US President Donald Trump Blue Marks Left Hand; Health Reason Revealed; PHOTOS
4 કલાક પેહલા
- કૉપી લિંક

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ડાબા હાથ પર વાદળી નિશાન જોવા મળ્યાં છે. જ્યારે આ નિશાનની તસવીરો સામે આવી ત્યારે અમેરિકાથી લઈને દુનિયાભરના મીડિયામાં ખળભળાટ મચી ગયો. તેમની ઉંમરને લઈને સૌથી વધુ ચર્ચા થવા લાગી. વ્હાઇટ હાઉસે આ મામલે પહેલા જ સ્પષ્ટતા કરી હતી. બાદમાં દાવોસથી પરત ફરતી વખતે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે પોતે એનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું હતું કે તેઓ દરરોજ વધુ માત્રામાં એસ્પિરિન લે છે, તેથી જો તેમને થોડી પણ ઈજા થાય તો તરત જ વાદળી નિશાન પડી જાય છે.
ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન શું છે?
ટ્રમ્પે જણાવ્યું હતું કે આ નિશાન દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ત્યારે પડ્યું, જ્યારે તેમનો હાથ એક ટેબલ સાથે અથડાયો. તેમણે હસતાં- હસતાં કહ્યું, લોકો કહે છે કે હૃદય માટે એસ્પિરિન લો, પરંતુ જો શરીર પર વાદળી નિશાન નથી જોઈતા તો ન લો. હું તો મોટા ભાગે એસ્પિરિન લઉં છું. તેમણે આગળ કહ્યું હતું કે ડોકટરો તેમને આવું ન કરવાની સલાહ આપે છે. ટ્રમ્પના શબ્દોમાં, ડોકટરો કહે છે કે તમે ખૂબ સ્વસ્થ છો, તમને એની જરૂર નથી, પરંતુ હું કોઈ જોખમ લેવા માગતો નથી. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ નિવેદન જારી કરીને કહ્યું કે બોર્ડ ઓફ પીસની ઘોષણા દરમિયાન ટ્રમ્પનો હાથ સાઇનિંગ ટેબલના ખૂણા સાથે અથડાયો હતો. એે જ કારણે આ નિશાન પડ્યું.
ટ્રમ્પના વાદળી હાથ વિશે ડોકટરો શું કહે છે?
ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ મુજબ ચાર ડોકટરોએ વાતચીતમાં કહ્યું હતું કે એ શક્ય છે કે એસ્પિરિનના વધુ ડોઝથી આવાં વાદળી નિશાન પડી ગયાં હોય. એસ્પિરિન લોહીને પાતળું કરે છે, જેનાથી હળવી ઈજા પણ સ્પષ્ટ દેખાવા લાગે છે અને મોડેથી રુઝાય છે. આ મહિનાની શરૂઆતમાં વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ડોકટરોની સલાહથી વધુ માત્રામાં એસ્પિરિન લે છે. તેમનું કહેવું હતું કે તેઓ ઇચ્છે છે કે હૃદયમાં લોહી સરળતાથી વહેતું રહે. તેમણે તેને ‘સારું પાતળું લોહી’ કહ્યું હતું.
શું કોઇ બીમારીથી પીડાઈ રહ્યા છે રાષ્ટ્રપતિ ટ્રમ્પ?
79 વર્ષના ટ્રમ્પને ક્રોનિક વેનસ ઇન્સફિશિયન્સી છે. આનાથી પગની ઘૂંટીઓ અને હાથમાં સોજો અને રંગ બદલવાની સમસ્યા થઈ શકે છે. આ રક્ત પરિભ્રમણની સમસ્યા ઘણીવાર 70%થી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. દર વર્ષે 2 લાખથી વધુ કેસ સામે આવે છે.

ટ્રમ્પને આ બીમારી વિશે ક્યારે ખબર પડી
રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ બીમારી ત્યારે ખબર પડી જ્યારે તેમણે પોતાના હાથમાં હળવો સોજો જોયો હતો. આ પછી તેમણે અલ્ટ્રાસાઉન્ડ અને સંપૂર્ણ તપાસ કરાવી. વ્હાઇટ હાઉસ અનુસાર ટ્રમ્પના સ્કેનમાં ડીપ વેઇન થ્રોમ્બોસિસ કે આર્ટેરિયલ બીમારીનો કોઈ પુરાવો મળ્યો નથી. આ પ્રકારની બીમારીના ગંભીર કિસ્સાઓમાં અલ્સર અને લોહીની ગાંઠ બની જાય છે.
ટ્રમ્પના હાથ પર પહેલા પણ આવાં નિશાન જોવા મળ્યાં હતાં
ગયા વર્ષે પણ ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન જોવા મળ્યાં હતાં. ત્યારે વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે તેઓ સતત લોકો સાથે હાથ મિલાવે છે, તેથી આવું થાય છે. 79 વર્ષના ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં બીજા સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે. તેમના પહેલા જો બાઇડન આ પદ પર રહ્યા હતા, જે 82 વર્ષની ઉંમરે પદ છોડીને ગયા હતા. બાઇડને ઉંમર અને સ્વાસ્થ્ય પર ઊઠતા પ્રશ્નોને કારણે 2024ની ચૂંટણી લડી ન હતી. ટ્રમ્પના હાથ પર દેખાયેલું આ નિશાન ભલે એક નાની વાત હોય, પરંતુ અમેરિકામાં રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને લઈને દરેક નાની વસ્તુ મોટી ખબર બની જાય છે.

આ બીમારી કેટલી ઉંમરના લોકોને અસર કરે છે
આ બીમારી લગભગ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો પર અસર કરે છે. ઉંમર વધવાની સાથે એનો ખતરો પણ વધી જાય છે. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે સતત હાથ મિલાવવાથી તેમને ઈજાનાં નિશાન થયાં છે. ટ્રમ્પ સૌથી વધુ ઉંમરના રાષ્ટ્રપતિ છે. ટ્રમ્પે વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે તેઓ વધુ એસ્પિરિન લે છે. એસ્પિરિન લોહી પાતળું કરવા માટે સારું છે. હું નથી ઈચ્છતો કે મારા હૃદયમાં જાડું લોહી વહે. જણાવી દઈએ કે ટ્રમ્પ બુધવારે દાવોસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિશ્વના નેતાઓને ખાતરી આપી હતી કે તેઓ ગ્રીનલેન્ડને જબરદસ્તીથી નહીં લે.
ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન છોડ્યું

અમેરિકા આજે સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)માંથી બહાર નીકળી ગયું. અમેરિકી સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું, ‘અમે WHOમાં ફરીથી જોડાવાની કોઈ યોજના બનાવતા નથી.’
અમેરિકા હવે દેશો સાથે સીધો સંપર્ક કરીને રોગ સર્વેલન્સ અને અન્ય પ્રાથમિકતાઓ પર કામ કરશે. અમેરિકા પર WHOની લગભગ 2 હજાર 380 કરોડ રૂપિયાથી વધુની ફી બાકી છે, જોકે ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે તેઓ કોઈ ચુકવણી કરશે નહીં, કારણ કે WHOને પહેલાંથી જ જરૂરિયાત કરતાં વધુ આપવામાં આવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો….