Japan Accuses China Of Targeting Fighter Jets With Fire-Control Radar Lock Near Okinawa | ચીને જાપાની ફાઇટર જેટ્સને નિશાન બનાવ્યા: બે વાર ફાયર-રડાર લોક કર્યું; બેઇજિંગે આરોપો નકાર્યા
ટોક્યો1 કલાક પેહલા
- કૉપી લિંક

જાપાને ચીન પર તેના ફાઇટર જેટ્સને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. જાપાની સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ ઘટના શનિવારની છે.
આરોપ છે કે ચીની ફાઇટર જેટ્સે ઓકિનાવા ટાપુ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં જાપાનની એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (ASDF)ના વિમાનો પર બે વાર ફાયર-કંટ્રોલ રડાર લોક કર્યું.
આ તે તબક્કો છે જ્યારે કોઈ ફાઇટર જેટ તેના હથિયારોવાળા રડારને સીધા ટાર્ગેટ પર લોક કરી દે છે. ફાયર-કંટ્રોલ રડારને મિસાઈલ છોડતા બરાબર પહેલાં લોક કરવામાં આવે છે.
જાપાને આ ઘટના પર ચીન સામે સખત વિરોધ નોંધાવ્યો છે. પીએમ સાને તકાઈચીએ તેને ખતરનાક ગણાવતા ચીન પાસેથી કડક કાર્યવાહીની માગ કરી છે. સાથે ભવિષ્યમાં આવી ઘટનાને રોકવા માટે કહ્યું છે. જોકે, ચીને જાપાનના આરોપોને નકારી કાઢ્યા છે.

આ વર્ષે જૂન-જુલાઈમાં પણ ચીની વિમાનો જાપાની વિમાનોની ખૂબ નજીક આવ્યા હતા. ફાઇલ ફોટો)
ચીને જાપાનને જવાબદાર ઠેરવ્યું
ચીની સેના (PLA)એ આ ઘટના માટે જાપાનને જવાબદાર ઠેરવ્યું છે. PLAએ કહ્યું છે કે જાપાની વિમાનોએ ચીની ટ્રેનિંગ એરિયામાં વારંવાર ઘૂસણખોરી કરી. આનાથી અભ્યાસમાં અવરોધ આવ્યો અને ઉડાન સુરક્ષાને ખતરો પેદા થયો.
ઘટના સમયે ચીની કેરિયર અને ત્રણ મિસાઈલ ડિસ્ટ્રોયર અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન જાપાને સંભવિત હવાઈ સીમા ઉલ્લંઘનને રોકવા માટે F-15 વિમાનોને તહેનાત કર્યા હતા.
જવાબમાં ચીની J-15 ફાઇટર જેટ્સે લિયાઓનિંગ એરક્રાફ્ટ કેરિયર પરથી ઉડાન ભરીને ASDFના F-15 વિમાનોને રડારથી નિશાન બનાવ્યા. જાપાનના સંરક્ષણ પ્રધાન શિન્જીરો કોઈઝુમીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ વિમાનને નુકસાન થયું નથી.

કોઈઝુમીએ કહ્યું છે કે જાપાન નિર્ણાયક રીતે ચીનની હરકતોનો જવાબ આપશે. (ફાઇલ ફોટો)
તાઇવાનના મુદ્દે ચીન-જાપાનમાં તણાવ વધ્યો
ચીન અને જાપાન વચ્ચે ગયા મહિને તાઇવાનને લઈને જાપાનના પીએમ સાને તાકાઇચીના નિવેદન બાદ તણાવ વધી ગયો હતો. ખરેખર, તાકાઇચીએ 7 નવેમ્બરે કહ્યું હતું કે જો ચીન તાઇવાન પર હુમલો કરશે તો જાપાન મદદ માટે પોતાની સેના મોકલશે.
ચીને આ નિવેદનને અત્યંત બેજવાબદાર અને ઉશ્કેરણીજનક ગણાવ્યું. તેના બીજા જ દિવસે વિવાદ વધુ વકર્યો જ્યારે જાપાનમાં ચીનના કાઉન્સલ જનરલ શુએ જિયાને X પર લખ્યું કે તેઓ આ મામલે દખલ કરનારનું ગળું કાપી નાખશે.
ત્યારબાદ બંને દેશોએ એકબીજાના રાજદૂતોને બોલાવ્યા. ચીને પોતાના નાગરિકોને જાપાન ન જવા માટે ચેતવણી આપી છે અને કહ્યું છે કે ત્યાં જવાથી તેમને ખતરાનો સામનો કરવો પડી શકે છે.

PM સાને તાકાઇચીએ જાપાની સંસદમાં 7 નવેમ્બરે આપેલા પોતાના પહેલા જ સંબોધનમાં તાઇવાનનું સમર્થન કર્યું હતું.
તાઇવાનને પોતાનો હિસ્સો માને છે ચીન
ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે જાપાન અને અમેરિકા તાઇવાનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા તો નથી આપતા, પરંતુ અમેરિકા તેની સુરક્ષામાં મદદ કરે છે અને તેના પર કોઈપણ બળજબરીપૂર્વકના કબજાનો વિરોધ કરે છે.
તાઇવાન જાપાનથી માત્ર 110 કિલોમીટર દૂર છે. તાઇવાનની આસપાસનો દરિયાઈ વિસ્તાર જાપાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેનો એક મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ છે. આ સાથે, જાપાનમાં દુનિયાનો સૌથી મોટો અમેરિકી સેનાનો વિદેશી અડ્ડો પણ મોજુદ છે.