PAKને ધૂળ ચટાડનાર 18 વર્ષનો ગુજ્જુ કોણ?:કોહલીને જોઇ બેટ લઇ નીકળી પડતો, સચિને આપી કૂલ રહેવાની ટિપ્સ; 21 નંબરની જર્સી અને 21મી તારીખનું ખાસ કનેક્શન
![]()
ઝિમ્બાબ્વેની ધરતી પર ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે અંગ્રેજોને વર્લ્ડકપની ફાઇનલમાં હરાવીને ભવ્ય જીત મેળવી હતી. આ માત્ર એક જીત જ નહોતી પણ યુવા ખેલાડીઓએ વિશ્વ ક્રિકેટ પર પોતાનું આધિપત્ય સાબિત કરીને બતાવ્યું છે. આ જીત સાથે ઇન્ડિયન ટીમે છઠ્ઠીવાર આ ખિતાબ જીતીને ઇતિહાસ સર્જ્યો છે. જો કે ભારતીય ટીમ માટે ફાઇનલ મેચ કરતાં પાકિસ્તાન સામેની સુપર સિક્સ સ્ટેજની મેચ ખૂબ જ કપરી રહી હતી કેમ કે આ મેચમાં વૈભવ સૂર્યવંશી, કેપ્ટન આયુષ મ્હાત્રે અને એરોન જ્યોર્જ ખૂબ જ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. એવામાં ડગઆઉટ પર બેઠેલા 18 વર્ષીય ગુજ્જુ ખેલાડીને મિડલ ઓર્ડરમાં ટીમની કમાન સંભાળવા ક્રિઝ પર મોકલવામાં આવે છે. જે બાદ તેણે પાકિસ્તાની બોલર્સની ધોલાઇ કરીને નિર્ણાયક 68 રન બનાવ્યા… અંતે ઇન્ડિયાની જીત થઇ. જેના પછી દરેક ભારતીયના મોઢે એક જ નામ હતું……વેદાંત ત્રિવેદી. વેદાંત ત્રિવેદી મૂળ અમદાવાદનો છે અને તેણે 10 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ કોચિંગની શરૂઆત કરી હતી. વિરાટ કોહલી વેદાંતનો રોલ મોડલ છે. ક્રિકેટર બનવાના જોયેલા સપનાંને આજે વેદાંતે લાખો ચાહકોની સામે પૂરું થતાં જોયું છે. અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ દિવ્ય ભાસ્કર વેદાંત ત્રિવેદીના ઘરે પહોંચ્યું હતું. જ્યાં તેના પિતા અલ્પેશ ત્રિવેદી અને માતા મિતા ત્રિવેદી સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. વેદાંતના પિતા એન્જિનિયર છે જ્યારે માતા શિક્ષિકા છે. વર્લ્ડકપ ફાઇનલ વખતે શું થયું હતું?
વેદાંતના પિતા અલ્પેશ ત્રિવેદીએ વર્લ્ડકપની ફાઇનલ મેચના દિવસનો ઘટના ક્રમ જણાવતાં કહ્યું, એ દિવસ એવો હતો કે આસપાસ કોઇ બોલાવે તો પણ તેમના પર ધ્યાન નહોતું, કંઇ ગમતું જ નહોતું. અમારું ફોકસ માત્રને માત્ર મેચમાં જ હતું પણ જ્યારે આપણી પહેલી ઈનિંગમાં 400 ઉપર સ્કોર બન્યો એ પછી થોડી શાંતિ થઇ અને અંતે અમે ફાઇનલનું એન્જોયમેન્ટ શરૂ કર્યું હતું. વેદાંત હાથમાં બેટ લઇને સોસાયટીમાં નીકળી પડતો
વેદાંત નાનો હતો ત્યારે સામાન્ય બાળકની જેમ જ હાથમાં બેટ લઇને સોસાયટીમાં રમવા માટે નીકળી પડતો હતો કેમ કે તેને ક્રિકેટનો નાનપણથી જ એટલો બધો શોખ હતો. વેદાંતના પિતાએ કહ્યું, વેદાંત તેના એજ ગ્રુપ કરતાં પણ મોટા બાળકો સામે સારું ક્રિકેટ રમતો હતો. જ્યારે એ સમજણો થયો એટલે તેણે જીદ પકડેલી કે મારે પણ ક્રિકેટ કોચિંગમાં જવું છે એટલે તેની દસેક વર્ષની ઉંમર હતી ત્યારે તેને ક્રિકેટ એકેડમીમાં મૂક્યો હતો. માત્ર વેદાંત જ નહીં મને પણ ક્રિકેટનો ખૂબ જ શોખ છે. અમે જ્યારે તેને એકેડમીમાં મુક્યો તેના છએક મહિના પછી અમને લાગ્યું કે વેદાંત આમાં કંઇક સારું કરી શકશે એટલે તે વધારે સારી રીતે પ્રેક્ટિસ કરે તે પ્રકારનું આયોજન કરતાં હતા. ક્રિકેટ સાથે શિક્ષણ પણ જરૂરી
તેના માતાએ રમતની સાથોસાથ વેદાંતના શિક્ષણ ઉપર પણ ધ્યાન આપ્યું હતું. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, શિક્ષણ દરેક માટે જરૂરી છે એટલે શિક્ષિકા તરીકે હું તેને કાયમ કહેતી કે ક્રિકેટની સાથે સાથે ભણતર પણ એટલું જ જરૂરી છે. જ્યારે તે બોર્ડમાં આવ્યો ત્યારે મેં તેને કહ્યું હતું કે તુ હાઇ ક્વોલિફિકેશન જેટલા માર્ક ન લાવ તો કંઇ નહીં પણ જેટલું જરૂરી છે એટલી તુ મહેનત કર અને શિક્ષણમાં પણ આગળ નીકળ તેવી મારી આશા છે. વેદાંતનો રોલ મોડલ વિરાટ કોહલી
જ્યારે વેદાંતનું જુનિયર એજમાં ક્રિકેટ રમવાનું શરૂ થયું ત્યારથી વિરાટ કોહલી તેનો આદર્શ રહ્યો છે. જ્યારે ટેસ્ટ કે વન-ડે મેચ હોય અને તેમાં વિરાટ કોહલી રમતો હોય ત્યારે વેદાંત પણ તેનું નાનકડું બેટ લઇને ટીવી સામે ઊભો રહી જતો હતો. એ સમયે કોહલી મેચમાં જે પ્રકારે શોટ્સ મારે તેવી જ રીતે તે પણ અહીં શોટ્સ મારતો હતો. 6 વર્ષ પહેલાં સપનું જોયું હતું
તેના પિતાએ કહ્યું, વેદાંતે ક્રિકેટર્સને રમતા જોઇને જે પ્રેક્ટિસ કરી છે તેનું પરિણામ તેને ગ્રાઉન્ડ પર મળ્યું છે, એ પછી ઇન્ટર સ્કૂલની મેચ હોય કે પછી અમદાવાદ ડિસ્ટ્રીક્ટની ટીમમાં રહ્યો હોય, તેણે આ બધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વેદાંત અંડર-19 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો છે પણ તેણે અહીં સુધી પહોંચવાનું સપનું છએક વર્ષ પહેલાં જોયું હતું. તેની ઇચ્છા હતી કે હું પણ દેશ માટે કંઈક કરું અને મારે 2026ના વર્લ્ડકપમાં ટીમમાં સ્થાન મેળવીને રમવું છે. નિષ્ફળતામાં હંમેશા માતા-પિતાનો સપોર્ટ મળ્યો
