Women’s Premier League (WPL) Mega Auction Season 4 Today LIVE Update | આજે WPL મેગા ઓક્શન, 277 પ્લેયર્સ પર બોલી લાગશે: યુપીનું પર્સ સૌથી મોટું, દીપ્તિ-હીલી કરોડપતિ બની શકે; 10 પોઈન્ટ્સમાં બધું જ જાણો
સ્પોર્ટ્સ ડેસ્ક6 કલાક પેહલા
- કૉપી લિંક

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝન માટે મેગા ઓક્શન આજે યોજાશે. ઓક્શન નવી દિલ્હીમાં બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે. દેશ-વિદેશના 277 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે, પરંતુ 5 ટીમમાં માત્ર 73 ખેલાડીઓની જગ્યા ખાલી છે. યુપી વોરિયર્સ પાસે સૌથી વધુ 14.50 કરોડ રૂપિયાનું પર્સ છે, ટીમે એક જ ખેલાડીને રિટેન કરી છે.
WPL મેગા ઓક્શન વિશે બધું જ જાણો
1. ઓક્શનનું આયોજન કોણ કરે છે?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દેશની 2 ફ્રેન્ચાઇઝી લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને વુમન્સ પ્રીમિયર લીગ (WPL)નું આયોજન કરે છે. BCCI જ 27 નવેમ્બરે WPL મેગા ઓક્શન પણ યોજશે. ઓક્શન નવી દિલ્હીના એરોસિટી સ્થિત હોટલમાં બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે.
2. કેટલા ખેલાડીઓ પર બોલી લાગશે?
BCCIએ 277 ખેલાડીઓને ઓક્શન માટે શોર્ટલિસ્ટ કર્યા છે. તેમાં ભારતના 194 અને વિદેશના 66 ખેલાડીઓ છે. જેમાં 159 અનકેપ્ડ ખેલાડીઓ છે, જેમણે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું નથી. જોકે, 277 માંથી વધુમાં વધુ 73 ખેલાડીઓ જ વેચાઈ શકશે. કારણ કે 5 ટીમમાં એટલી જ જગ્યા ખાલી છે. તેમાં 50 ભારતીય અને 23 વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે.

3. 5 ટીમમાં કેટલું પર્સ બાકી છે?
મુંબઈ ઈન્ડિયન્સ (MI), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), દિલ્હી કેપિટલ્સ (DC), યુપી વોરિયર્સ (UPW) અને ગુજરાત જાયન્ટ્સ (GG) 5 ટીમ છે. બધી ટીમ પાસે 15 કરોડ રૂપિયાનું પર્સ હતું, પરંતુ રિટેન્શન પછી દરેક ટીમના પર્સમાં અલગ-અલગ રકમ બચી. યુપી પાસે સૌથી વધુ 14.50 કરોડ રૂપિયાનું પર્સ છે. ગુજરાત પાસે 9 કરોડ રૂપિયા છે. જ્યારે MI, DC અને RCBનું પર્સ 6.50 કરોડ રૂપિયાથી ઓછું છે.

4. કઈ-કઈ ખેલાડીઓ રિટેન થઈ?
5 ટીમે 17 ખેલાડીઓને જાળવી રાખ્યા, જેમાં 7 વિદેશી અને 3 અનકેપ્ડ છે. ભારતની સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, અમનજોત કૌર અને શ્રેયાંકા પાટીલ રહી. આમાંથી શ્રેયાંકા સિવાયના બાકીના 6 ખેલાડીઓ વન-ડે વર્લ્ડ કપ જીતનાર ટીમનો પણ ભાગ હતા.
5. શું રીટેન્શન માટે કોઈ મર્યાદા હતી?
હા, મેગા ઓક્શન પહેલા ટીમ વધુમાં વધુ 5 ખેલાડીઓને જ જાળવી રાખી શકતી હતી. 2 ટીમે તેનો સંપૂર્ણ ઉપયોગ કર્યો. બાકીની 3 ટીમે 5 થી ઓછા ખેલાડીઓને રાખ્યા. તેથી તેમની પાસે ઓક્શનમાં રાઇટ ટુ મેચ (RTM) કાર્ડ પણ રહેશે. RCB પાસે 1, ગુજરાત પાસે 3 અને UP પાસે 4 RTM કાર્ડ છે. RTM કાર્ડનો ઉપયોગ ટીમ ઓક્શનમાં કરી શકે છે. ટીમો રિલીઝ કરાયેલા ખેલાડીઓને ઓક્શનમાં ફરીથી પોતાનો ભાગ બનાવી શકે છે.
આને ઉદાહરણથી સમજીએ. યુપી વોરિયર્સે ઓસ્ટ્રેલિયાની એલિસા હીલીને રિલીઝ કરી દીધી. ઓક્શનમાં જો તેમને DCએ 2 કરોડ રૂપિયામાં ખરીદી લીધા. ત્યારે UPW પોતાના RTM કાર્ડનો ઉપયોગ કરીને હીલીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. જોકે, જો DCએ હીલીની કિંમત 4 કરોડ રૂપિયા કરી દીધી તો UPWને નવી કિંમતમાં હીલીને સ્ક્વોડમાં સામેલ કરવી પડશે. જો UPWએ નવી કિંમત આપવાની ના પાડી દીધી તો હીલી નવી કિંમતમાં DCનો ભાગ બની જશે.

