Saudi Arabia Bombing Yemen Mukalla Port; UAE Tension Escalates VIDEOS | સાઉદી અરબનો યમનના મુકલ્લા પોર્ટ પર હવાઈ હુમલો: કહ્યું- UAEથી હથિયારોનો જથ્થો આવી રહ્યો હતો; યમને 90 દિવસની ઈમરજન્સી લાગુ કરી
રિયાધ/સના3 કલાક પેહલા
- કૉપી લિંક

ખાડીના બે શક્તિશાળી દેશ સાઉદી અરેબિયા અને UAE વચ્ચે તણાવ વધી ગયો છે. સાઉદી અરેબિયાએ મંગળવારે સવારે યમનમાં મુકાલા બંદર પર બોમ્બમારો કર્યો. સાઉદી અરેબિયાનો દાવો છે કે UAEના ફુજૈરા બંદરથી આવેલા બે જહાજોમાંથી અહીં હથિયારો અને સૈન્ય વાહનો ઉતારવામાં આવી રહ્યા હતા. આ જહાજોની ટ્રેકિંગ સિસ્ટમ બંધ હતી.
સાઉદી અરેબિયાનું કહેવું છે કે આ હથિયારો સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) નામના અલગતાવાદી જૂથને આપવામાં આવી રહ્યા હતા, જે શાંતિ અને સ્થિરતા માટે ખતરો બની શકે તેમ હતા. તેથી વાયુસેનાએ મર્યાદિત હવાઈ હુમલો કરીને હથિયારો અને સૈન્ય વાહનોને નિશાન બનાવ્યા. હુમલો રાત્રે કરવામાં આવ્યો જેથી સામાન્ય લોકોને નુકસાન ન થાય.
આ હુમલા પર હજુ સુધી UAE તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સાઉદી અરેબિયા અને UAE છેલ્લા 10 વર્ષથી યમનમાં હુતી વિદ્રોહીઓ સામે લડી રહ્યા છે, પરંતુ તેઓ ત્યાં અલગ-અલગ જૂથોને સમર્થન આપે છે.
સાઉદીએ ઓપરેશનનો એક વીડિયો પણ જાહેર કર્યો
યમને UAE સાથેની સંરક્ષણ ડીલ રદ કરી
મુકાલા પર થયેલા હવાઈ હુમલા બાદ યમન સરકારે સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે થયેલો સંરક્ષણ કરાર રદ કરી દીધો છે. યમનની પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલના પ્રમુખ રશાદ અલ-અલીમીએ જાહેરાત કરી કે દેશમાં હાજર UAEની સેનાઓએ 24 કલાકની અંદર યમન છોડવું પડશે.
આ સાથે જ સરકારે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે 72 કલાકની હવાઈ, જમીન અને દરિયાઈ નાકાબંધી લાગુ કરવા અને 90 દિવસ માટે કટોકટી જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, અલ-અલીમીએ અલગતાવાદી જૂથો સામે કાર્યવાહી કરવા બદલ સાઉદી અરેબિયાના સમર્થનની પ્રશંસા કરી અને કહ્યું કે આ પગલું યમનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક સ્થિરતાના હિતમાં છે.

અલ-અલીમીએ અલગતાવાદીઓ પર કાર્યવાહી માટે સાઉદી અરેબિયાના સમર્થનની પ્રશંસા કરી.
સાઉદીએ યમન પર હુમલો શા માટે કર્યો?
સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) એક સશસ્ત્ર અલગતાવાદી સંગઠન છે, જેને UAE નો ટેકો છે. STC નો હેતુ યમનને ઉત્તર અને દક્ષિણ એમ બે અલગ દેશોમાં વિભાજીત કરવાનો છે. ત્યારબાદ તે દક્ષિણ યમનમાં અલગ સરકાર બનાવવા માંગે છે.
યમન 1990 પહેલા ઉત્તરીય અને દક્ષિણી યમન એમ બે ભાગોમાં વહેંચાયેલું હતું. બંનેના એકીકરણ પછી પણ દક્ષિણમાં અલગતાની ભાવના યથાવત છે.
છેલ્લા એક મહિનામાં STC એ યમનમાં મોટા પાયે સૈન્ય અભિયાન ચલાવ્યા હતા. STC ના સૈનિકોએ હદ્રામૌત અને અલ-મહ્રા જેવા તેલ અને ગેસ-સમૃદ્ધ વિસ્તારો પર કબજો કરી લીધો. આ કારણે યમન સરકારના સુરક્ષા દળો અને સ્થાનિક કબીલાઓને પીછેહઠ કરવી પડી. ઘણા વિસ્તારોમાં હિંસા અને મોતના અહેવાલો આવ્યા.
ડિસેમ્બરના મધ્ય સુધીમાં STC એ ઘણા મહત્વપૂર્ણ તેલ અને ગેસ ક્ષેત્રો પર નિયંત્રણનો દાવો કર્યો. દક્ષિણ અબયાન પ્રાંતમાં નવા સૈન્ય અભિયાનની ઘોષણા કરી. 15 ડિસેમ્બરે STC એ અબયાનના પહાડી વિસ્તારોમાં મોટો હુમલો કર્યો.
તેના જવાબમાં, સાઉદી અરેબિયાએ હદ્રામૌતના વાદી નહાબ વિસ્તારમાં ચેતવણીરૂપ હવાઈ હુમલા કર્યા. સાઉદીએ સ્પષ્ટ કહ્યું કે જો STC પાછળ નહીં હટે, તો આગળ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. મુકલ્લા પોર્ટ પરનો હુમલો તે જ ચેતવણીની આગામી કડી માનવામાં આવે છે.

STCની સેનાએ 15 ડિસેમ્બરે દક્ષિણી પ્રાંત અબયાનના એક પહાડી વિસ્તારમાં સૈન્ય હુમલા કર્યા.
યમનને લઈને સાઉદી અરેબિયા અને UAEના સંબંધોમાં શા માટે કડવાશ આવી?
યમન યુદ્ધના શરૂઆતના તબક્કામાં સાઉદી અરેબિયા અને UAE એકસાથે હતા. 2014માં હુતી વિદ્રોહીઓએ રાજધાની સના પર કબજો કરી લીધો હતો. હુતી વિદ્રોહીઓને ભગાડવા માટે 2015માં સાઉદીના નેતૃત્વમાં સૈન્ય ગઠબંધન બન્યું હતું. UAE પણ આ ગઠબંધનનો ભાગ હતો.
નિષ્ણાતોના મતે, થોડા સમય પછી UAEએ યમનમાં સાઉદીથી અલગ પોતાની નીતિ અપનાવવાનું શરૂ કર્યું. નિષ્ણાતોનું માનવું છે કે UAEને યમનના બંદરો, દરિયાઈ માર્ગો અને વ્યૂહાત્મક દરિયાકાંઠાના વિસ્તારોમાં રસ છે. તેના પર નિયંત્રણ મેળવવા માટે લડાઈ ચાલી રહી છે.
કતારની હમદ બિન ખલીફા યુનિવર્સિટીના પ્રોફેસર સુલતાન બરકત અનુસાર, “UAE બંદરોનો વિકાસ કરવા માંગતું નથી, પરંતુ તે ઈચ્છે છે કે જેબેલ અલી પોર્ટ સમગ્ર ક્ષેત્રનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ બંદર બની રહે. જેથી આ વિસ્તારમાં UAEનું વર્ચસ્વ જળવાઈ રહે.”
યમનમાં 2014માં ગૃહ યુદ્ધ શરૂ થયું હતું
યમનમાં હુતી વિદ્રોહીઓએ 2014માં સાઉદી સમર્થિત સરકારને હટાવી દીધી હતી. ત્યારબાદ 2015માં સાઉદીના નેતૃત્વ હેઠળના સૈન્ય ગઠબંધને ઈરાન સમર્થિત હુતીઓ વિરુદ્ધ મોરચો ખોલ્યો. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત થયા. ત્યારબાદ યમનની 80% જનતા માનવીય સહાયતા પર નિર્ભર થઈ ગઈ.
યમનમાં ગૃહ યુદ્ધનું મુખ્ય કારણ શિયા અને સુન્ની વિવાદ હતો. વાસ્તવમાં, યમનની કુલ વસ્તીમાં 35% હિસ્સો શિયા સમુદાયનો છે જ્યારે 65% સુન્ની સમુદાયના લોકો રહે છે. કાર્નેગી મિડલ ઇસ્ટ સેન્ટરના અહેવાલ મુજબ, બંને સમુદાયો વચ્ચે હંમેશા વિવાદ રહ્યો હતો, જે 2011માં આરબ ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે ગૃહ યુદ્ધમાં ફેરવાઈ ગયો.
જોતજોતામાં હુતી નામથી જાણીતા વિદ્રોહીઓએ દેશના એક મોટા હિસ્સા પર કબજો કરી લીધો. 2015માં પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે વિદ્રોહીઓએ આખી સરકારને દેશનિકાલમાં જવાની ફરજ પાડી હતી.