T20 World Cup Trophy Tour launched from Ram Setu | રામ સેતુથી T20 વર્લ્ડ કપ ટ્રોફી ટૂર લોન્ચ: પેરામોટરથી બ્રિજ ઉપર ફેરવવામાં આવ્યું; ટુર્નામેન્ટની શરૂઆત 7 ફેબ્રુઆરીથી શરૂ થશે
સ્પોર્ટ્સ ડેસ્ક10 કલાક પેહલા
- કૉપી લિંક

T20 વર્લ્ડ કપ 2026 ટ્રોફી ટૂરની શરૂઆત રામ સેતુ ઉપર કરવામાં આવી. આ પ્રસંગે ટુ-સીટર પેરામોટર દ્વારા ટ્રોફીને આકાશમાં લઈ જવામાં આવી, જેણે આ લોન્ચને ઐતિહાસિક અને યાદગાર બનાવી દીધું.
ભારતમાં એડમ્સ બ્રિજને રામ સેતુના નામથી ઓળખવામાં આવે છે. આ સ્થળ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ હોવા ઉપરાંત ટુર્નામેન્ટના બે યજમાન દેશો ભારત અને શ્રીલંકાને જોડે પણ છે.
ટી-20 વર્લ્ડ કપ 2026માં 20 ટીમ ભાગ લેશે અને મુકાબલા 29 દિવસ સુધી રમાશે. ટુર્નામેન્ટની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે અને મેચ ભારત અને શ્રીલંકાના કુલ 8 સ્થળો પર આયોજિત કરવામાં આવશે.

T20 વર્લ્ડ કપ ટ્રોફી એશિયાના ઓમાન, નેપાળ જેવા દેશોનો પણ પ્રવાસ કરશે.
રામ સેતુ બ્રિજ જ કેમ પસંદ કરાયો રામ સેતુ ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલો છે. T20 વર્લ્ડ કપ 2026નું આયોજન ભારત અને શ્રીલંકા જ કરી રહ્યા છે, તેથી આ સ્થાન બંને દેશોને જોડતા સેતુ તરીકે ટુર્નામેન્ટની ભાવનાને સ્પષ્ટપણે દર્શાવે છે.
ICCએ આ ટ્રોફી ટૂરને માત્ર એક પ્રચાર અભિયાન નહીં, પરંતુ દુનિયાભરના ચાહકોને જોડતી યાત્રા ગણાવી છે. રામ સેતુનો અર્થ જ જોડવો છે, અને આ જ સંદેશ ક્રિકેટ દ્વારા દેશો અને લોકોને જોડવા માંગે છે.
ટ્રોફી ટૂર દુનિયાભરના લોકોને જોડવાનું માધ્યમ- જય શાહ ICC ચેરમેન જય શાહે કહ્યું કે રામ સેતુ જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળ પર ટ્રોફી ટૂરની શરૂઆત કરવી એ આગામી મોટી ટુર્નામેન્ટ માટે એક પ્રેરણાદાયક સંદેશ છે. તેમણે કહ્યું કે આ ટ્રોફી ટૂર માત્ર ટ્રોફીની યાત્રા નથી, પરંતુ દુનિયાભરના ચાહકો, સંસ્કૃતિઓ અને ક્રિકેટ સમુદાયોને એકસાથે જોડવાનું માધ્યમ છે.
બહેરીન અને મંગોલિયા પણ જશે ટ્રોફી ટ્રોફી ટૂર હેઠળ ટ્રોફી ભારત, શ્રીલંકા, કતાર, ઓમાન, નેપાળ, બહેરીન અને મંગોલિયા સહિત એશિયાના ઘણા દેશોનો પ્રવાસ કરશે. આનાથી ચાહકોને ટ્રોફીને નજીકથી જોવાની અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. આ દરમિયાન કોલેજ અને કેમ્પસ વિઝિટ, ફેન મીટ, પબ્લિક ઇવેન્ટ્સ અને ક્રિકેટ કાર્નિવલનું આયોજન કરવામાં આવશે, જેથી નાના દેશોમાં પણ ક્રિકેટને પ્રોત્સાહન મળી શકે.
ટ્રોફી શાળા-કોલેજ સુધી પહોંચશે એક ખાસ પહેલ હેઠળ, ટ્રોફીને શાળાઓ અને કોલેજોમાં પણ લઈ જવામાં આવશે. આનાથી યુવા ચાહકોને ગ્લોબલ ક્રિકેટ સાથે જોડાવાનો અનુભવ મળશે. આ ઉપરાંત, ટ્રોફીને મુખ્ય T20 લીગ્સ અને દ્વિપક્ષીય શ્રેણીમાં પણ લઈ જવામાં આવશે.
ભારત-પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ ટકરાશે ICC એ 25 નવેમ્બરે ICC ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. નેધરલેન્ડ્સ અને પાકિસ્તાન વચ્ચે 7 ફેબ્રુઆરીએ કોલંબોમાં ઓપનિંગ મેચ રમાશે. એ જ દિવસે સાંજે 7 વાગ્યાથી ભારત પોતાની પ્રથમ મેચ અમેરિકા સામે રમશે. ટીમ પછી 12 ફેબ્રુઆરીએ નામિબિયા, 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે ટકરાશે.
ગ્રુપ સ્ટેજમાં 4, સુપર-8માં 3 મેચ રમાશે ગ્રુપ સ્ટેજમાં દરેક ટીમ પોતાના ગ્રુપમાં એકબીજા સામે 4-4 મેચ રમશે. વધુ મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલના ટોપ-2માં રહેવા પર જ સુપર-8માં એન્ટ્રી મળશે. સુપર-8 રાઉન્ડમાં પણ દરેક ટીમ પોતાના ગ્રુપમાં એકબીજા સામે 3-3 મેચ રમશે. એટલે કે ફાઇનલ સુધી પહોંચનારી 2 ટીમો 8-8 મેચ રમશે.
ભારત સાથે શ્રીલંકાના પણ 3 મેદાનો પર મેચ રમાશે વર્લ્ડ કપની મેચો ભારત અને શ્રીલંકાના કુલ 8 મેદાનો પર રમાશે. ભારતમાં મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (અમદાવાદ), એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેન્નઈ), અરુણ જેટલી સ્ટેડિયમ (નવી દિલ્હી), વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ) અને ઈડન ગાર્ડન્સ (કોલકાતા)માં રમાશે, જ્યારે શ્રીલંકામાં આર. પ્રેમદાસા સ્ટેડિયમ (કોલંબો), સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ (કોલંબો) અને પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (કેન્ડી)ને વેન્યુ બનાવવામાં આવ્યા છે.
ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડે 2-2 ટાઈટલ જીત્યા T-20 વર્લ્ડ કપની શરૂઆત 2007માં થઈ હતી. ભારતે પ્રથમ એડિશનના ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. તેના 17 વર્ષ પછી ભારતે 2024માં સાઉથ આફ્રિકાને ફાઇનલમાં હરાવીને બીજી વખત ટાઇટલ જીત્યું. ભારત ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડે પણ 2-2 ટાઇટલ જીત્યા છે. પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ 1-1 વખત ખિતાબ જીત્યો છે.

ટીમ ઇન્ડિયા સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ખિતાબ બચાવવા માટે ઉતરશે.