6. કઈ ટીમમાં સૌથી વધુ જગ્યા ખાલી?
MI અને DCએ 5-5 ખેલાડીઓને રિટેન કર્યા. RCB એ 4 અને ગુજરાતે 2 ખેલાડીઓને રાખ્યા. જ્યારે UPએ માત્ર 1 અનકેપ્ડ ખેલાડીને રિટેન કર્યો. એક ટીમમાં 15 થી 18 ખેલાડીઓ હોઈ શકે છે, જેમાં વધુમાં વધુ 6 વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. આ હિસાબે ટીમમાં 73 ખેલાડીઓની જગ્યા ખાલી છે.

7. કયા ખેલાડીઓ પર સૌથી પહેલા બોલી લાગશે?
ઓક્શનમાં ખેલાડીઓને અલગ-અલગ સેટમાં વહેંચવામાં આવ્યા છે. સૌથી પહેલા માર્કી સેટનો નંબર આવે છે. જેમાં 8 ખેલાડીઓ છે, જેમની માગ સૌથી વધુ છે. પછી ઇન્ટરનેશનલ બેટર, ઓલરાઉન્ડર, વિકેટકીપર, પેસર અને સ્પિનર્સનો નંબર આવે છે. ઇન્ટરનેશનલ પછી અનકેપ્ડ ખેલાડીઓનો નંબર આવે છે.
8. ખેલાડીઓની બેઝ પ્રાઇસ કેટલી છે?
માર્કી સેટમાં ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇન, એમેલિયા કેર, ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટન, ઓસ્ટ્રેલિયાની એલિસા હીલી, મેગ લેનિંગ, સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટ, ભારતની દીપ્તિ શર્મા અને રેણુકા સિંહ છે.
માર્કી સેટમાં 6 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા છે. રેણુકાની 40 લાખ અને વોલ્વાર્ટની 30 લાખ રૂપિયા છે. કુલ 19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા રાખવામાં આવી છે. 11 ખેલાડીઓની કિંમત 40 લાખ રૂપિયા અને 88 ખેલાડીઓની 30 લાખ રૂપિયા છે. બાકીના ખેલાડીઓની બેઝ પ્રાઇસ 10 અને 20 લાખ રૂપિયા છે.
9. કોણ સૌથી મોંઘા ખેલાડી બની શકે છે?
ભારતની વર્લ્ડ કપ વિજેતા ખેલાડી દીપ્તિ શર્મા, રેણુકા સિંહ, ક્રાંતિ ગૌડ અને શ્રી ચારણી મોંઘા ખેલાડી બની શકે છે. જ્યારે વિદેશીઓમાં એલિસા હીલી, સોફી એક્લેસ્ટન, એમેલિયા કેર, મેગ લેનિંગ, ફીબી લિચફિલ્ડ અને ગ્રેસ હેરિસ પણ કરોડપતિ બની શકે છે.

10. ક્યાં જોઈ શકાય છે ઓક્શન?
WPLના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ રિલાયન્સ પાસે છે. ટીવીના દર્શકો સ્ટાર સ્પોર્ટ્સ અને OTTના દર્શકો જિયોહોટસ્ટાર પર ઓક્શનનું લાઇવ કવરેજ જોઈ શકે છે. આ ઉપરાંત તમે દિવ્ય ભાસ્કર એપ પર પણ ઓક્શન સંબંધિત વિગતો જાણી શકો છો.