Shreyas Iyer Fitness Update; Vice Captain Declared Fit New Zealand ODI Series | શ્રેયસ અય્યર સેન્ટર ઓફ એક્સેલન્સમાંથી ડિસ્ચાર્જ: ન્યુઝીલેન્ડ સામે વનડે સીરિઝ રમવા માટે ફિટ, પહેલી મેચ વડોદરામાં 11 જાન્યુઆરીએ રમાશે
મુંબઈ50 મિનિટ પેહલા
- કૉપી લિંક

ટીમ ઇન્ડિયાના ઉપકપ્તાન શ્રેયસ અય્યર ન્યુઝીલેન્ડ સામે વનડે શ્રેણી રમવા માટે સંપૂર્ણપણે ફિટ થઈ ગયા છે. બુધવારે તેમનું રિહેબ પૂરું થયું અને તેમને BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર BCCIના સેન્ટ્રલ એક્સેલન્સના પ્રમુખ VVS લક્ષ્મણે ચીફ સિલેક્ટર અજીત અગરકરને ઇમેઇલ કરીને જણાવ્યું કે અય્યરનું રિહેબ પૂરું થઈ ગયું છે અને તેમને રિલીઝ કરવામાં આવ્યા છે.
31 વર્ષીય અય્યરને ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમને પોતાની મેચ ફિટનેસ સાબિત કરવાની હતી. અય્યરે એક દિવસ પહેલા વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ તરફથી હિમાચલ પ્રદેશ સામે 82 રનની ઇનિંગ રમીને પોતાની ફિટનેસ સાબિત કરી હતી.
અય્યરને 3 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામેની વનડે ટીમ માં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે ગયા મહિનાના છેલ્લા અઠવાડિયામાં નિયમિત જિમ અને ફિટનેસ રૂટિન શરૂ કર્યું હતું. ત્યારે તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.
અય્યરે વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈની કપ્તાની કરી હતી.
ન્યુઝીલેન્ડ સામે પહેલી વનડે રમી શકે છે અય્યર
શ્રેયસ અય્યર ન્યુઝીલેન્ડ સામે પહેલી વનડે મેચ રમી શકે છે. આ મેચ વડોદરામાં 11 જાન્યુઆરીએ રમાવાની છે. તે પછી 14મીએ રાજકોટ અને 18મીએ ઇન્દોરમાં વનડે મેચ રમાશે. અય્યર ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ નથી.
શ્રેયસ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ઈજાગ્રસ્ત થયા હતા અય્યર 25 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સ્પ્લીનની ઈજા થઈ હતી, જેમાંથી સાજા થવામાં તેમને 3 મહિનાનો સમય લાગ્યો હતો.

કેચ પકડવાના પ્રયાસમાં શ્રેયસ અય્યરને ઈજા થઈ હતી.