Pentagon Report 2025; US Warns India China Dual Strategy LAC Pakistan Military Cooperation | ચીનની બેવડી ચાલ પર અમેરિકાની ભારતને ચેતવણી: એક તરફ દિલ્હી સાથે સંબંધો સુધારવાના પ્રયાસો, બીજી તરફ પાકિસ્તાનને હથિયારો આપી રહ્યું છે


વોશિંગ્ટન ડીસી51 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમેરિકાએ ભારતને ચીનની બેવડી રણનીતિ અંગે ચેતવણી આપી છે. પેન્ટાગોનના 2025ના રિપોર્ટ અનુસાર, ચીન એક તરફ ભારત સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાન સાથે સૈન્ય સહયોગ વધારી રહ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2024માં ભારત અને ચીને LAC પર બાકી રહેલા સંઘર્ષવાળા વિસ્તારોમાંથી પાછા હટવા પર સહમતિ દર્શાવી હતી. જોકે, પેન્ટાગોનનું આકલન છે કે ચીનનો હેતુ ભારત સાથેના સંબંધોને સામાન્ય કરીને તેને અમેરિકાની વધુ નજીક જવાથી રોકવાનો છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત-ચીન વચ્ચે વિશ્વાસનો અભાવ હજુ પણ યથાવત છે. બંને વચ્ચે અરુણાચલ પ્રદેશને લઈને વિવાદ મોટો મુદ્દો છે.

ચીન અરુણાચલને પોતાનો હિસ્સો ગણાવતું રહ્યું છે, જે ભારતની સાર્વભૌમત્વને સીધો પડકાર છે. બેઇજિંગ અરુણાચલના મુદ્દાને તાઇવાન અને સાઉથ ચાઇના સી જેટલું જ મહત્વ આપે છે.

પાકિસ્તાનને સતત હથિયારો પૂરા પાડી રહ્યું છે ચીન

પેન્ટાગોને પાકિસ્તાનમાં ચીનની વધતી સૈન્ય ભૂમિકા પર ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર, ચીન 2020થી અત્યાર સુધી પાકિસ્તાનને 36 J-10C લડાકુ વિમાન આપી ચૂક્યું છે.

આ ઉપરાંત બંને દેશો મળીને JF-17 ફાઇટર જેટ બનાવી રહ્યા છે. પાકિસ્તાનને ચીની ડ્રોન અને નૌકાદળના ઉપકરણો પણ મળી રહ્યા છે.

ડિસેમ્બર 2024માં ચીન અને પાકિસ્તાને સંયુક્ત આતંકવાદ વિરોધી સૈન્ય અભ્યાસ પણ કર્યો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પાકિસ્તાનમાં ચીની સૈન્ય ઠેકાણાં બની શકે છે, જેનાથી ભારતની સરહદો નજીક ચીનની હાજરી વધશે.

રિપોર્ટ અનુસાર, ભારત સાથે જોડાયેલા મોરચાને સંભાળતી ચીનની વેસ્ટર્ન થિયેટર કમાન્ડે 2024માં ઊંચાઈવાળા વિસ્તારોમાં વિશેષ સૈન્ય અભ્યાસ કર્યા.

રિપોર્ટ અનુસાર, LAC પર વાતચીત છતાં ચીન પહાડી યુદ્ધની તૈયારીઓ ચાલુ રાખી રહ્યું છે. (ફાઈલ ફોટો)

રિપોર્ટ અનુસાર, LAC પર વાતચીત છતાં ચીન પહાડી યુદ્ધની તૈયારીઓ ચાલુ રાખી રહ્યું છે. (ફાઈલ ફોટો)

બાંગ્લાદેશમાં મિલિટરી બેઝ બનાવવા ગે છે ચીન

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) બાંગ્લાદેશ અને પાકિસ્તાન સહિત દુનિયાના 21 દેશોમાં નવા મિલિટરી બેઝ બનાવવાની યોજના પર કામ કરી રહી છે. આનો હેતુ ચીનની નેવી અને એરફોર્સને દૂરના દેશો સુધી ઓપરેશન કરવામાં મદદ આપવાનો અને ત્યાં આર્મી તૈનાત કરવાનો છે.

