T20 World Cup Super 8 Update; Team India Group South Africa West Indies Zimbabwe; Record Analysis PHOTOS
- Gujarati News
- Sports
- Cricket
- T20 World Cup Super 8 Update; Team India Group South Africa West Indies Zimbabwe; Record Analysis PHOTOS
સ્પોર્ટ્સ ડેસ્ક19 કલાક પેહલા
- કૉપી લિંક

ટી-20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજ પછી 8 ટીમ સેકન્ડ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. અહીં 4-4 ટીમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી. ટીમ ઇન્ડિયાને સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેના ગ્રુપમાં રાખવામાં આવી છે. વિન્ડીઝ સિવાયની બાકીની બંને ટીમ સામે ભારતનો વર્લ્ડ કપ રેકોર્ડ સારો છે.
સુપર-8 સ્ટેજની ત્રણેય ટીમ સામે ભારતનું પ્રદર્શન…
1. સાઉથ આફ્રિકાને છેલ્લી ફાઇનલમાં હરાવ્યું
સુપર-8 સ્ટેજમાં ટીમ ઇન્ડિયાની પહેલી મેચ 22 ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામે થવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો સાંજે 7 વાગ્યાથી રમાશે. છેલ્લી ટી-20 વર્લ્ડ કપ પછીથી બંને ટીમે 8 ટી-20 રમી, જેમાં 6માં ભારત અને માત્ર 2માં સાઉથ આફ્રિકાને જીત મળી.
ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમ 7 વખત ટકરાઈ, જેમાં ભારત 5 વખત અને સાઉથ આફ્રિકા માત્ર 2 વખત જીતી શક્યું. ટીમ ઇન્ડિયાએ 2014ની સેમિફાઇનલ અને 2024ની ફાઇનલમાં પ્રોટિયાઝ ટીમને હરાવી હતી. ઓવરઓલ T-20માં પણ ભારતે સાઉથ આફ્રિકાને 60% મેચ હરાવી છે.

2. ચેમ્પિયન બન્યા પછી ઝિમ્બાબ્વેએ હરાવ્યું
ટીમ ઇન્ડિયાની બીજી મેચ 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે થવાની છે. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં મુકાબલો સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. 29 જૂન 2024ના રોજ T-20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી. જ્યાં હોમ ટીમે પ્રથમ જ મુકાબલામાં ભારતને 102 રન પર ઓલઆઉટ કરીને 13 રનથી મુકાબલો જીતી લીધો હતો. જોકે, સીરીઝ 4-1થી ભારતના નામે રહી હતી.
ટી-20 વર્લ્ડ કપમાં બંને ટીમ એકમાત્ર વાર 2022માં ટકરાઈ હતી. મેલબોર્નમાં પહેલા બેટિંગ કરતા ભારતે સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલની ફિફ્ટીની મદદે 186 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 115 રન જ બનાવી શક્યું. ઓવરઓલ બંને ટીમ વચ્ચે 13 ટી-20 થયા, જેમાંથી માત્ર 3માં ઝિમ્બાબ્વેને જીત મળી શકી.

3. વેસ્ટ ઈન્ડિઝ 2016ની સેમિફાઇનલ હારી ચૂક્યું છે
ટીમ ઇન્ડિયાની છેલ્લી સુપર-8 મેચ 1 માર્ચે વેસ્ટ ઇન્ડિઝ સામે થશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આ મુકાબલો સાંજે 7 વાગ્યાથી રમાશે. છેલ્લા વર્લ્ડ કપ પછી બંને ટીમ એકપણ વાર ભીડાઈ નથી, બંને ટીમ 2024ના ICC ટૂર્નામેન્ટમાં પણ સામસામે આવી શકી ન હતી. ભારતે વેસ્ટ ઇન્ડિઝને ઓવરઓલ 63% ટી-20 મેચ હરાવી છે.
ટી-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝનું પલડું ભારે રહ્યું છે. ICC ટૂર્નામેન્ટમાં બંને ટીમ 2009માં પહેલીવાર ભીડાઈ હતી, ત્યારે લોર્ડ્સમાં ભારત 7 વિકેટે હારી ગયું હતું. 2010માં પણ વિન્ડિઝ 14 રનથી જીત્યું હતું. ભારતને એકમાત્ર જીત 2014માં મળી હતી, ત્યારે ટીમ 7 વિકેટે જીતી હતી. બંને ટીમ 2016માં મુંબઈના મેદાન પર સેમિફાઇનલમાં પણ સામસામે આવી હતી. ભારતે વિરાટ કોહલીના 89 રનની મદદથી 192 રન બનાવ્યા, વિન્ડિઝે 2 બોલ બાકી રહેતા 7 વિકેટે મુકાબલો જીત્યો અને ભારતને બહાર કરી દીધું.

બધા ટેબલ ટોપર ભારતના ગ્રુપમાં
સુપર-8 પહેલા ગ્રુપ સ્ટેજમાં 20 ટીમને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ભારત ગ્રુપ-એમાં તમામ મેચ જીતીને ટોચ પર રહ્યું. ટીમ ઈન્ડિયાના સુપર-8 ગ્રુપમાં સામેલ ઝિમ્બાબ્વે ગ્રુપ-બી, વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ-સી અને સાઉથ આફ્રિકા ગ્રુપ-ડીમાં તમામ મેચ જીતીને નંબર-1 પર રહ્યા. એટલે કે ટીમ ઈન્ડિયાના ગ્રુપ-1માં તમામ અજેય ટીમો છે. બીજી તરફ, ગ્રુપ-2માં સામેલ શ્રીલંકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનને ગ્રુપ સ્ટેજમાં 1-1 હાર ચોક્કસ મળી હતી.
ઈશાન ભારતના ટોપ રન સ્કોરર
આ T-20 વર્લ્ડ કપમાં ઈશાન કિશને ભારત માટે સૌથી વધુ 176 રન બનાવ્યા છે. તે પાકિસ્તાન સામે 77 રન બનાવીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીતી ચૂક્યો છે. તેના પછી સૂર્યકુમાર યાદવે 162 રન બનાવ્યા છે, જેણે અમેરિકા સામેની મેચમાં 84 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

ચક્રવર્તી ટીમ ઇન્ડિયાનો ટોપ વિકેટ ટેકર
ટુર્નામેન્ટમાં મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ભારત માટે સૌથી વધુ 9 વિકેટ લીધી છે. તેણે માત્ર 5.16ની ઇકોનોમીથી રન ખર્ચ કર્યા, તે ICCની T-20 બોલર્સ રેન્કિંગમાં નંબર-1 બોલર પણ છે. તેના પછી અક્ષર પટેલે 6 અને હાર્દિક પંડ્યાએ 5 વિકેટ લીધી છે.

———————————————
સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો…
વેસ્ટ ઇન્ડીઝની આ ટુર્નામેન્ટમાં સતત ચોથી જીત

વેસ્ટ ઇન્ડીઝે T20 વર્લ્ડ કપની 37મી મેચમાં ઈટાલીને 42 રનથી હરાવ્યું. વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝની આ સતત ચોથી જીત છે. ગુરુવારે દિવસની પ્રથમ મેચમાં ઈટાલીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા. જવાબમાં ઈટાલી 18 ઓવરમાં 123 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. આ ગ્રુપ-Cની છેલ્લી મેચ હતી… સંપૂર્ણ સમાચાર
