I-PAC રેડ મામલો: સુપ્રીમ કોર્ટે મમતા સરકારને નોટિસ ફટકારી:કહ્યું- EDના કામમાં અવરોધ ન લાવો; તપાસ એજન્સી વિરુદ્ધ દાખલ FIR પર રોક




કોલકાતામાં 8 જાન્યુઆરીના રોજ I-PAC રેડ કેસમાં EDની અરજી પર સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે CM મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકાર પાસેથી બે અઠવાડિયામાં જવાબ માંગ્યો અને કહ્યું કે કેન્દ્રીય એજન્સીના આરોપો ગંભીર છે. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે કહ્યું કે સરકાર EDના કામમાં દખલ ન આપે. એજન્સીને પોતાનું કામ કરવા દે. કોર્ટે 3 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી સુધી ED અધિકારીઓ વિરુદ્ધ દાખલ FIR પર પણ રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું- આ મામલે કેટલાક મોટા સવાલો છે, જેનો જવાબ ન મળે તો અરાજકતા ફેલાઈ શકે છે. જો કેન્દ્રીય એજન્સીઓ કોઈ ગંભીર ગુનાની તપાસ માટે ઈમાનદારીથી પોતાનું કામ કરી રહી છે, તો શું તેમને રાજનીતિ કરીને રોકી શકાય છે? કોલકાતામાં 8 જાન્યુઆરીએ I-PAC ઓફિસ અને કંપનીના ડાયરેક્ટર પ્રતીક જૈનના ઘરે દરોડા (રેડ) મામલે EDની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. EDએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્યાં પહોંચ્યાં અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો તથા દસ્તાવેજો પોતાની સાથે લઈ ગયાં. EDનો પક્ષ રાખતા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કહ્યું, મમતાની સાથે બંગાળના DGP પણ પોલીસ ટીમ સાથે પહોંચ્યા હતા. પોલીસે EDના અધિકારીઓના મોબાઈલ છીનવી લીધા. CM મીડિયાની સામે પણ ગયા. આ રીતે EDનું મનોબળ તૂટે છે અને તેમના કામમાં અવરોધ આવે છે. બંગાળ સરકારનો પક્ષ રાખતા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું- I-PAC ડાયરેક્ટર પ્રતીક જૈનના લેપટોપમાં ચૂંટણી સંબંધિત તમામ માહિતી હતી. તેઓ લેપટોપ અને તેમનો અંગત આઈફોન લઈને ગયા હતા. બસ આટલું જ. CMએ દરોડામાં કોઈ અવરોધ ઊભો કર્યો ન હતો. I-PAC પાસે TMCના દસ્તાવેજો હતા, તેથી જ ED ત્યાં ગઈ હતી. આ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું- તમારો દાવો ખોટો છે. જો EDનો ઈરાદો દસ્તાવેજો જપ્ત કરવાનો હોત, તો તેમણે જપ્ત કરી લીધા હોત, પરંતુ કંઈપણ જપ્ત કર્યું નથી. અમારે તપાસ કરવી પડશે. સરકાર અમને નોટિસ જારી કરતા રોકી શકે નહીં. કોર્ટ રૂમ લાઈવ- સુપ્રીમ કોર્ટ: તમે (ED) ત્યાં શા માટે ગયા હતા? કઈ બાબતની તપાસ ચાલી રહી હતી? સોલિસિટર જનરલ: સરકાર કહી રહી છે કે અમે (ED) SIR ડેટા જપ્ત કરવા ગયા હતા. SIR ડેટા તો પહેલાંથી જ વેબસાઇટ પર ઉપલબ્ધ છે! કોઈ મૂર્ખ જ એ જપ્ત કરવા માટે ત્યાં જશે. ED ગેરકાયદે કોલસાકૌભાંડની તપાસ માટે ગઈ હતી. સુપ્રીમ કોર્ટ: શું આ કોલસાકૌભાંડની તપાસ ચાલી રહી છે? સોલિસિટર જનરલ: જી હા. કોલસાની ચુકવણી રોકડમાં કરવામાં આવતી હતી. સમન્સનો કોઈ જવાબ મળ્યો ન હતો. એક હવાલા ચેનલની ઓળખ કરવામાં આવી છે. લગભગ 20 કરોડ રોકડા I-PACને ટ્રાન્સફર થયા. એટલા માટે 8 જાન્યુઆરીએ કંપનીનાં 10 ઠેકાણાં પર