power corridor : મનોજ દાસ ફિટનેસ રુટિન મામલે કૈલાશનાથનના રસ્તે, જયંતિ રવિને મહેસૂલમાંથી બદલીને GADમાં મૂકશે? – Power Corridor: Will Manoj Das follow Kailashnathan’s path in fitness routine issue, transfer Jayanti Ravi from Revenue to GAD? | ગાંધીનગર


ગુજરાતમાં ખુરશી અને પદનું ખૂબ મહત્ત્વ હોય છે. કહેવાય છે કે ઉચ્ચપદે પહોંચેલા વ્યક્તિના સ્વભાવમાં મૃદુતા આવી જાય છે પરંતુ નમ્ર સ્વભાવ રાખવા માટે શારીરિક અને માનસિક સ્વસ્થતા કેળવવી પડે છે. વાત એવી છે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ્યારે કે. કૈલાસનાથન ફરજ બજાવતા હતા ત્યારે તેઓ પ્રતિદિન ઘણાં લોકોને મળતા હતા. કામનું અતિશય ભારણ અને ઉપરના આદેશોને સંભાળતાં કોઈપણ પદ પર રહેલી વ્યક્તિ અકળામણ અને સ્ટ્રેસ અનુભવે તે સ્વાભાવિક છે. જોકે કૈલાસનાથન તેમની ચેમ્બરમાં સ્ટ્રેસમુક્ત રહેવા માટે બે કલાક સુધી જીમ કસરતો કરતા હતા. એવી જ રીતે તેમના પછી આવેલા મનોજકુમાર દાસ પણ સ્ટ્રેસમુક્ત રહેવા ત્રણ કલાક સુધી જીમ કરતા હતા. હવે આ ખાલી પડેલી ખુરશી પર આવનારા નવા અધિકારી જીમનો ચસકો ચાલુ રાખે છે કે નહીં તે જોવાનું રહે છે. મુખ્યસચિવ બનેલા એમ.કે. દાસ ફીટ રહેવા માટે સવારે ચાર કલાકે ઊઠીને જીમ કરે છે. કહેવાનો મતલબ એ છે કે કૈલાસનાથનની ચેમ્બરમાં બેસનારા અધિકારીને ફીટનેસનો ચસકો લાગે તે સ્વાભાવિક છે, કારણ કે આ ખુરશી એવી છે કે જે મુખ્યમંત્રીની સૌથી નજીક છે અને વહીવટી તંત્રમાં તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. મુખ્યમંત્રીને મળનારા અરજદારો કે મુલાકાતીઓ સીધા આ ચેમ્બરમાં આવીને તેમના કામોની રજૂઆત કરતા હોય છે.

આગામી દસ દિવસમાં 10-12 આઈએએસ ઓફિસરોનું બદલી લિસ્ટ નિશ્ચિત

કેન્દ્રના ડેપ્યુટેશન પરથી પરત આવેલા ત્રણ અધિકારીઓને નિમણૂક આપવા માટે રાજ્ય સરકાર બ્યુરોક્રેસીમાં નાનું રીશફલ કરવા જઈ રહી છે. સંભવ છે કે ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં આઈએએસની બદલીઓ આવશે. ગુજરાત પરત આવેલા સૌ પ્રથમ અધિકારી અજયકુમાર ડિફેન્સ મંત્રાલયમાં ફરજ બજાવતા હતા. બીજા બે અધિકારી લોચન સેહરા અને સંધ્યા બુલ્લરનો સમાવેશ થાય છે જેઓ અનુક્રમે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડમાં હતા. હવે આ અધિકારીઓને પોસ્ટીંગ આપવાનું થાય છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીએસટી, ફાયનાન્સ અને રેવન્યૂ વિભાગમાં તેમની નિયુક્તિ થશે, કે જે જગ્યાઓ હાલ વધારાના ચાર્જમાં ચાલી રહી છે. જોકે જરૂરી નથી કે દિલ્હીથી પરત આવેલા આ અધિકારીઓને સીધા રેવન્યુ, ફાઇનાન્સ કે જીએસટીમાં જ મૂકી દેવાય… પરંતુ આ અધિકારીઓ આવતા અંદાજિત દસેક અધિકારીઓની અદલાબદલી કરીને આ જગ્યાઓ તો હવે ભરાશે જ… આ મહત્ત્વની પોસ્ટ હોવાથી તેમાં કાયમી નિમણૂક થવી જોઈએ તેવું ઉચ્ચ અધિકારીઓ માને છે. ચર્ચા એવી છે કે દસ થી બાર અધિકારીઓની બદલી થઈ શકે છે. આમ પણ ગુજરાતમાં હોમ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને સામાન્ય વહીવટ વિભાગની ટોચની પોસ્ટ ખાલી થઈ છે અને હવે ડિસેમ્બરના અંતે એસ.જે. હૈદર નિવૃત્ત થતાં ઊર્જા અને પેટ્રોકેમિકલના વડાની પોસ્ટ ખાલી પડી રહી છે.