આ માહિતી અમેરિકી સંરક્ષણ વિભાગ ‘પેન્ટાગોન’ના રિપોર્ટમાં સામે આવી છે. PLA ને એવા વિસ્તારોમાં સૌથી વધુ રસ છે જ્યાંથી વિશ્વનો મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર પસાર થાય છે, જેમ કે મલક્કા સ્ટ્રેટ, હોર્મુઝ સ્ટ્રેટ અને આફ્રિકા તથા મિડલ ઈસ્ટના કેટલાક વ્યૂહાત્મક પોઈન્ટ્સ.

નિષ્ણાતોના મતે, ચીનના આ વિદેશી સૈન્ય ઠેકાણાઓ માત્ર સૈન્ય મદદ માટે જ નહીં, પરંતુ ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આવું લોજિસ્ટિક નેટવર્ક અમેરિકા અને તેના સહયોગી દેશોની સેનાઓની ગતિવિધિઓ પર નજર રાખવામાં મદદ કરી શકે છે.

2027 સુધીમાં ચીની સેનાએ ત્રણ મોટા લક્ષ્યો રાખ્યા છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા-ચીન સંબંધોમાં તાજેતરના વર્ષોમાં થોડો સુધારો આવ્યો છે. અમેરિકા ઈચ્છે છે કે બંને દેશોની સેનાઓ વચ્ચે વાતચીત વધે, જેથી ટકરાવ ટાળી શકાય અને સ્થિતિ નિયંત્રણમાં રહે.

સાથે જ અમેરિકા એ પણ સ્પષ્ટ કરે છે કે તે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાના હિતોની રક્ષા માટે હંમેશા તૈયાર રહેશે. રિપોર્ટ અનુસાર, ચીને 2027 સુધીમાં પોતાની સેનાને આ લાયક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

  1. તાઇવાન વિરુદ્ધ નિર્ણાયક જીત હાંસલ કરી શકે.
  2. ન્યુક્લિયર અને સ્ટ્રેટેજિક સેક્ટરમાં અમેરિકાને સંતુલિત કરી શકે.
  3. એશિયાના બીજા દેશો પર દબાણ બનાવી શકે.

ચીન કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ પણ મજબૂત કરી રહ્યું છે

રિપોર્ટ અનુસાર, આ પ્રવૃત્તિઓ મોટાભાગે ગુપ્ત અને તકનીકી રીતે થશે, જેને યજમાન દેશો માટે પકડવી મુશ્કેલ હશે. આનાથી ચીનને અમેરિકા અને તેના ભાગીદાર દેશોની સૈન્ય ગતિવિધિઓની વધુ સારી જાણકારી મળી શકશે.

આ સાથે જ, ચીન તેના વિદેશી સૈન્ય માળખા માટે કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ પણ મજબૂત કરી રહ્યું છે, જેથી દૂરના વિસ્તારોમાં આવેલા તેના ઠેકાણાઓને વધુ સારી રીતે સંચાલિત કરી શકાય.

નિષ્ણાતો માને છે કે ચીનનું આ પગલું વૈશ્વિક સ્તરે તેની સૈન્ય શક્તિ અને પ્રભાવ વધારવાની દિશામાં એક મોટો પ્રયાસ છે.

અમેરિકી સંસદ ચીનની તાકાત પર રિપોર્ટ તૈયાર કરાવે છે

છેલ્લા 25 વર્ષથી અમેરિકી સંસદ સંરક્ષણ વિભાગ (પેન્ટાગોન) પાસેથી દર વર્ષે એક રિપોર્ટ તૈયાર કરાવી રહી છે, જેમાં ચીનની સૈન્ય તાકાત અને તેની રણનીતિ પર નજર રાખવામાં આવે છે. આ રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ચીન સતત પોતાની સેનાને મજબૂત કરી રહ્યું છે અને પોતાની વૈશ્વિક ભૂમિકા વધારી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, આ સમયે ચીનની સેનાનું મુખ્ય ધ્યાન ‘ફર્સ્ટ આઇલેન્ડ ચેઇન’ પર છે. આ આઇલેન્ડ ચેઇન જાપાનથી લઈને મલેશિયા સુધી ફેલાયેલો દરિયાઈ વિસ્તાર છે.

ચીન તેને એશિયામાં પોતાના વ્યૂહાત્મક હિતોનું કેન્દ્ર માને છે. પરંતુ જેમ જેમ ચીન આર્થિક અને સૈન્ય દ્રષ્ટિએ શક્તિશાળી બની રહ્યું છે, તેમ તેમ તેની સેનાને દુનિયાભરમાં તાકાત બતાવવા લાયક બનાવવાની તૈયારીઓ પણ તેજ થઈ રહી છે.