દરેક સફળ ક્રિકેટરે પોતાના કરિયરમાં નિષ્ફળતાનો અનુભવ કર્યો હોય છે. આવા સમયે તેને હતાશા અને નિરાશા થતી હોય છે પણ વેદાંતના આવા સમયમાં તેના પિતા તેના મિત્ર બનીને સમજાવતાં હતા કે તેની મહેનત ક્યાં ઓછી પડી રહી છે. આવા સમયે કેવી રીતે કમબેક કરવું તેનું પણ મોટિવેશન આપતાં હતા. વેદાંતને મમ્મી તરફથી પણ પ્રોત્સાહન મળતું રહેતું. તેના માતાએ કહ્યું કે, નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. ઘણીવાર તેનું પર્ફોર્મન્સ સારૂં હોય પણ કોમ્પિટિશન વધારે હોય. ટીમ પોતાની જરૂરિયાત પ્રમાણે ખેલાડી સિલેક્ટ કરે છે. સારૂ પર્ફોર્મન્સ હોવા છતાં વેદાંત નિરાશ થાય ત્યારે અમે તેને કહેતા કે તુ તારી પ્રેક્ટિસ ચાલુ જ રાખ, તારી ક્ષમતાને તુ જેટલી ધારદાર કરીશ તેનાથી જ તુ આગળ વધી શકીશ. ઓસ્ટ્રેલિયા ટૂર માટે પસંદગી થઇ તે ભાવુક ક્ષણ
તેના પિતા જણાવે છે કે, વેદાંત જ્યારે પહેલીવાર 2022માં ગુજરાત તરફથી રમ્યો એ અમારા માટે ગૌરવની ક્ષણ હતી પણ જ્યારે તેની ઓસ્ટ્રેલિયા ટૂર માટે પસંદગી થઇ અને ભારતીય ટીમની જર્સી પહેરીને ગ્રાઉન્ડ પર ઉતર્યો એ ક્ષણ અમારા માટે ખૂબ જ ભાવુક કરનારી હતી. વર્લ્ડકપ માટે નામ જાહેર થયું ત્યારે વેદાંત કારમાં હતો
જ્યારે વર્લ્ડ કપની ટીમ માટે વેદાંતનું નામ ફાઇનલ થયું તે ક્ષણને યાદ કરતા તેના પિતાએ કહ્યું, એ મોમેન્ટ ખૂબ જ ભાવુક હતી. જે સપનું 7-8 વર્ષ પહેલાં જોયું હતું, એ ત્યારે પુરું થયું. આ સપનું અમારું હતું, વેદાંતનું હતું સાથે સાથે અમારા સમગ્ર પરિવારનું હતું. દેવાધિદેવ મહાદેવની વિશેષ કૃપા રહી કે ભારતે છઠ્ઠીવાર આ વર્લ્ડ કપ જીત્યો એટલે આ બધી વસ્તુઓ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. જ્યારે સ્ક્વોડ ડિક્લેર થઇ ત્યારે તમે ક્યાં હતા અને વેદાંતનું રિએક્શન કેવું હતું આ સવાલના જવાબમાં તેના પિતા જણાવે છે કે, વેદાંતે જ અમને સમાચાર આપ્યા કે પપ્પા આપણી ટીમ ડિક્લેર થઇ ગઇ છે અને મારું નામ સ્ક્વોડમાં છે. એ ટાઇમે અમે સાથે જ કારમાં હતા. હું કાર ડ્રાઇવ કરી રહ્યો હતો અને વેદાંત મારી બાજુમાં જ બેઠો હતો. તેના માતા કહે છે કે, એ ક્ષણ તો શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. તેને વર્લ્ડકપ રમવાની ઇચ્છા હતી. એ ક્ષણ જ્યારે સાચી સાબિત થઇને નજર સામે આવે ત્યારે તેને વર્ણવી ન શકાય. પાકિસ્તાન સામેની મેચનો કિસ્સો
તેના માતાએ કહ્યું કે, મેચના આગલા દિવસે મારે તેની સાથે વાત થઇ હતી ત્યારે મેં તેને કહ્યું હતું કે તારે કોઇ પ્રેશર લેવાની જરૂર નથી. કોચે તને જે ગાઇડન્સ આપ્યું છે તે પ્રમાણે તુ તારી નેચરલ ગેમ રમજે. જે થાય તે ભગવાન પર છોડી દેજે. ભગવાન જે કરશે તે સારૂ જ કરશે, તુ તારી રમત પર પૂરો ભરોસો રાખ. પાકિસ્તાનની સામેની મેચમાં જ્યારે આપણો ટૉપ ઓર્ડર ચાલ્યો નહીં ત્યારે વેદાંત ક્રિઝ પર આવ્યો હતો. એ સમયે તમે મેચ જોતા હતા તો તમારા મગજમાં શું ચાલતું હતું આ અંગે પૂછતાં તેના પિતાએ કહ્યું, ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે દરેક ભારતવાસીઓ દબાણ અનુભવતા હોય છે. ‘પાકિસ્તાન સામેની મેચમાં આપણી શરૂઆત સારી હતી પણ 47 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. આ પછી વેદાંતે વિહાન મલ્હોત્રા સાથે પાર્ટનરશીપ કરતાં ટીમને થોડી રાહત મળી હતી એટલે ત્યારે બધાને એવું જ હતું એકવાર ટીમ 225 રન સુધી પણ પહોંચી જાય. જેનો ફાયદો આપણને મળશે અને આપણે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઇ જઇશું.’ ‘અંતે આપણી બેટિંગ લાઇન ખૂબ સારી હતી. છેલ્લે આપણા ઓલરાઉન્ડર્સે સારી બેટિંગ કરીને પાકિસ્તાનને એવો સ્કોર આપ્યો કે આપણે તેમને સરળતાથી મેચ હરાવી દીધી.’ પાકિસ્તાન સામેની મેચ પહેલાં વેદાંત સાથે થયેલી વાતચીત અંગે તેના પિતાએ કહ્યું, જ્યારે વેદાંત બહાર ટૂરમાં રમતો હોય છે ત્યારે નોર્મલ વાત કરું છું. તેણે શું ખાધું, કેવી હેલ્થ છે, બહાર ક્યાં ફરવા ગયા, શું સારું જોવા જેવું છે, આવું જ પૂછું છું કારણ કે એક પિતા તરીકે ઇચ્છીએ કે તે દેશ-વિદેશમાં હોય ત્યારે તે જગ્યાને એક્સપ્લોર કરે એટલે તેના સિવાય મેચ વિશે કોઇ દિવસ કોઇ ચર્ચા કરી નથી. પાકિસ્તાન કે પછી વિદેશી ખેલાડીઓ આપણાં ખેલાડીઓને દબાણમાં લાવવા માટે સ્લેજિંગ કરતાં હોય છે તો પાકિસ્તાનની મેચ સમયે વેદાંતને આવો સામનો કરવો પડ્યો હતો કે નહીં એ અંગે અલ્પેશ ત્રિવેદીએ કહ્યું, એણે તો એટલું જ કહ્યું હતું કે કોઇએ સ્લેજિગં કર્યું હશે તો મને ખ્યાલ નથી કેમ કે હું મારા ઝોનમાં જ હતો. મેચ દરમિયાન સતત તેના મગજમાં એક જ વાત ચાલતી હતી કે કેવી રીતે 40 ઓવર સુધી મેચને લઇ જવી અને તે લગભગ 40મી ઓવરમાં આઉટ થઇને પાછો ફરી રહ્યો હતો એના અનુભવ વિશે વેદાંતે કહ્યું કે તેને તેના રોલથી સંતોષ હતો. દરેક ખેલાડીનું તેની જર્સીના નંબર સાથે ખાસ કનેક્શન હોય છે એવું જ કંઇક ખાસ કનેક્શન વેદાંતનું પણ પોતાની જર્સી નંબર સાથે જોડાયેલું છે. આ અંગે તેના પિતાએ કહ્યું કે, જ્યારે વેદાંતનો જન્મ થયો ત્યારે અમારા ટેનામેન્ટનો નંબર પણ 21 હતો અને તેની જન્મ તારીખ પણ 21 હતી. એ પોતાની જન્મ તારીખને ખૂબ જ લકી માને છે એટલે જ તે પોતાની ટી-શર્ટ માટે 21 નંબરની પસંદગી કરે છે. જ્યારે વેદાંતનો શરૂઆતનો તબક્કો હતો ત્યારે તો બેએક વર્ષ સુધી તેનું સવારનું જે સેશન હોય તેમાં તે જતો હતો. એ પછી તે સ્કૂલ જતો હતો, સ્કૂલમાંથી પાછા આવીને તે ઘરમાં જ પ્રેક્ટિસ કરતો હતો. જ્યારે તેનું ડિસ્ટ્રીક્ટ માટે સિલેક્શન થયું તો તેને સવારે સીબીસીએના કેમ્પમાં જવાનું થતું એટલે સવારના કોચિંગને તે સાંજ શિફ્ટ કરતો. જેમ જેમ તે આગળ વધી રહ્યો હતો અને પ્રોફેશનલ ક્રિકેટમાં આવ્યો એટલે તેના કોચિંગનો પણ સમય વધતો ગયો. હાલમાં તે દરરોજ 7 થી 8 કલાક પ્રેક્ટિસ કરે છે સાથે જ તેના ફિટનેસ બાબતે પણ એટલું જ ધ્યાન રાખે છે. અલ્પેશ ત્રિવેદીએ કહ્યું, વરસાદ હોય કે ઠંડી, રવિવાર હોય કે કોઇ તહેવાર હોય પણ વેદાંત 365 દિવસનો એથલિટ્સ છે. આઠ વર્ષમાં ક્યારેય એવું નથી બન્યું કે પ્રેક્ટિસ માટે અમારે તેને ઉઠાડવો પડ્યો હોય. તે ખૂબ જ ક્વીક લર્નર છે. વેદાંત ત્રિવેદી આજે ભલે આંતરરાષ્ટ્રીય લેવલના મેદાનમાં રમીને સૌના દિલોમાં છવાઇ ગયો છે પણ તેણે ક્રિકેટના કક્કાની શરૂઆત તેના ઘરની બહાર આવેલા પેસેજમાંથી કરી હતી. જ્યાં તે ક્રિકેટની કિટ પહેરીને તૈયાર થતો અને તેના પિતા અલ્પેશ ત્રિવેદી તેને બોલ નાંખતાં હતા. એ જગ્યાએ વેદાંતે ખૂબ જ એન્જોય કરી છે. આજે પણ સમય મળે ત્યારે તેના પિતા સાથે તે ત્યાં જ ક્રિકેટ રમે છે. સચિને કેવી રીતે કુલ રહેવું તેની ટિપ્સ આપી
તેના પિતાએ કહ્યું કે, વેદાંત અને સમગ્ર ટીમ સાથે વીવીએસ લક્ષ્મણ, ઋષિકેશ અને સુનિલ સર હોય એટલે તેમનું તો માર્ગદર્શન અવારનવાર મળતું હતું પણ જ્યારે સચિન તેંડુલકર સાથે તેની વાત થઇ એનાથી તે ખૂબ જ ખુશ હતો. વેદાંતે મને કહ્યું હતું કે પપ્પા આજે સચિન તેંડુલકર સાથે મારી વીડિયો કોન્ફરન્સથી વાત થઇ હતી ત્યારે તેણે કહ્યું હતું કે હું હજી વધારે સારું કરીશ તો તેમને રૂબરું મળી શકીશ. આ દરમિયાન સચિને કેવી રીતે કૂલ રહી મેચ જીતી શકાય તે વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.’ વેદાંતના ડાયટ અને શિક્ષણ વિશે તેના માતાએ વાત કરી.
‘વેદાંતને જે રીતે માર્ગદર્શન મળતું તે રીતે અમે તેને ડાયટ આપતા હતા. અમે તેને કઠોળ, જ્યૂસ કે ડ્રાયફ્રૂટ્સ આપતા હતા. વેદાંત રાત્રે થાકીને આવ્યો હોય તો પણ હું તને કહેતી કે તારે આટલું ભણવાનું તો પૂરૂં કરવું જ પડશે, આટલું વાંચવું જ પડશે. ઘણીવાર હું તેને જૂના પ્રશ્નપત્રો પણ કાઢી આપતી અને તૈયારી કરાવતી.’
Source link