જયંતિ રવિને મહેસૂલમાંથી બદલીને જીએડી આપે તેવી ચર્ચાઓ તેજ… તો હોમ કોને મળશે?

ગુજરાતની બ્યુરોક્રેસીમાં એવી અટકળો ચાલી રહી છે કે મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. જ્યંતિ રવિની બદલી થશે અને તેમને સામાન્ય વહીવટ વિભાગમાં મૂકવામાં આવી શકે છે પરંતુ તેમની ઇચ્છા ગૃહ વિભાગ મેળવવાની છે તેવું તેમના નજીકના સૂત્રો કહી રહ્યાં છે. જો તેમને આ વિભાગ આપવામાં આવશે તો એ નિશ્ચિત બનશે કે તેઓ આગામી મુખ્યસચિવ બની શકે છે, કારણકે ભૂતકાળમાં એવું જોવામાં આવ્યું છે કે નાણા કે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવને રાજ્ય વહીવટી તંત્રની આ સુપ્રિમ પોસ્ટ મળતી હોય છે. પરંતુ જો તેમની જગ્યાએ અન્ય કોઈ અધિકારી ગૃહ વિભાગમાં આવશે તો તેમનો ક્રમ પાછળ ધકેલાઈ જશે. હાલના મુખ્યસચિવ મનોજકુમાર દાસ પછી ચીફ સેક્રેટરી તરીકે જ્યંતિ રવિ હોટફેવરિટ માનવામાં આવે છે. બીજીતરફ એવું પણ સંભળાય છે કે દાસની વય નિવૃત્તિ પછી જો વિધાનસભા ચૂંટણીને લઈને તેમને જો એક્સટેન્શન આપવામાં આવ્યું તો જ્યંતિ રવિનો નિવૃત્તિ સમય આવી જશે અને તેઓ આ પદ પરથી વંચિત રહી જશે. આશ્ચર્ય એ વાતનું છે કે સિનિયોરિટીમાં હવે મોટેભાગે મહિલા અધિકારીઓનો નંબર આવી રહ્યો છે. એટલે જ્યંતિ રવિ બાદ પણ રાજ્યના ચીફ સેક્રેટરી તો કોઈ મહિલા જ બનશે. ચર્ચા એ પણ છે કે – જો હોમનો ચાર્જ જ્યંતિ રવિને સોંપાવાનો હોત તો ક્યારનો સોંપાઈ ગયો હોત પણ હવે જો આટલો વિલંબ થઈ રહ્યો છે તો પછી આગામી ચીફ સેક્રેટરી કેન્ડીડેટ જેને સરકાર બનાવવાનું ધારતી હશે હવે એને જ હોમનો હવાલો મળશે.

મહેસાણા વાઇબ્રન્ટમાં અંજુ શર્માએ મેદાન માર્યું….હવે રાજકોટમાં કોણ?

