠાવ્યો. આ જ વિવાદ 2014ની ચૂંટણી સુધી ચાલ્યો. જાન્યુઆરી 2014ની સામાન્ય ચૂંટણીમાં BNPએ બહિષ્કાર કર્યો. જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે તેમના પ્રતિસ્પર્ધી વિપક્ષની ભાગીદારી વિના જ ચૂંટણી કરાવવા જઈ રહ્યા છે, ત્યારે ખાલિદા ઝિયાએ દેશભરમાં હડતાળનું આહ્વાન કર્યું.
હડતાળ દરમિયાન ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓએ ટ્રકો અને બસોમાં આગ લગાડી દીધી. કેટલાક કિસ્સાઓમાં મુસાફરોને ઉતારવાનો પણ સમય આપવામાં આવ્યો ન હતો, જેનાથી સ્થિતિ વધુ ભયાવહ બની ગઈ. ચૂંટણી સંબંધિત આ હિંસામાં લગભગ 100 લોકોના મોત થયાના અહેવાલો આવ્યા. આખા દેશમાં ડર અને અરાજકતાનો માહોલ છવાઈ ગયો.
મતદાનના દિવસે ખાલિદા ઝિયાના સમર્થકોને એવા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તેઓ લોકોને મત આપતા રોકે.
ચૂંટણી અવામી લીગે જીતી લીધી, પરંતુ ઓછા મતદાન અને બિનહરીફ બેઠકોને લઈને સવાલો ઉભા થયા. 2014 સુધીમાં શેખ હસીનાની સત્તા મજબૂત થઈ ચૂકી હતી, જ્યારે વિપક્ષ નબળો પડી ગયો હતો.

ચૂંટણી પહેલાં વિરોધ પ્રદર્શન દરમિયાન ખાલિદા ઝિયા. તસવીર 2013ની છે.
15 ઓગસ્ટે જન્મદિવસ ઊજવવા પર વિવાદ
ખાલિદા ઝિયા પર એક આરોપ એ પણ હતો કે તેમણે પોતાની જન્મતારીખ ખોટી જણાવીને 15 ઓગસ્ટ, જે શેખ હસીના માટે શોકનો દિવસ છે, તેને પોતાના જન્મદિવસ તરીકે ઊજવ્યો. આ દિવસે હસીનાના પિતા શેખ મુજીબ સહિત તેમના પરિવારના 10 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી.
ખાલિદા ઝિયાએ 15 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ સાર્વજનિક રૂપે ઊજવવાનું 1990ના દાયકાની શરૂઆતમાં શરૂ કર્યું હતું. ખાસ કરીને 1991માં વડાપ્રધાન બન્યા પછી. અવામી લીગે આરોપ લગાવ્યો કે ખાલિદાએ જાણી જોઈને આ જ તારીખ પસંદ કરી હતી.
જોકે, BNPની દલીલ હતી કે આ જ ખાલિદાની સાચી જન્મતારીખ છે અને તેમાં રાજકારણ ઘુસેડવામાં આવી રહ્યું છે. જોકે, આ દલીલથી હસીના સંતુષ્ટ ન થઈ. આ મામલે કોર્ટે 2016માં ખાલિદા ઝિયા વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કર્યું. જોકે, તેમણે બીમારીનું બહાનું આપીને કોર્ટમાં હાજર થવાનો ઇનકાર કરી દીધો.
અગિયારમી ચૂંટણી- 2018
ચૂંટણી પહેલાં ખાલિદા ઝિયાના ચૂંટણી લડવા પર રોક લાગી
ચૂંટણીના 10 મહિના પહેલાં ફેબ્રુઆરી 2018માં ઢાકાની અદાલતે ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના બે અલગ-અલગ કેસોમાં દોષિત ઠેરવ્યા. આરોપ એ હતો કે વડાપ્રધાન તરીકે તેમના નામ સાથે સંકળાયેલા આ ટ્રસ્ટોમાં વિદેશી સહાય અને દાનની રકમનો દુરુપયોગ કરવામાં આવ્યો.
પહેલા (ફેબ્રુઆરી 2018) ઓર્ફનેજ ટ્રસ્ટ કેસમાં તેમને 5 વર્ષની જેલ થઈ (પછીથી એ વધારીને 10 વર્ષ કરી દેવામાં આવી). પછી ચેરિટેબલ ટ્રસ્ટ કેસમાં તેમને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી. કુલ મળીને અદાલતોના નિર્ણયોએ તેમને લાંબા સમય માટે જેલના માર્ગે ધકેલી દીધાં.
સજા પછી તેઓ ચૂંટણી લડવા માટે લાયક રહ્યાં નહીં. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી તેમના સૌથી મોટા નેતા વિના મેદાનમાં ઊતરી. તેની અસર ચૂંટણી પર પડી. અવામી લીગના ગઠબંધને 300માંથી લગભગ 288 બેઠકો જીતી લીધી.

વડાંપ્રધાન શેખ હસીના 2018માં ચૂંટણી જીત્યા પછી.
બારમી ચૂંટણી- 2024
શેખ હસીના પાંચમી વાર PM બન્યાં
BNPએ ફરીથી કેરટેકર વ્યવસ્થાની માગ ઉઠાવી અને ચૂંટણી બહિષ્કારની ધમકી આપી. સરકારે બંધારણનો હવાલો આપીને તે જ માળખામાં ચૂંટણી કરાવવાની વાત દોહરાવી. રસ્તા પર પ્રદર્શનો, ધરપકડો અને આરોપ-પ્રત્યારોપ વધતા ગયા. વાતાવરણ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી બની ગયું.
જોકે શેખ હસીનાએ ચૂંટણીઓ યોજવાનું ચાલુ રાખ્યું. 2018માં યોજાયેલી ચૂંટણીમાં જ્યાં 80% મતદાન થયું હતું, એે આ વખતે ઘટીને માત્ર 40% રહ્યું. અવામી લીગ અને તેના સહયોગી પક્ષોએ સંસદની કુલ 300માંથી લગભગ 223 બેઠકો જીતી લીધી. આ સાથે શેખ હસીના સતત ચોથી વખત અને કુલ મળીને પાંચમી વખત વડાંપ્રધાન બન્યાં.
હસીના આ વખતે માત્ર સાત મહિના જ વડાપ્રધાન પદ પર રહી શક્યાં. સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના નેતૃત્વમાં દેશભરમાં મોટા પાયે વિરોધપ્રદર્શનો શરૂ થયાં, જે ધીમે ધીમે હિંસક બનતાં ગયાં. શેખ હસીનાને પદ છોડવું પડ્યું અને તેમને દેશ છોડીને ભારત ભાગવું પડ્યું.
5 ઓગસ્ટ 2024થી હસીના ભારતમાં રહે છે. જ્યારે ખાલિદા ઝિયાનું 30 ડિસેમ્બર 2025ના રોજ લાંબી બીમારી બાદ નિધન થયું. આ સાથે બાંગ્લાદેશમાં ‘બેટલ્સ ઓફ ધ બેગમ્સ’નો અંત આવ્યો.
આ પણ વાંચો….
