US Greenland Acquisition Vs Denmark; Donald Trump Golden Dome Project
વોશિંગ્ટન ડીસી1 કલાક પેહલા
- કૉપી લિંક

ઈઝરાયલની જેમ અમેરિકા પણ મિસાઈલ હુમલાથી બચવા માટે ડોમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ફરીથી ગ્રીનલેન્ડને અમેરિકામાં સામેલ કરવાની પોતાની ઈચ્છા દોહરાવી છે. તેમણે કહ્યું કે કંઈક ને કંઈક ઉકેલ નીકળી આવશે. ટ્રમ્પે ગ્રીનલેન્ડને ગોલ્ડન ડોમ નામના મોટા રક્ષા પ્રોજેક્ટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે.
ગોલ્ડન ડોમ અમેરિકાનો મિસાઈલ રક્ષા પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ઇઝરાયલના આયર્ન ડોમથી પ્રેરિત છે. ગોલ્ડન ડોમનો હેતુ ચીન, રશિયા જેવા દેશોમાંથી આવતા ખતરાથી અમેરિકાને બચાવવાનો છે.
ટ્રમ્પનું આ નિવેદન વ્હાઇટ હાઉસમાં અમેરિકા, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના અધિકારીઓ વચ્ચે થયેલી હાઈ કમિટી બેઠક પછી આવ્યું છે. આ બેઠકમાં કોઈ મોટો કરાર થયો નથી.
બેઠક પછી ગ્રીનલેન્ડના વિદેશ મંત્રી વિવિયન મોટ્ઝફેલ્ડે કહ્યું કે તેમને અમેરિકા સાથેના સંબંધોને મજબૂત કરવાની આશા છે. પરંતુ ગ્રીનલેન્ડ પર અમેરિકાનું શાસન સ્વીકારી શકાય નહીં.
તેમણે કહ્યું, “અમેરિકા સાથે અમારા સહયોગને મજબૂત કરવો અમારા માટે યોગ્ય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે અમે અમેરિકાના ગુલામ બનવા માગીએ છીએ.”

ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના વિદેશ મંત્રી વ્હાઇટ હાઉસમાં ચાલી રહેલી વાતચીતને નિર્ધારિત સમય કરતાં દોઢ કલાક વહેલા જ છોડીને નીકળી ગયા.
ટ્રમ્પે કહ્યું- NATOએ અમારી મદદ કરવી જોઈએ
તેમણે આગળ કહ્યું કે જો અમેરિકાએ ગ્રીનલેન્ડ ન લીધું, તો રશિયા કે ચીન તેને લઈ લેશે અને તેઓ આવું ક્યારેય થવા દેશે નહીં.
ટ્રમ્પનું કહેવું છે કે NATOએ આ મામલે આગળ આવવું જોઈએ અને અમેરિકાને ગ્રીનલેન્ડ અપાવવામાં મદદ કરવી જોઈએ. તેમણે દાવો કર્યો કે ગ્રીનલેન્ડ અમેરિકાના હાથમાં હોવાથી નાટો વધુ મજબૂત અને પ્રભાવી બનશે.

ગ્રીનલેન્ડ પર ચર્ચા માટે વર્કિંગ ગ્રુપ બનશે
વ્હાઇટ હાઉસમાં બુધવારે થયેલી વાતચીતમાં અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોક્કે રાસમુસેન અને ગ્રીનલેન્ડના વિદેશ મંત્રી વિવિયન મોટ્ઝફેલ્ટ સામેલ થયાં. આ બેઠકમાં કોઈ મોટો કરાર થયો નથી.
જોકે, બેઠક પછી ત્રણેય પક્ષોએ ગ્રીનલેન્ડ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા માટે એક સંયુક્ત વર્કિંગ ગ્રુપ બનાવવાની સંમતિ આપી, જેની બેઠકો આવનારા અઠવાડિયામાં થશે. રાસમુસેને સ્પષ્ટ કહ્યું કે અમેરિકા સાથે અસંમતિ યથાવત છે. અમારો દૃષ્ટિકોણ ઘણો અલગ છે.
તેમણે ટ્રમ્પના ગ્રીનલેન્ડને ખરીદવાના કે કબજે કરવાના વિચારને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યો. તેમણે કહ્યું, ‘અમે ખૂબ સ્પષ્ટપણે કહ્યું છે કે આ ડેનમાર્કના હિતમાં નથી.’
તેમણે એમ પણ કહ્યું કે બંને દેશ આર્કટિકમાં સુરક્ષા સહયોગ વધારવા માટે તૈયાર છે, જેમાં ગ્રીનલેન્ડમાં વધુ અમેરિકી સૈન્ય મથકો બનાવવાની સંભાવના પણ શામેલ છે.