તપાસ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટ: શું આ એ જ I-PAC છે, જેની સાથે પહેલા શ્રી પ્રશાંત કિશોર જોડાયેલા હતા? સોલિસિટર જનરલ: જી હા. અમે પહેલાંથી જ અધિકારીઓને ઈ-મેલ પર આની જાણકારી આપી હતી. અમને રાજકીય પ્રવૃત્તિઓમાં કોઈ રસ નહોતો. અમને નથી ખબર કે તેઓ શું છુપાવવા માગતા હતા કે મુખ્યમંત્રી આખી પોલીસ ફોર્સ સાથે અંદર ઘૂસી આવ્યા? કપિલ સિબ્બલ: કોલસાકૌભાંડમાં છેલ્લું નિવેદન ફેબ્રુઆરી 2024માં નોંધવામાં આવ્યું હતું; ત્યારથી ED શું કરી રહી હતી? ચૂંટણીના સમયે અચાનક કાર્યવાહી કેમ? પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની જવાબદારી I-PAC પાસે છે. પાર્ટીએ 2021માં I-PAC સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. તેની પાસે પાર્ટીની ઘણી જાણકારીઓ છે. EDને બધી ખબર છે. ચૂંટણીની વચ્ચે ત્યાં જવાની શું જરૂર હતી? સુપ્રીમ કોર્ટ: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી I-PAC કરાવે છે કે ચૂંટણીપંચ? કપિલ સિબ્બલ: I-PAC પાસે અનેક પ્રકારના આંકડા રાખવામાં આવે છે. જ્યારે ED ત્યાં ગઈ ત્યારે તેમને ખબર હતી કે પાર્ટી સાથે સંબંધિત ઘણો ડેટા ત્યાં હાજર હશે. સુપ્રીમ કોર્ટ (રમૂજી અંદાજમાં): સોલિસિટર જનરલ કહી રહ્યા છે કે જો ચૂંટણી દરમિયાન મની લોન્ડરિંગ થાય છે તો એમાં EDનો શો વાંક છે? EDનો આરોપ- પુરાવાઓ સાથે ચેડાં કરાયાં, મહત્ત્વના દસ્તાવેજો છીનવી લેવાયા EDએ 8 જાન્યુઆરીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના IT હેડ અને પોલિટિકલ કન્સલ્ટન્ટ ફર્મ (IPAC)ના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘર અને કંપની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન મમતા બેનર્જી ત્યાં પહોંચ્યા અને કેટલીક ફાઈલો પોતાની સાથે લઈ ગયા હતા. આ પછી EDએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તપાસ એજન્સીનો આરોપ છે કે મમતાએ દરોડા દરમિયાન અવરોધ ઊભો કર્યો હતો. પુરાવાઓ સાથે ચેડાં કરવામાં આવ્યાં, મહત્ત્વના દસ્તાવેજો છીનવી લેવામાં આવ્યા અને ED અધિકારીઓને ધમકાવ્યા. અરજીમાં મુખ્યમંત્રી અને ટોચના પોલીસ અધિકારીઓ પર લૂંટ, ચોરી અને લૂંટફાટ જેવા ગંભીર આરોપોનો સમાવેશ થાય છે. EDની માગ છે કે ગેરકાયદે અને બળજબરીથી લઈ જવાયેલા તમામ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ, સ્ટોરેજ મીડિયા અને દસ્તાવેજો જપ્ત કરીને સીલ કરવામાં આવે. બંગાળ સરકારે પણ 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સરકારે કહ્યું હતું કે તેનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ પસાર ન કરવામાં આવે. IPAC દરોડાનો મામલો 2,742 કરોડના મની લોન્ડરિંગ કેસ સાથે સંકળાયેલો છે EDએ કોલસાની તસ્કરી સાથે સંકળાયેલા ₹2,742 કરોડના મની લોન્ડરિંગ કેસને લઈને IPAC ડાયરેક્ટર પ્રતીક જૈનના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. CBIએ આ મામલે 27 નવેમ્બર 2020ના રોજ FIR નોંધી હતી. EDએ 28 નવેમ્બર 2020ના રોજ તેની તપાસ શરૂ કરી હતી. આ મામલો હવે પાંચમા વર્ષમાં છે, પરંતુ કાર્યવાહી બરાબર એ સમયે સામે આવી, જ્યારે બંગાળમાં માર્ચ-એપ્રિલ 2026માં ચૂંટણી થવાની છે. IPAC ભારતની પોલિટિકલ કન્સલ્ટન્સી કંપની છે, જે રાજકીય પક્ષો માટે મોટે પાયે ચૂંટણી અભિયાનોનું કામ કરે છે. આરોપ છે કે ₹20 કરોડ હવાલાથી IPAC સુધી ટ્રાન્સફર થયા. EDએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં કહેવામાં આવ્યું કે રાજ્ય સરકારે તપાસમાં અવરોધ ઊભો કર્યો અને પુરાવા નષ્ટ કર્યા. કલકત્તા હાઈકોર્ટે TMCની અરજી ફગાવી કલકત્તા હાઈકોર્ટે IPAC રેડ મામલે બુધવારે TMCની અરજી ફગાવી દીધી. પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે તપાસ એજન્સીએ 8 જાન્યુઆરીએ પ્રતીક જૈનની ઓફિસ પર રેડ પાડીને કેટલાક કાગળો જપ્ત કર્યા હતા. આના પર તપાસ એજન્સીએ કહ્યું હતું કે એજન્સીએ પાર્ટી કાર્યાલયમાંથી કંઈપણ જપ્ત કર્યું નથી. હવે આખો મામલો સમજો 8 જાન્યુઆરી: TMCના IT હેડનાં ઠેકાણાં પર EDની રેડ 8 જાન્યુઆરીએ EDની ટીમે પ્રતીક જૈનના કોલકાતાના ગુલાઉડન સ્ટ્રીટ સ્થિત ઘર અને બીજી ટીમે સોલ્ટલેક સ્થિત ઓફિસ પર દરોડા પાડ્યા હતા. પ્રતીક જૈન જ મમતા બેનર્જી માટે પોલિટિકલ સ્ટ્રેટેજી તૈયાર કરે છે. કાર્યવાહી સવારે 6 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ લગભગ 11:30 વાગ્યા પછી મામલો ગરમાયો. સૌથી પહેલા કોલકાતા પોલીસ કમિશનર, પ્રતીકના નિવાસસ્થાને પહોંચ્યા. થોડા સમય પછી સીએમ મમતા બેનર્જી પોતે લાઉડન સ્ટ્રીટ સ્થિત તેમના ઘરે પહોંચી ગયાં. મમતા ત્યાં થોડીવાર રોકાયાં. જ્યારે બહાર નીકળ્યાં ત્યારે તેમના હાથમાં એક લીલી ફાઇલ દેખાઈ. આ પછી તેઓ I-PACની ઓફિસે પણ ગયાં. તેમણે કહ્યું- ગૃહમંત્રી મારી પાર્ટીના દસ્તાવેજો ઉઠાવી રહ્યા છે. EDએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં 6 અને દિલ્હીમાં 4 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા. 9 જાન્યુઆરી: મમતા બેનર્જીએ કોલકાતામાં માર્ચ કાઢી 9 જાન્યુઆરીના રોજ TMCના કાર્યકરોએ દિલ્હીથી કોલકાતા સુધી વિરોધપ્રદર્શન કર્યું. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ED પર બે FIR પણ નોંધાવી છે. તેમણે કોલકાતામાં માર્ચ પણ કાઢી હતી. આ દરમિયાન મમતા બેનર્જીએ દાવો કર્યો કે તેમની પાસે ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ પેન ડ્રાઈવ છે. તેમણે કહ્યું- દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સુધી કોલસાકૌભાંડની રકમ પહોંચે છે. મારી પાસે તેના પુરાવા છે. જરૂર પડશે તો હું તેમને જનતા સમક્ષ રજૂ કરી શકું છું. CMએ કહ્યું હતું- કોલસા કૌભાંડના પૈસા શાહને મોકલ્યા હતા મમતાએ 9 જાન્યુઆરીએ માર્ચ દરમિયાન આરોપ લગાવ્યો છે કે કોલસા કૌભાંડના પૈસા સુવેન્દુ અધિકારીએ વાપર્યા અને અમિત શાહને મોકલ્યા. તેમણે કહ્યું હતું કે હું સામાન્ય રીતે પ્રતિક્રિયા આપતી નથી, પરંતુ જો કોઈ મને છેડે છે તો હું છોડતી નથી. આના પર પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ બેનર્જીને બદનક્ષીની નોટિસ મોકલી. નોટિસમાં તેમણે 72 કલાકની અંદર કથિત આરોપો સાથે સંબંધિત તમામ પુરાવા રજૂ કરવાની માગ કરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *