Krains Fuletra IPL Journey; Saurashtra Chinaman Bowler Impresses Heinrich Klaasen VIDEOS | રાજકોટના ‘ચાઇનામેન’થી IPLમાં બેટર્સ થથરશે: ક્લાસેન જેવા વર્લ્ડ ક્લાસ પ્લેયરને પરસેવો છોડાવ્યો, SRHએ દાવ લગાવ્યો તે ક્રેઇન્સ ફુલેત્રા વિશે જાણો
15 મિનિટ પેહલાલેખક: સૌમ્ય વોરા
- કૉપી લિંક

IPLનો ઑફિશિયલ મોટ્ટો (સૂત્ર) છે, ‘Yatra Pratibha Avsara Prapnotihi’, જેનો મતલબ થાય છે…Where Talent Meets Opportunity (જ્યાં પ્રતિભાઓને તક મળે છે). આજ વાતને આપણા સૌરાષ્ટ્રના જ માત્ર 20 વર્ષના ક્રેઇન્સ ફુલેત્રાએ સાર્થક કરી બતાડી છે.
ગત IPL સીઝનમાં તે SRHનો નેટ બોલર હતો. ત્યારથી જ તે બસ ચર્ચામાં રહ્યો છે. હેનરિક ક્લાસેન જેવા વિસ્ફોટક બેટરને તેણે પરસેવો છોડાવી દીધા હતા. આ વાતનો ઉલ્લેખ ક્લાસેને જાતે જ એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં કર્યો.
સૌરાષ્ટ્રના માળિયા હાટીના જેવા નાનકડા ગામમાંથી હવે તે IPLની સફર ખેડવા જઈ રહ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે તેની ક્રિકેટિંગ જર્ની, ફેમિલી સપોર્ટ, તે કઈ રીતે ચાઇનામેન બોલિંગ શીખ્યો અને હવે તેનો નેક્સ્ટ ગોલ શું છે, આ બધા જ વિશે ક્રેઇન્સ ફુલેત્રા પાસેથી જાણ્યું…તો ચાલે જાણીએ યંગ સેન્સેશન ક્રેઇન્સ ફુલેત્રાને…
‘ફેમિલીએ મને અઘરા સમયમાં ખૂબ સપોર્ટ કર્યો, બસ ઈન્ડિયા માટે રમવું છે હવે’ ક્રિકેટ રમવાનું ક્યારે અને કેવી રીતે શરૂ કર્યું અને ફેમિલીનો સપોર્ટ કેવો હતો તેના સવાલના જવાબમાં ક્રેઇન્સે કહ્યું કે, ‘પહેલા અમે આખી ફેમિલી માળિયા હાટીના રહેતા. ત્યાં ક્રિકેટ રમતો પણ પ્રોફેશનલી ક્રિકેટ રમતો નહોતો. એટલે મમ્મી-પપ્પાએ નક્કી કર્યું કે આપણે રાજકોટ શિફ્ટ થઈ જાય. તો મારા ક્રિકેટ માટે અમે શિફ્ટ થઈ ગયા. અમારે ત્યાં સેટલ હતું બધું, ખેતીવાડી હતી એ બધુ મૂકીને અમે અહીં રાજકોટ આવ્યા હતા. સિટી લાઇફ અલગ હોય છે, એટલે શરૂઆતમાં થોડું અઘરું પડ્યું હતું.’

ક્રેઇન્સ IPL 2025માં SRHનો નેટ બોલર હતો. આ વખતે ટીમે તેને બેઝ પ્રાઇસમાં સામેલ કર્યો.
‘મને ક્રિકેટર બનાવવામાં ફેમિલીએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. મારા અઘરા સમયમાં પણ મને એમણે સપોર્ટ કર્યો છે, જ્યારે વચ્ચે હું ક્રિકેટ રમી નહોતો શકતો. પણ IPLમાં હવે તક મળી છે, તો લાગે છે ડ્રીમ પુરું થયું છે. મારે હવે આગળ ઈન્ડિયા માટે રમવું છે.’
આગળ હવે ગોલ શું તેના જવાબમાં તેણે કહ્યું, 4. IPLમાં સિલેક્ટ થયો છું, તો હવે નેક્સ્ટ ગોલ મારો એ રહેશે કે હું IPLમાં સારું પરફોર્મન્સ આપું અને ઈન્ડિયન ટીમ માટે સિલેક્ટ થઉં.
SRHમાં સિલેક્ટ થયો ત્યારે લિફ્ટમાં હતો, ઘરમાં સિલેબ્રેશન ચાલુ થઈ ગયું હતું IPLમાં સિલેક્ટ થયો ત્યારે ઘરમાં શું રિએક્શન હતું તેના જવાબમાં ક્રેઇન્સે જણાવ્યું, ‘હું તો પ્રેક્ટિસમાં હતો, પછી મેં મારી પ્રેક્ટિસ પૂરી કરીને ત્યાં જ ઓક્શન જોતો હતો. તો ત્યારે હજું 120મો નંબર ચાલતો હતો. મારો નબંર 275 હતો. ત્યાં પહોંચતા હજુ વાર હતી. તો એક્સલેરશન રાઉન્ડમાં મારું નામ આવી ગયું. ઘરવાળાઓને તો ખબર પડી ગઈ કે સિલેક્ટ થયો છું, પણ હજુ હું તો લિફ્ટમાં જ હતો. બધાએ સેલિબ્રેશન ચાલુ કર્યું, ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું સિલેક્ટ થઈ ગયો છું.’
‘ચાઇનામેન એટલે શું એ મને ખ્યાલ જ નહોતો, પહેલા પેસ બોલર હતો’ ચાઇનામેન બોલિંગની સ્કીલ્સ કેવી રીતે ડેવલોપ કરી, તેમાં ક્રેઇન્સે કહ્યું, ‘ચાઇનામેન તો પહેલા મને ખબર નહોતી પડતી. હું પહેલા પેસ બોલર હતો. એક વર્ષ પછી હું એમ જ બોલ નાખતો હતો. તો મારા સર જોઈ ગયા કે આ ચાઇનામેન સારી રીતે નાખે. એમણે મને સમજાવ્યો કે આને ચાઇનામેન કહેવાય અને આ બહુ જ ઓછા લોકો નાખી શકે છે. એમણે કહ્યું કે આમાં એક્યુરસી અને કન્સીસટન્સી મેળવવા માટે દરરોજની 20 ઓવર બોલિંગ કરવી પડે. આ પછી હું પ્રેક્ટિસ કરતો ગયો અને હવે સારી રીતે ચાઇનામેન બોલિંગ કરી શકું છું.’

ક્રેઇન્સે કહ્યું કે તે પહેલા પેસ બોલર હતો. પણ પાછળથી પ્રેક્ટિસ કરીને લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર બન્યો.
‘દરરોજ 20-25 ઓવર બોલિંગ કરતો’ તે બોલિંગમાં આટલો વધુ ડેવલોપ કઈ રીતે થયો અને તેનો ડાયેટ પ્લાન શું રહેતો, તેના વિશે ક્રેઇન્સે જણાવ્યું, ‘મારો ડાયેટ પ્લાન સિમ્પલ રહેતો, સુગર વાળી, ફેટ વાળી વસ્તુઓ નહોતો ખાતો અને ગ્રીન વેજીટેબલ્સ જ ખાવામાં લેતો હતો. પછી સર અમને અઠવાડિયામાં એક દિવસ લોંગ રનિંગ કરાવતા અને પછી બીજા દિવસે સ્પીડ ઉપર કામ કરાવતા. સ્ટેપ્સ પર સ્ટેપ્સ જ ચડતા…પછી સરે મને કહેતા કે દરરોજ હું 20-25 ઓવર નાખું, જેથી મારે એ પ્રમાણે મસલ મેમરી થઈ જાય. તો જ્યારે ચાઇનામેન બોલિંગ કરવા જતો, તો હું દરરોજની 20-25 ઓવર નાખી જ દેતો હતો.’
ગત વખતે ઝામ્પાના જ રિપ્લેસમેન્ટમાં સિલેક્ટ થઈ જાત પણ… હૈદરાબાદ જ ટીમમાં સિલેક્ટ કરી લેશે એવું ધાર્યું હતું. આ સવાલમાં ફુલેત્રાએ કહ્યું, ‘લાસ્ટ યર હું આખી સીઝનમાં જયદેવ ઉનડકટના રેફરન્સથી SRHમાં ગયો હતો. ત્યાં હું નેટ બોલર તરીકે ગયો હતો. જોકે ત્યારે પણ વાત થઈ હતી કે ઝામ્પાના રિપ્લેસમેન્ટ તરીકે જ મને ટીમમાં સિલેક્ટ કરી લે. પણ મેં તે વખતે IPLનું ફોર્મ નહોતું ભર્યું. એટલે મને હતું જ કે હૈદરાબાદ જ મને ટીમમાં સામેલ કરશે.’
‘બાકી તો મને 6 IPL ટીમની ટ્રાયલ્સમાં બોલાવ્યો હતો. ત્યારે મને લાગ્યું હૈદરાબાદ સાથે RR અને MI પણ ઇન્ટરેસ્ટેડ હતા. પણ છેલ્લે SRHએ મને ટીમમાં સામેલ કર્યો.’

SRH કેમ્પમાં શ્રીલંકાના લેજન્ડરી મુથૈયા મુરલીધરન સાથે ક્રેઇન્સ ફુલેત્રા.
જ્યારે ક્રેઇન્સની બોલિંગમાં ક્લાસેનને નેટ્સમાં રમવું અઘરું પડ્યું… ક્લાસેનનો એક વીડિયો વાઇરલ થયો, જેમાં તેણે કહ્યું કે નેટ્સમાં એક લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર છે (અહીં તે ક્રેઇન્સનો ઉલ્લેખ કરતો હતો). મેં મારા જીવનમાં ઘણા લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર્સને સિક્સર ફટકારી છે. પણ આ પહેલો એવો હતો, જેને હું મારી જ નહોતો શકતો. આ વાત પર ક્રેઇન્સે જણાવ્યું, ‘હું નેટ્સમાં બોલિંગ કરતો હતો, મારી ત્યારે જ ઇમ્પ્રેશન સારી પડી ગઈ હતી. કારણ કે વર્લ્ડમાં ક્લાસેન એ સ્પિનર્સ સામેનો બેસ્ટ બેટ્સમેન કહેવાય છે. તો મને એને બોલિંગ નાખવી ગમે છે. મેં ધારી જ લીધું હતું કે હું એને મારી બોલિંગમાં તો લાંબા શોટ્સ ફટકારવા નહીં જ દઉં, એને સ્ટ્રગલ થાય. તો જ્યારે એ મારી નહોતો શકતો, તો ટીમ મેમ્બર્સને શોકિંગ લાગ્યું કે આ ક્લાસેનને મારવા દેતો નથી.’
મહેનત કરીશ તો આગળ વધીશ, બાકી ટેલેન્ટ તો છે તારામાં- અભિષેક શર્મા ક્રેઇન્સ જ્યારે ગત સીઝનમાં SRHમાં નેટ બોલર તરીકે હતો, ત્યારે તેનો એક ફોટો પણ વાઇરલ થયો હતો. જેમાં તે ભારતીય ટીમનો સ્ટાર ઓપનર અભિષેક શર્માની બાજુમાં ઊભો છે. તેને જયદેવ ઉનડકટ, અભિષેક શર્મા, પેટ કમિન્સ, ટ્રેવિસ હેડે શું વાત કરી, તેના વિશે કહ્યું, ‘ હું ગઈ સીઝન બે મહિના SRH સાથે જ રહ્યો હતો. એ લોકો મારી સાથે વાત કરતા. બાકી અભિષેક શર્માએ કહ્યું હતું કે તારી પાસે ટેલેન્ટ તો છે જ બસ તારે આગળ વધવા માટે મહેનત કરતી રહેવી પડશે. ટેલેન્ટેડ તો તું છો જ, બસ મહેનત કરીશ તો આગળ વધીશ જ.’

સોશિયલ મીડિયા પર ક્રેઇન્સનો અભિષેક સાથેનો આ ફોટો ખૂબ જ વાઇરલ થયો હતો.
‘મને જયદેવ ભાઈએ જ આગળ લઈ આવ્યા છે. કારણ કે હું તેમની સાથે જ રમ્યો છું. એટલે એમની સાથે જ મારી વાત થતી રહેતી હોય છે. એમણે મને ઘણો સપોર્ટ કર્યો છે.’
‘મારે બસ પરફોર્મન્સ આપવું છે…’ ક્રેઇન્સ પહેલીવાર IPL જેવા મોટા સ્ટેજ પર રમશે, એટલે દબાણ તો હોવાનું જ. તેની ડ્રીમ વિકેટ કોણ છે, તેના સવાલમાં કહ્યું, ‘હાલ તો ડ્રીમ વિકેટ કંઈ વિચારી નથી, પણ હાલ મગજમાં એટલું જ ચાલે છે કે મારે સારું પરફોર્મન્સ આપવું છે.’
*******************
IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો…
IPLમાં ગુજરાતના આ ધુરંધરો ધૂમ મચાવશે: જાડેજા 2009 પછી પાછો રાજસ્થાન તરફથી રમશે; હૈદરાબાદ માટે ગુજ્જુઓની ત્રિપુટી પોતાનો જલવો દેખાડશે

IPL 2026નું મિની ઓક્શન સમાપ્ત થયું. 10 ટીમે કુલ 77 પ્લેયર્સ પર 215.45 કરોડ રૂપિયા ખર્ચ્યા. આમાં 29 વિદેશી અને 48 ભારતીય ખેલાડીઓ સામેલ રહ્યા. આ ઓક્શનમાં યંગ ઈન્ડિયન પ્લેયર્સ માટે જોરદાર રહ્યું. તેમના પર લાખો-કરોડોની ધનવર્ષા થઈ. પણ ગુજરાતના ત્રણેય એસોસિયેશનથી મળીને માત્ર 2 ખેલાડીઓ સિલેક્ટ થયા. જેમાં GCAનો રવિ બિશ્નોઈ અને SCAનો ક્રેઇન્સ ફુલેત્રા સામેલ છે. બિશ્નોઈને RRએ અને ફુલેત્રાને SRHએ ખરીદ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…