People in Iran took to the streets against inflation | ઈરાનમાં લોકો મોંઘવારી સામે રસ્તા પર ઉતર્યા: રિયાલના ઐતિહાસિક ઘટાડાથી જનતામાં રોષ, લોકોએ ‘ડેથ ટુ ડિટેક્ટર’ના નારા લાગ્યા, 21 પ્રાંતોમાં બળવો ભભુક્યો
6 કલાક પેહલા
- કૉપી લિંક

ઈરાનમાં શાસન સામે વિરોધ પ્રદર્શનો સતત વધી રહ્યા છે. ઈરાની શાસન વિરુદ્ધ નાગરિક બળવાનો ચોથો દિવસ અને 2025 થી લઈને નવા વર્ષ 2026માં પણ પ્રવેશી ગયો છે. વિરોધીઓ હવે ઈરાનમાં સત્તા બદલવાની માંગ કરી રહ્યા છે.
બુધવારે, ઈરાનમાં સતત ચોથા દિવસે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા. વિરોધીઓએ અનેક શહેરોમાં રેલીઓ યોજી હતી. તેઓ હવે ઈરાનમાં સરકાર બદલવાની માંગ કરી રહ્યા છે.
ઇસ્ફહાન, હમાદાન, બાબોલ, દેહલોરન, બાઘમલેક અને પિયાન જેવા શહેરોમાં પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, અને સુપ્રીમ લીડર અલી ખામેની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેશનિકાલ કરાયેલા પ્રિન્સ રેઝા પહલવી અને અગાઉના બળવામાં માર્યા ગયેલા પ્રદર્શનકારીઓ યાદ કર્યા. કુલ મળીને, વિરોધ પ્રદર્શન ઈરાનના 21 પ્રાંતોમાં ફેલાઈ ગયું છે. આર્થિક સંકટને કારણે વિરોધ પ્રદર્શનો
ઈરાનમાં ડિસેમ્બર 2025થી ચાલી રહેલા સરકાર સામે વિરોધ પ્રદર્શનો મુખ્યત્વે આર્થિક કટોકટીને કારણે છે, જ્યાં રિયાલ ડોલર સામે ઐતિહાસિક નીચા સ્તરે પહોંચી ગયો છે. આ વિરોધ પ્રદર્શન 2022ના મહસા અમીની વિરોધ પ્રદર્શન પછી સૌથી મોટા છે અને હવે ચોથા દિવસે પણ ફેલાઈ ગયા છે. ઈરાનમાં, આ વિરોધ પ્રદર્શન 28 ડિસેમ્બરે તેહરાનના ગ્રાન્ડ બજારમાં શરૂ થયા હતા, જ્યાં દુકાનદારોએ હડતાળ પાડી હતી. ઈરાનમાં હાલમાં મોંઘવારી ભયાનક રીતે કહેર વરસાવી રહી છે. મોંઘવારીનો દર 42 ટકા સુધી પહોંચી ગયો છે. રોજિંદા જીવનનિર્વાહના વધતા ખર્ચે જનતા વ્યથિત થઈ ગઈ છે અને રસ્તાઓ પર ઉતરી આવી છે.
ઇસ્ફહાનમાં રાત્રે પ્રદર્શનકારીઓએ “ડરશો નહીં, આપણે બધા સાથે છીએ” અને “ડેથ ટુ ડિટેક્ટર”ના નારા લગાવ્યા, જ્યારે દેહલોરન અને બાગમલેકમાં, પ્રદર્શનકારીઓએ રાજાશાહીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. ઘણા લોકોએ ઈરાનના ભૂતપૂર્વ શાસક રેઝા શાહ પહલવીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
સુરક્ષા દળોએ બળપ્રયોગ કર્યો
સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ઘણી જગ્યાએ બળપ્રયોગ કર્યો. નાહવંદ, અસદાબાદ અને હમાદાન જેવા શહેરોમાં ગોળીબાર અને ટીયર ગેસના શેલ છોડ્યાના અહેવાલો મળ્યા હતા. જોકે, પ્રદર્શનકારીઓ મક્કમ ઊભા રહ્યા હોય તેવું લાગતું હતું.
તેહરાનમાં, તેહરાન યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા સરીરા કરીમીને તેમના ઘર પર દરોડા પાડ્યા બાદ અટકાયતમાં લેવામાં આવી છે. સરીરા કરીમીનું ઠેકાણું જાણી શકાયું નથી.
પ્રદર્શનકારીઓને સમર્થન
આ વિરોધ પ્રદર્શનોને ધાર્મિક નેતાઓ તરફથી સમર્થન મળવાનું શરૂ થઈ ગયું છે. જાણીતા સાંસ્કૃતિક અને ધાર્મિક હસ્તીઓએ પણ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. સુન્ની ધર્મગુરુ મૌલવી અબ્દુલહમીદે કહ્યું કે ખરાબ જીવનધોરણ અને રાજકીય મડાગાંઠ આ બળવા માટેનું કારણ છે. જાણીતા ફિલ્મ નિર્માતા જાફર પનાહીએ આ અશાંતિને “ઇતિહાસને આગળ વધારવા માટેનો બળવો” ગણાવ્યો હતો, અને કહ્યું હતું કે “લોકોની પીડા હવે રસ્તા પર બુમોમાં ફેરવાઈ ગઈ છે.”
પશ્ચિમી રાજકારણીઓએ સતત પ્રદર્શનકારીઓને ટેકો આપ્યો છે. યુએસ સેનેટર રિક સ્કોટે કહ્યું કે તેઓ ઈરાની લોકોની “ઈરાનની જુલમી તાનાશાહીનો અંત લાવવાની માંગ”થી પ્રોત્સાહિત થયા છે. અને તેમણે તેમને “ખરાબ સરકાર” સામે સંઘર્ષ ચાલુ રાખવા વિનંતી કરી છે.