ગુજરાતમાં 10 અને 11 જાન્યુઆરી 2026માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે, જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. આ કોન્ફરન્સ એટલા માટે મહત્ત્વની માનવામાં આવે છે કે પહેલી એવી રિજનલ ઇવેન્ટ છે કે જેમાં ખુદ વડાપ્રધાન આવી રહ્યાં છે. આ ઇવેન્ટને સફળ બનાવવા માટે પહેલાં 20થી વધુ દેશોના ડિપ્લોમેટ્સ સાથે નવી દિલ્હીમાં ચર્ચા થઈ છે અને હવે રાજ્યના છ જેટલા અધિકારીઓએ કેન્દ્રમાં પ્રેઝન્ટેશન કર્યું છે. વડાપ્રધાન આવવાના હોવાથી મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ ઉપરાંત નાણા વિભાગના આરતી કનવર, ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ મમતા વર્મા અને પોર્ટના સીઈઓ રાજકુમાર બેનિવાલે દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-મંત્રણા કરી છે. મહેસાણામાં યોજાયેલી પહેલી કોન્ફરન્સમાં 3.24 લાખ કરોડના એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ મહેનત કરનાર અને સેમિનારનું આયોજન કરવામાં એસીએસ અંજુ શર્મા અને એસ.જે. હૈદરના નામોની નોંધ છેક સીએમઓ સુધી લેવાઈ હતી… જોકે એસ.જે. હૈદર વય નિવૃત્ત થઈ રહ્યા હોવાથી એમણે તો જેમને પુરસ્કાર અપાવાના હતા એ પણ વહેલા મહેસાણા ઇવેન્ટમાં જ અપાવી દીધા હતા. હવે રાજકોટમાં પીએમ આવવાના હોવાથી અધિકારીઓ ઉપર બમણું પ્રેશર છે. વડાપ્રધાનની હાજરીમાં આંકડો બમણો થઈ શકે છે તેથી સંલગ્ન અધિકારીઓને ટારગેટ આપવામાં આવ્યા છે.

સ્વભાવે શાંત જણાતા અમદાવાદ કમિશ્નર બંછાનિધિ પાની કરપ્શન સામે બગડ્યા… કરપ્શનમાં શામેલ એક પ્રમોટી આઈએએસને સાવ નવરા કરી દીધા

ગુજરાતની સ્થાનિક સંસ્થાઓમાં કરપ્શનની ફરિયાદોથી રાજ્ય સરકાર અધિકારીઓથી નારાજ હોવાની છાપ ઊભી થઈ રહી છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભ્રષ્ટાચારના છાંટા ઊડી રહ્યાં હોવાથી કમિશનર કક્ષાએ કેટલાક કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. એક કિસ્સામાં પ્રમોટી અધિકારી પાસેથી ચાર્જ લઈને બીજા અધિકારીને આપવામાં આવ્યો છે. કેટલાક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને પણ માપમાં રહેવાનો મેસેજ આપ્યો છે. એએમસીના કેટલાક વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની વ્યાપક ફરિયાદો પછી વહીવટ સુધારવા અનેક બદલાવ કરવામાં આવી રહ્યાં છે. હજી ગયા વર્ષે જ ભ્રષ્ટાચાર અટકાવવા માટે એએમસીએ તમામ ઝોનલ કચેરીઓમાં હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે, જેમાં અરજદારો પોતાના કામની અરજી કરી શકે છે અને તેની સાથે જ અરજીનો નિકાલ કેટલા સમયમાં થશે તેની માહિતી પણ મેળવી શકે છે. હવે કોર્પોરેશનના લાંચિયા અધિકારીઓ સામે તવાઈ આવી છે. વહીવટને પારદર્શક બનાવવા મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાનિએ પણ કઠોર કદમ ઉઠાવવાનું શરૂ કર્યું છે.

સંજીવ કુમાર અને મુકેશ કુમાર કોને શું મળશે? એકને ઊર્જા બીજાને પોર્ટ?

સ્વર્ણિમ સંકુલ એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં હાલ અધિક મુખ્યસચિવની પોસ્ટ ખાલી પડી છે અને તે પદ માટે ઘણાં અધિકારીઓના નામ ચર્ચાઈ રહ્યાં છે. હાલ નાણા વિભાગના અગ્રસચિવ ડો. ટી. નટરાજનનું નામ પણ આ પદ માટે ચર્ચાઈ રહ્યું છે પરંતુ તેઓ 2જી ડિસેમ્બર થી 23 ડિસેમ્બર સુધી રજા ઉપર છે અને અમેરિકાના પ્રવાસે છે. તેમનું પ્રમોશન ડ્યુ છે જે જાન્યુઆરીના પહેલા દિવસે થઈ જશે. તેઓ હાલ અમેરિકાના પ્રવાસે છે. બીજું નામ વન અને પર્યાવરણના વડા સંજીવકુમારનું ચાલી રહ્યું છે. ચર્ચા ભલે એવી ચાલી રહી હોય કે તેમને મુખ્યમંત્રી કાર્યાલયમાં સેટ કરવામાં આવશે… પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે તેમની ઊર્જા કે બંદર વિભાગમાં નિયુક્તિ થશે. ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે તેમનું નામ યાદીમાં આવ્યું છે. ત્રીજા અધિકારી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના મુકેશકુમારનું આવે છે, ઊર્જા કે પોર્ટ આ બે માં કાંતો મુકેશ કુમાર – કાંતો સંજીવ કુમાર આ બે માંથી કોઈ એક ચહેરો હશે તેમ નિશ્ચિત મનાય છે. મુકેશ કુમારનું પણ અધિક મુખ્યસચિવનું પ્રમોશન આવી રહ્યું છે. હાલની અટકળો ડિસેમ્બરના અંત સમયમાં નિશ્ચિત બની જશે તે નક્કી છે, કારણ કે લાંબા સમયથી બ્યુરોક્રેસીમાં વધારાના હવાલાની મોસમ ચાલી રહી છે.

