RCB સતત પાંચમી જીત સાથે WPL પ્લેઓફમાં પહોંચી:ગુજરાતને 61 રનથી હરાવ્યું, ગૌતમી નાયકની ફિફ્ટી; સયાલી સતઘરેને 3 વિકેટ
![]()
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં સતત પાંચમી મેચ જીતીને ચોથી સીઝનના પ્લેઓફમાં સ્થાન મેળવી લીધું. ટીમે સોમવારે વડોદરામાં ગુજરાત જાયન્ટ્સને 61 રનથી હરાવ્યું. પ્લેયર ઓફ ધ મેચ ગૌતમી નાયકે ફિફ્ટી ફટકારી. જ્યારે બોલિંગમાં સયાલી સતઘરે 3 વિકેટ લીધી. ખરાબ શરૂઆત બાદ મંધાનાએ ટીમને સંભાળી
કોટામ્બી સ્ટેડિયમમાં ગુજરાતે બોલિંગ પસંદ કરી. બેંગલુરુએ પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવી દીધી. ગ્રેસ હેરિસ અને જ્યોર્જિયા વોલ 1-1 રન બનાવીને આઉટ થઈ ગઈ. કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પછી ગૌતમી નાયક સાથે ટીમને સંભાળી લીધી. બંનેએ ફિફ્ટી પાર્ટનરશિપ કરી લીધી. મંધાના 26 રન બનાવીને આઉટ થઈ. ગૌતમીએ ફરીથી રિચા ઘોષ સાથે ફિફ્ટી પાર્ટનરશિપ કરી અને ટીમને 130થી પાર પહોંચાડી દીધી. રિચા 27 રન બનાવીને આઉટ થઈ. ગૌતમી પણ 73 રન બનાવીને આઉટ થઈ ગઈ. છેલ્લે રાધા યાદવે 17, નદીન ડી ક્લર્કે 4 અને શ્રેયાંકા પાટીલે 8 રન બનાવીને ટીમને 178 સુધી પહોંચાડી દીધી. ગાર્ડનર-કાશવીને 2-2 વિકેટ
ગુજરાત જાયન્ટ્સ તરફથી કેપ્ટન એશ્લે ગાર્ડનરે 43 રન આપીને 2 વિકેટ લીધી. કાશવી ગૌતમે 38 રન આપ્યા અને 2 વિકેટ લીધી. રેણુકા સિંહ અને સોફી ડિવાઇને 4-4 ઓવર ફેંકીને 1-1 વિકેટ લીધી. હેપ્પી કુમારી, જ્યોર્જિયા વેરહામ અને તનુજા કંવર કોઈ વિકેટ લઈ શકી નહીં. ગાર્ડનરની ફિફ્ટી છતાં ગુજરાત હાર્યું
179 રનના ટાર્ગેટ સામે ગુજરાતે 5 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી. સોફી ડિવાઇન અને કનિકા આહુજા ખાતું પણ ખોલી શકી નહીં. વિકેટકીપર બેથ મૂની 3 રન બનાવીને આઉટ થઈ. 56 રન સુધી ટીમે વધુ 3 વિકેટ ગુમાવી દીધી. અનુષ્કા શર્મા 18, કાશવી ગૌતમ 4 અને જ્યોર્જિયા વેરહેમ 2 રન બનાવીને પેવેલિયન પરત ફરી. કેપ્ટન એશ્લે ગાર્ડનરે એક છેડો સંભાળી લીધો, ભારતી ફુલમાળી તેની સાથે થોડો સમય ટકી રહી. ગાર્ડનર પણ ફિફ્ટી ફટકાર્યા બાદ 17મી ઓવરમાં આઉટ થઈ ગઈ. ફુલમાળી 14 રન બનાવીને પેવેલિયન પરત ફરી. ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 117 રન જ બનાવી શકી અને 61 રનથી મેચ ગુમાવી દીધી. સતઘરેને સતત બીજી મેચમાં 3 વિકેટ
ફાસ્ટ બોલર સયાલી સાટઘરેએ સતત બીજી WPL મેચમાં 3 વિકેટ ઝડપી. તેણે માત્ર 21 રન આપ્યા. આ પહેલા દિલ્હી કેપિટલ્સ સામે પણ તેણે 3 વિકેટ લીધી હતી. નદીન ડી ક્લર્કે 2 વિકેટ લીધી. લૌરેન બેલ, રાધા યાદવ અને શ્રેયાંકા પાટીલને 1-1 વિકેટ મળી. 2024ની ચેમ્પિયન પ્લેઓફમાં પહોંચી
WPLની 3 સીઝન રમાઈ ચૂકી છે. 2023 અને 2025માં મુંબઈ ઈન્ડિયન્સે ખિતાબ જીત્યો. જ્યારે 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેમ્પિયન બની. ટીમે ચોથી સીઝનમાં સતત 5 મેચ જીતીને ફરી એકવાર નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. RCB સિવાય કોઈ ટીમ 3 મેચ પણ જીતી શકી નથી. મુંબઈ, યુપી અને ગુજરાત પાસે 2-2 જીત છે. વધુ સારા રન રેટને કારણે MI બીજા અને યુપી ત્રીજા નંબર પર છે. દિલ્હી એક જીત પછી છેલ્લા સ્થાને છે.
Source link