ગ્રીનલેન્ડમાં સ્થિત પિટુફિક એરબેઝ, જેને પહેલા થુલે વાયુ મથકના નામથી ઓળખવામાં આવતું હતું.
સ્વીડને ગ્રીનલેન્ડમાં સૈન્યકર્મીઓ મોકલ્યા, ફ્રાન્સ અને જર્મની પણ ટીમ મોકલશે
સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સને બુધવારે જણાવ્યું હતું કે ડેનમાર્કના કહેવા પર સ્વીડિશ આર્મ્ડ ફોર્સના ઘણા અધિકારીઓને એક સૈન્ય અભ્યાસમાં ભાગ લેવા માટે ગ્રીનલેન્ડ મોકલ્યા છે.
આ ઉપરાંત, ફ્રાન્સ અને જર્મની બંનેએ કહ્યું છે કે તેઓ ગ્રીનલેન્ડમાં સૈન્યકર્મીઓ મોકલશે. યુરોપિયન દેશોએ પણ સુરક્ષા સહયોગની ઓફર કરી છે.
જર્મન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તે ક્ષેત્રમાં સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ડેનમાર્કને સમર્થન આપવા માટે 13 લોકોની એક ટીમ મોકલશે.
નોર્વેના સંરક્ષણ પ્રધાન ટોરે સેન્ડવિકે સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું છે કે નોર્ડિક દેશ આર્કટિકમાં નાટો સભ્યો વચ્ચે સુરક્ષા સહયોગને મજબૂત કરવા માટે ગ્રીનલેન્ડમાં બે સૈન્યકર્મીઓને મોકલશે.
ગ્રીનલેન્ડની પોતાની સેના નથી, અમેરિકા અને ડેનમાર્કના સૈનિકો તહેનાત
ગ્રીનલેન્ડની પોતાની કોઈ સેના નથી. તેની રક્ષા અને વિદેશ નીતિની જવાબદારી ડેનમાર્કની છે. આ ડેનમાર્કનો એક સ્વાયત્ત પ્રદેશ છે. અહીંની વસતિ માત્ર 57 હજાર છે.
2009 પછી, ગ્રીનલેન્ડ સરકારને દરિયાકાંઠાની સુરક્ષા અને કેટલાક વિદેશી બાબતોમાં છૂટ મળી છે, પરંતુ સંરક્ષણ અને વિદેશ નીતિના મુખ્ય મામલાઓ હજુ પણ ડેનમાર્ક પાસે છે.
અમેરિકી સૈનિકો: અમેરિકાનો પિટુફિક સ્પેસ બેઝ (થુલે એર બેઝ). ગ્રીનલેન્ડના ઉત્તર-પશ્ચિમમાં આવેલો આ બેઝ અમેરિકા ચલાવે છે. આ બેઝ મિસાઈલ ચેતવણી સિસ્ટમ અને સ્પેસ મોનિટરિંગ માટે ઉપયોગમાં લેવાય છે. NYT અનુસાર અહીં લગભગ 150 થી 200 અમેરિકી સૈનિકો તહેનાત છે. આ મિસાઈલ ચેતવણી, સ્પેસ નિરીક્ષણ અને આર્કટિક સુરક્ષા માટે છે. આ અમેરિકાનો સૌથી ઉત્તરીય સૈન્ય અડ્ડો છે.
ડેનિશ સૈનિકો: ડેનમાર્કની જોઈન્ટ આર્કટિક કમાન્ડ ગ્રીનલેન્ડમાં કામ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અહીં કુલ લગભગ 150 થી 200 ડેનિશ સૈન્ય અને સિવિલિયન કર્મચારીઓ છે. જેઓ નિરીક્ષણ, સર્ચ એન્ડ રેસ્ક્યુ, અને સાર્વભૌમત્વનું રક્ષણ કરે છે. તેમાં પ્રખ્યાત સીરિયસ ડોગ સ્લેજ પેટ્રોલ (એક નાનો એલિટ યુનિટ, લગભગ 12-14 લોકો) પણ સામેલ છે, જે કૂતરાઓની સ્લેજથી લાંબી પેટ્રોલિંગ કરે છે.

ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેન અને ગ્રીનલેન્ડના વિદેશ મંત્રી વિવિયન મોટ્ઝફેલ્ડ વોશિંગ્ટનમાં વાતચીત કરતા.
ફોટોથી અમેરિકાએ ગ્રીનલેન્ડને ચેતવણી આપી
ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના અધિકારીઓ સાથેની બેઠક બાદ વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી, જેમાં ગ્રીનલેન્ડ પર અમેરિકી નિયંત્રણને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
તસવીરમાં રસ્તા પર ગ્રીનલેન્ડનો ધ્વજ લગાવેલી બે સ્લેજ દેખાઈ રહી છે. એક રસ્તો વ્હાઇટ હાઉસ અને અમેરિકી ધ્વજ તરફ જાય છે, જ્યારે બીજો રસ્તો અંધકાર અને વીજળી તરફ જાય છે. જ્યાં ચીન અને રશિયાનો ધ્વજ લગાવેલો છે. તસવીર સાથે કેપ્શન લખેલું છે, “ગ્રીનલેન્ડ કઈ તરફ જશો?”
તસવીર દ્વારા ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર દબાણ લાવવા માંગે છે કે જો ચીન-રશિયાની જેમ ગયા તો પરિણામ ખરાબ થઈ શકે છે. જ્યારે અમેરિકા તરફ આવવાથી શાંતિ રહેશે.

તસવીર વ્હાઇટ હાઉસે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.
ડેનમાર્ક બોલ્યું- ચીન અને રશિયાથી હાલ કોઈ ખતરો નથી
ડેનમાર્કે ટ્રમ્પના ચીન અને રશિયાથી ખતરો હોવાના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોક્કે રાસમુસેને કહ્યું છે કે તેઓ ટ્રમ્પ સાથે સહમત છે કે આર્કટિકમાં સુરક્ષાની સ્થિતિ બદલાઈ રહી છે.
ટ્રમ્પના રશિયન અને ચીની જહાજોના નિયમિતપણે ગ્રીનલેન્ડની આસપાસ ચક્કર લગાવવાના દાવાને ખોટો ગણાવતા રાસમુસેને કહ્યું, “અમારી ગુપ્ત માહિતી અનુસાર, છેલ્લા એક દાયકાથી ગ્રીનલેન્ડમાં કોઈ ચીની યુદ્ધ જહાજ આવ્યું નથી.”
તેમણે કહ્યું કે “ચીન અને રશિયા તરફથી તાત્કાલિક કોઈ ખતરો નથી”.
ડેનમાર્ક-ગ્રીનલેન્ડ આર્કટિકમાં લશ્કરી ઉપસ્થિતિ વધારી રહ્યું છે
ડેનમાર્ક અને ગ્રીનલેન્ડે કહ્યું છે કે તેમણે આર્કટિક સંરક્ષણને મજબૂત કરવાના તેમના વચન હેઠળ સહયોગીઓ સાથે ગ્રીનલેન્ડ અને તેની આસપાસ પોતાની લશ્કરી ઉપસ્થિતિ વધારવાનું શરૂ કરી દીધું છે.
ડેનમાર્કના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આજથી, નાટોના સહયોગથી ગ્રીનલેન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં લશ્કરી ઉપસ્થિતિનો વિસ્તાર કરવામાં આવશે.”
ગ્રીનલેન્ડે કહ્યું- અમેરિકા નહીં ડેનમાર્કને પસંદ કરશે
ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને કહ્યું છે કે જો ગ્રીનલેન્ડને અમેરિકા અને ડેનમાર્કમાંથી કોઈ એકને પસંદ કરવું પડે, તો તે ડેનમાર્કને પસંદ કરશે. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા છે.
નીલ્સને 13 જાન્યુઆરીના રોજ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં ડેનમાર્કનાં વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેન સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું. તેમનું નિવેદન અમેરિકાની સંસદમાં ગ્રીનલેન્ડને પોતાના કબજામાં લેવા સંબંધિત બિલ રજૂ થયા પછી પ્રથમ સત્તાવાર નિવેદન છે.
નીલ્સનના નિવેદન પર ટ્રમ્પે કહ્યું કે હું તેમને ઓળખતો નથી અને આ વાત પર તેમની સાથે સહમત નથી. આ વડાપ્રધાન માટે મોટી સમસ્યા બની શકે છે.
અમેરિકી સંસદમાં 12 જાન્યુઆરીના રોજ ‘ગ્રીનલેન્ડ એનેક્સેશન એન્ડ સ્ટેટહુડ એક્ટ’ નામનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. તેનો હેતુ ગ્રીનલેન્ડને અમેરિકામાં સામેલ કરવાનો અને પછી તેને અમેરિકાનું રાજ્ય બનાવવાનો છે. જો આ બિલ પસાર થાય છે, તો ગ્રીનલેન્ડ અમેરિકાનું 51મું રાજ્ય બની શકે છે.

ડેનમાર્કનાં વડાપ્રધાન મેટે ફ્રેડરિકસન અને ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને 13 જાન્યુઆરીએ ડેનમાર્કમાં પ્રેસ કોન્ફરન્સ કરી.
શું છે ટ્રમ્પનો ગોલ્ડન ડોમ પ્રોજેક્ટ
અમેરિકાએ ઇઝરાયેલના આયર્ન ડોમ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની જેમ પોતાનું ડિફેન્સ સિસ્ટમ ગોલ્ડન ડોમ બનાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળની શરૂઆતના એક અઠવાડિયા પછી જ ગોલ્ડન ડોમ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ લગભગ 175 અબજ ડોલર (લગભગ 14-15 લાખ કરોડ રૂપિયા)નો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોલ્ડન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે 1200થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે. તેની મદદથી અમેરિકા દુશ્મન મિસાઈલોને અવકાશમાં જ શોધી કાઢીને તેમનો નાશ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આમાંથી 400 થી 1000 સેટેલાઇટ્સ દુશ્મન મિસાઈલોની ઓળખ અને ટ્રેકિંગ માટે તહેનાત કરવામાં આવશે. જ્યારે, લગભગ 200 ઇન્ટરસેપ્ટર સેટેલાઇટ્સ તે મિસાઈલોને અવકાશમાં જ તોડી પાડવા માટે તૈયાર કરવામાં આવશે.
આ ડિફેન્સ સિસ્ટમ દુનિયાના કોઈપણ ભાગમાંથી લોન્ચ થતી મિસાઈલોને રોકવામાં સક્ષમ હશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ગોલ્ડન ડોમ અવકાશમાંથી થતા હુમલાઓને પણ રોકવા સક્ષમ હશે.
આમાં સર્વેલન્સ સેટેલાઇટ અને ઇન્ટરસેપ્ટર સેટેલાઇટ બંનેનો સમાવેશ થશે. ટ્રમ્પે જાન્યુઆરીમાં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તેમણે કહ્યું છે કે આ સિસ્ટમ 2029 સુધીમાં કાર્યરત થઈ જશે. પ્રોજેક્ટની કમાન અમેરિકી સ્પેસ ફોર્સના વરિષ્ઠ જનરલ માઈકલ ગ્યુટલેનને સોંપવામાં આવી છે.