US Lawmaker Randy Fine Muslim Dog Social Media Post Controversy; Viral Remarks Spark Debate PHOTOS
વોશિંગ્ટન ડીસી6 કલાક પેહલા
- કૉપી લિંક

અમેરિકી સાંસદ રેન્ડી ફાઇનની એક સોશિયલ મીડિયા પોસ્ટથી મોટો વિવાદ ઊભો થયો છે. તેમણે મંગળવારે X પર લખ્યું છે કે જો કૂતરાં અને મુસ્લિમોમાંથી એકને પસંદ કરવા પડે તો આ મુશ્કેલ નિર્ણય નથી.
હકીકતમાં રેન્ડી ફાઇને આ ટિપ્પણી ન્યૂયોર્કમાં એક પેલેસ્ટિનિયન-અમેરિકન એક્ટિવિસ્ટ નેરદીન કિસવાનીની પોસ્ટના જવાબમાં કરી હતી. કિસવાનીએ લખ્યું હતું કે કૂતરાં અપવિત્ર છે. આવા સમયે જ્યારે ન્યૂયોર્ક ઇસ્લામ તરફ આવી રહ્યું છે, કૂતરાંને ઘરની અંદર ન રાખવાં જોઈએ. તેમને પ્રતિબંધિત કરવાં જોઈએ.
આના પર ફાઇને કહ્યું હતું કે દુનિયામાં 57 એવા દેશો છે, જ્યાં શરિયા કાયદો લાગુ છે. જો તમે આવું ઇચ્છો છો તો ત્યાં જ જતા રહો. અમેરિકા 58મો મુસ્લિમ દેશ નહીં બને.
બાદમાં કિસવાનીએ કહ્યું હતું કે તે ફક્ત મજાક કરી રહી હતી. તેમણે કહ્યું હતું કે આ ન્યૂયોર્કમાં સાર્વજનિક સ્થળોએ કૂતરાંની ગંદકીને લઈને ચાલી રહેલી ચર્ચા સાથે જોડાયેલું હતું. તેમનું કહેવું હતું કે આ એવા લોકો માટે કહેવામાં આવ્યું હતું, જેઓ રાજકારણમાં મુસ્લિમોના વધતા પ્રભાવને ખતરો માને છે.
ફાઇન પર મુસ્લિમોને અમાનવીય દર્શાવવાનો આરોપ
કિસવાનીએ હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમના જૂના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે પોતાના ફાર્મ પર એક કૂતરાને ગોળી મારવાની વાત કહી હતી.
કિસવાનીએ લખ્યું, ‘ક્રિસ્ટી નોએમે પોતાના જ કૂતરાને ગોળી મારવાની વાત કહી અને મોટા ભાગના લોકોએ ધ્યાન ન આપ્યું. પરંતુ ન્યૂયોર્કમાં એક મુસ્લિમ કહી દે કે શહેર પાલતું પ્રાણીઓ માટે યોગ્ય જગ્યા નથી, તો તેને મોતની ધમકીઓ મળવા લાગે છે.’
તેમણે ફાઇન પર પેલેસ્ટાઈનીઓ અને મુસ્લિમોને અમાનવીય દર્શાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી આવી રહેલી મુસ્લિમવિરોધી ભાષા પર કોઈ કડક કાર્યવાહી થતી નથી.
ફાઇન વિરુદ્ધ કાર્યવાહીની માગ તેજ
રેન્ડી ફાઇનના આ નિવેદન પર વોશિંગ્ટનમાં ભારે વિરોધ થયો છે. ડેમોક્રેટ્સ, સિવિલ રાઇટ્સ ગ્રુપ્સ અને ઘણા નેતાઓએ એેને ઇસ્લામોફોબિયા અને નફરત ફેલાવનારું ગણાવ્યું.
અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ કાઉન્સિલ (CAIR)એ ફાઇન વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી અને કહ્યું કે તેમના રાજીનામાની માગ પહેલાંથી જ ચાલી રહી છે.
યાસમીન અંસારીએ હાઉસ સ્પીકરને તાત્કાલિક નિંદા કરવા જણાવ્યું. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે ફાઇનને જાતિવાદી કહીને રાજીનામું આપવા કહ્યું. બ્રિટિશ પત્રકાર પિયર્સ મોર્ગને પણ તેમને સખત ઠપકો આપ્યો.

ફાઇન બોલ્યા- કૂતરાં આપણા પરિવારના સભ્યો છે, એમને નહીં છોડીએ
ફાઇને વિરોધ પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે અસલી સમસ્યા કિસવાનીનું નિવેદન છે, જે લેખિત સ્વરૂપમાં હતું. ફાઇને ન્યૂઝમેક્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમની પોસ્ટ કિસવાનીના નિવેદનના જવાબમાં હતી, જે શરિયા કાયદો (ઇસ્લામી કાયદો) લાદવાનો પ્રયાસ છે.
તેમણે કહ્યું, ‘અમેરિકામાં કૂતરા પરિવારના સભ્યો છે અને અમે યુરોપની જેમ શરમ અનુભવીને હાર નહીં માનીએ.’ તેમણે કૂતરાંની તસવીરો શેર કરી, જેના પર ‘ડોન્ટ ટ્રેડ ઓન મી’ (ઐતિહાસિક ગેડ્સડેન ફ્લેગનો સ્લોગન) લખેલું હતું.
આ પોસ્ટને 42 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા, હજારો લાઇક્સ, રી-પોસ્ટ્સ અને કમેન્ટ્સ. ફાઇને ટીકાકારોને જવાબ આપ્યો કે કિસવાનીનું નિવેદન લેખિત હતું અને લાખો લોકોએ જોયું.
પોસ્ટના તરત જ પછી વોશિંગ્ટન અને સમગ્ર અમેરિકામાં હોબાળો મચી ગયો. એને ઇસ્લામોફોબિયા, કટ્ટરતા (બિગોટ્રી) અને ડિહ્યુમનાઇઝેશન કહેવામાં આવ્યું. ફાઇન પહેલાં પણ ગાઝા સંબંધિત નિવેદનો પર ટીકાનો સામનો કરી ચૂક્યા છે.
2025માં તેમણે ગાઝા પર કહ્યું હતું કે ગાઝાવાસીઓને ભૂખ્યા મરવા દો, જ્યાં સુધી ઇઝરાયલી બંધકો મુક્ત ન થાય. તેમણે ગાઝાની હાલત હિરોશિમા અને નાગાસાકી જેવી કરવાની વાત પણ કરી હતી.

“ડૉન્ટ ટ્રેડ ઑન મી” ગેડ્સડન ફ્લેગનો પ્રખ્યાત સ્લોગન છે. રેન્ડી ફાઈને પોતાની પોસ્ટમાં કૂતરાની તસવીરો પર પીળા બેકગ્રાઉન્ડ સાથે આ સ્લોગન લખાવીને શેર કર્યો હતો. એનો અર્થ છે કે મને દબાવવાની કોશિશ ન કરો. આ એક ચેતવણી છે કે જો તમે મને દબાવશો કે હુમલો કરશો, તો હું જવાબ આપીશ.
ફાઈન બોલ્યા, યુરોપની જેમ નબળાઈ નહીં બતાવીએ
ફાઈનનું કહેવું છે કે યુરોપના લોકો મુસલમાનો સામે શરમાઈને કે દબાણમાં આવીને પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ અને આઝાદી ગુમાવી ચૂક્યા છે. તેઓ નથી ઈચ્છતા કે અમેરિકામાં પણ આવું થાય. તેમનું કહેવું છે કે અમેરિકા, યુરોપ જેવી નબળાઈ નહીં બતાવે.
ફાઈન અને તેમના જેવા ઘણા જમણેરી ટ્રમ્પના સમર્થકો અવારનવાર દાવો કરે છે કે યુરોપમાં ઇસ્લામિક ટેકઓવર થઈ રહ્યું છે. તેમના મતે, મોટે પાયે મુસ્લિમ ઇમિગ્રેશનથી નો-ગો ઝોન બની ગયા છે, જ્યાં સ્થાનિક કાયદા નબળા પડી ગયા છે.
યુરોપિયન સરકારો પોલિટિકલ કરેક્ટનેસ અથવા મલ્ટીકલ્ચરલિઝમના નામે મુસ્લિમોની માગણીઓ સામે ઝૂકી રહી છે, જેમ કે કૂતરાં પર પ્રતિબંધ અથવા મહિલાઓના અધિકારોમાં ફેરફાર. આનું પરિણામ એ આવી રહ્યું છે કે યુરોપ પોતાની મૂળ સંસ્કૃતિ અને મૂલ્યો ગુમાવી રહ્યું છે અને લોકો શરમ અનુભવીને વિરોધ કરી શકતા નથી.
ફાઈને પોતે ઘણી વખત કહ્યું છે કે શરિયા અમેરિકામાં નહીં આવે. અમેરિકા ઇસ્લામિક દેશ નહીં બને. તેમણે નો શરિયા જેવું બિલ પણ રજૂ કર્યું છે.
ફાઈન ઇઝરાયલના કટ્ટર સમર્થક માનવામાં આવે છે

રેન્ડી ફાઇન એક અમેરિકન રાજકારણી છે, જે રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 20 એપ્રિલ 1974ના રોજ એરિઝોનાના ટ્યુસન શહેરમાં થયો હતો. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી 1996માં AB ડિગ્રી અને 1998માં MBA પૂર્ણ કર્યું.
વ્યવસાયે તેઓ બિઝનેસ એક્ઝિક્યુટિવ છે અને અગાઉ જુગાર ઉદ્યોગમાં કામ કરી ચૂક્યા છે. રાજકારણમાં તેમણે ફ્લોરિડા સ્ટેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 2016થી 2024 સુધી સેવા આપી, પછી ફ્લોરિડા સંસદમાં 2024-2025 સુધી રહ્યા.
એપ્રિલ 2025માં એક વિશેષ ચૂંટણીમાં તેઓ ફ્લોરિડાના 6ઠ્ઠા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ માટે ચૂંટાયા. તેઓ ઇઝરાયલના કટ્ટર સમર્થક છે અને અવારનવાર પેલેસ્ટાઇન-ઇઝરાયલ સંઘર્ષ પર વિવાદાસ્પદ નિવેદનો આપે છે.