અમેરિકા બોલ્યું- અમારો હેતુ ચીનને નીચું દેખાડવાનો નથી

અમેરિકાનું કહેવું છે કે તેનો હેતુ ચીનને નીચું દેખાડવાનો નથી, પરંતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ દેશ આ વિસ્તારમાં અમેરિકા કે તેના સહયોગીઓ પર પ્રભુત્વ ન જમાવી શકે. આ માટે અમેરિકા તાકાત દ્વારા શાંતિ જાળવી રાખવા માંગે છે.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ચીનની સેના પોતાને અમેરિકા જેવા ‘મજબૂત દુશ્મન’ સામે તૈયાર કરી રહી છે. ચીનનો ટાર્ગેટ છે કે તે અમેરિકાને દુનિયાની સૌથી શક્તિશાળી શક્તિ તરીકે પાછળ છોડી દે. આ માટે તે આખા દેશની તાકાત લગાવવાની રણનીતિ અપનાવી રહ્યું છે, જેને તે ‘નેશનલ ટોટલ વોર’ કહે છે.

ચીને છેલ્લા વર્ષોમાં પરમાણુ હથિયારો, લાંબા અંતરની મિસાઈલ સિસ્ટમ, નૌકાદળ, સાયબર અને અવકાશ ક્ષમતાઓમાં ઝડપથી વધારો કર્યો છે. 2024માં ચીની સાયબર હુમલાઓ, જેમ કે ‘વોલ્ટ ટાયફૂન’એ અમેરિકાને નિશાન બનાવ્યું, જેનાથી અમેરિકાની સુરક્ષાને સીધો પડકાર મળ્યો.

બેઇજિંગનું લક્ષ્ય છે કે 2049 સુધીમાં ચીન પાસે 'વર્લ્ડ-ક્લાસ' સેના હોય. PLA આ દિશામાં પહેલાથી જ ઘણું આગળ વધી ચૂક્યું છે.

બેઇજિંગનું લક્ષ્ય છે કે 2049 સુધીમાં ચીન પાસે ‘વર્લ્ડ-ક્લાસ’ સેના હોય. PLA આ દિશામાં પહેલાથી જ ઘણું આગળ વધી ચૂક્યું છે.

ચીન, તાઇવાનને કબજે કરવા માટે ઘણા વિકલ્પો પર કામ કરી રહ્યું છે

PLA તાઇવાનને બળજબરીથી ચીનમાં ભેળવવા માટે ઘણા વિકલ્પો પર કામ કરી રહ્યું છે, જેમાં સમુદ્ર માર્ગે હુમલો, મિસાઇલ સ્ટ્રાઇક અને તાઇવાનની નાકાબંધીનો સમાવેશ થાય છે.

2024માં ચીને આવા ઘણા સૈન્ય અભ્યાસ કર્યા, જેમાં તાઇવાન અને આસપાસના વિસ્તારોમાં હુમલા અને અમેરિકી સેનાઓને નિશાન બનાવવાનો સમાવેશ થતો હતો. આ હુમલાઓની મારક ક્ષમતા 1500થી 2000 નોટિકલ માઇલ સુધીની હોઈ શકે છે.

રિપોર્ટ- ચીનનું માનવું: અમેરિકા તેની પ્રગતિ રોકવા માંગે છે

ચીન માને છે કે અમેરિકા અને તેના સહયોગી દેશો તેની પ્રગતિ રોકવા માંગે છે. અમેરિકા દ્વારા તાઇવાનને હથિયાર આપવા, ફિલિપાઇન્સમાં મિસાઇલ તૈનાત કરવા અને તકનીકી પ્રતિબંધો લગાવવાથી ચીન નારાજ છે. તેમ છતાં ચીન અમેરિકા સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખવા માંગે છે, જેથી પરિસ્થિતિ સંપૂર્ણપણે બગડે નહીં.

2024માં અમેરિકા અને ચીનની સેનાઓ વચ્ચે ઘણા સ્તરો પર વાતચીત થઈ, પરંતુ વર્ષના અંતે ચીને અમેરિકી સૈન્ય પ્રમુખો સાથે વાતચીત કરવાનો ઇનકાર કર્યો. અમેરિકાનું કહેવું છે કે તે તણાવ ઓછો કરવા માટે સંપર્ક જાળવી રાખવા માંગે છે.



Source link