જર્ક ના અધ્યક્ષ પંકજ જોશી બન્યા, પણ ડમી નામ કોના કોના હતા?! આઈએએસ લોબીમાં ચર્ચાનો નવો મુદ્દો છેડાયો…

ગુજરાત વીજ નિયમન પંચના ચેરપર્સન માટે બે નામોની પસંદગી કરવામાં આવી હતી પરંતુ એ નિશ્ચિત હતું કે આ પદ રાજ્યના પૂર્વ મુખ્યસચિવ પંકજ જોષીને જ મળશે, કારણ કે તેઓ તેમના પુરોગામી અને પૂર્વ મુખ્યસચિવ અનિલ મુકિમ જેવા પ્રામાણિક અને કર્મઠ અધિકારી છે. ગુજરાતને આ બે અધિકારી એવા મળ્યાં છે કે જેમની સામે ક્યારેય કોઈએ આંગળી ચીંધી નથી. તાજેતરમાં જ આ પંચમાં પંકજ જોષીની નિયુક્તિ કરી દેવામાં આવી છે. તેમની સાથે ત્રણ સભ્યોની પણ નિયુક્તિ થઈ છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાત વીજ નિયમન પંચના ચેરપર્સન માટે પૂર્વ મુખ્યસચિવ રાજકુમાર પણ પ્રબળ દાવેદાર હતા. રાજ્યમાં જ્યારે પંચની રચના કરવામાં આવી ત્યારે તેના પ્રથમ ચેરપર્સન નરેન્દ્રસિંહ હતા. બીજા નિવૃત્ત આઈએએસ મુખ્તેશ્વર ભટ્ટ ફરજ બજાવી ચૂક્યાં છે. ત્રીજા અને ચોથા અને પાંચમા ચેરપર્સન નિવૃત્ત આઈએએસ એસ.એ. અઝીઝ, અજીત પટેલ અને આનંદકુમાર હતા. છેલ્લી બે ટર્મથી રાજ્ય સરકાર પૂર્વ મુખ્યસચિવની આ પદ ઉપર નિયુક્તિ કરી રહી છે, જેમાં અનિલ મુકિમ પછી હવે પંકજ જોષી આવ્યા છે. જોકે પંકજ જોષી ના નામ સાથે ડમી નામ કયું સેન્ટ્રલમાં મોકલાયું હતું – ચર્ચા તો આઈએએસ બેડામાં એ વાતની જ છે.

અમદાવાદ ડે. મેયર વિરુદ્ધ કેમ આટલી બધી ફરિયાદો છે?

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના ડેપ્યુટી મેયર જતીન પટેલ સામે મહિલાની હાજરીમાં ગાળાગાળી અને અપમાનજનક વર્તનનો ગંભીર આરોપ લાગતા મામલો રાજ્ય મહિલા આયોગમાં પહોંચેલો છે. ફરિયાદમાં મહિલાએ આયોગ સમક્ષ લેખિત રજૂઆત કરી ન્યાયની માગણી કરી છે. તેણીએ જણાવ્યું છે કે ડેપ્યુટી મેયર દ્વારા જાહેર સ્થળે મુલાકાત દરમ્યાન અસભ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે મહિલાના સન્માનને ઠેસ પહોંચાડે છે. આ ઘટનાને લઈને માનસિક તનાવ સહન કરવો પડ્યો છે. રાજ્ય મહિલા આયોગે આ કેસમાં ફરિયાદને ગંભીરતાથી લઈ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આયોગ દ્વારા સબંધિત પક્ષોને નોટિસ પાઠવી જવાબ માગવામાં આવે તેવી સંભાવના છે. હાલ તો મુદ્દત પડી છે એટલે ડે. મેયરને ખુલાસા રેડી કરવાનો વધુ સમય મળી ગયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *